અધ્યાય-૧૭૧-કચ્ચરઘાણ
II संजय उवाच II ततस्ते प्रादवन सर्वे त्वरिता युध्धदुर्मदा I अमृष्यमाणाः संरब्धा युयुधानरथं प्रति II १ II
સંજય બોલ્યો-તે પછી,યુદ્ધદુર્મદ તે સર્વ યોદ્ધાઓ,ક્રોધપૂર્વક સાત્યકિના રથ સામે ધસ્યા હતા.સાત્યકિને સર્વ તરફથી ઘેરી લઈને તે મહારથીઓ સિંહનાદો કરીને તેની પર તીક્ષ્ણ બાણોનો વરસાદ વરસાવવા લાગ્યા હતા.સામે સાત્યકિ અનેક બાણો છોડીને તેમની સામે ટક્કર લેવા લાગ્યો હતો.તેના બાણોથી અનેક યોદ્ધાઓનો સંહાર થયો હતો,ને તેના બાણોથી પીડાવાથી સૈન્યમાં ભંગાણ પડ્યું.સાત્યકિની બાણો છોડવાની ગતિ અદભૂત હતી.પોતાની સેનાનો વિનાશ થતો જોઈને દુર્યોધન પોતે સાત્યકિ સામે યુદ્ધ કરવા આગળ આવ્યો ને તે બંને વચ્ચે તુમુલ યુદ્ધ થયું.
બંને યોદ્ધાઓ એકબીજાના બાણોને કાપી નાખતા હતા.સાત્યકિએ તમારા પુત્રની છાતી વીંધી નાખીને,તેના ઘોડાઓને મારી નાખ્યા.ને સારથિને રથ પરથી ગબડાવી દીધો.રથ વગરનો થયેલ દુર્યોધન તેમ છતાં પણ સાત્યકિ સામે બાણોથી પ્રહાર કરતો રહ્યો હતો.હવે સાત્યકિએ તેના ધનુષ્યને કાપી નાખ્યું એટલે રથ ને ધનુષ્ય વગરનો તે દુર્યોધન કૃતવર્માના રથ પર ચડી ગયો.આ રીતે દુર્યોધન પાછો હટ્યો ત્યારે સાત્યકિ અનેક બાણોના પ્રહારથી તમારી સેનાને નસાડી મુકવા લાગ્યો.
પેલી તરફ શકુનિએ હજારો રથો,ઘોડાઓ ને હાથીઓના સૈન્ય વડે અર્જુનની આસપાસ ઘેરો કર્યો હતો.શકુનિએ અર્જુનને તીક્ષ્ણ બાણો મારીને તેના રથને આગળ વધતો અટકાવ્યો.ત્યારે અર્જુને તેના પર ને બીજા સર્વ ધનુર્ધરો પર બાણોનો પ્રહાર કરીને તેમને આગળ વધતા અટકાવ્યા અને પછી,જેમ ઇન્દ્ર અસુરોનો સંહાર કરે તેમ,તમારા યોદ્ધાઓનો સંહાર કરવા મંડ્યો.જોતજોતામાં તો ત્યાં યોદ્ધાઓ,ઘોડાઓ,હાથીઓના મૃતદેહોથી રણભૂમિ ભરાઈ ગઈ.અર્જુને રણમાં ઉગ્ર પરાક્રમ કરીને શકુનિને વીંધવા માંડ્યો વળી,ત્રણ ઉગ્ર બાણ મૂકીને શકુનિના પુત્ર ઉલૂકને વીંધી નાખ્યો.
પછી,અર્જુને શકુનિના ધનુષ્યને કાપી નાખીને તેના ઘોડાઓને મારી નાખ્યા,ત્યારે શકુનિ પોતાના પુતે ઉલૂકના રથ પર ચડી ગયો.પછી એક જ રથમાં બેઠેલા તે પિતાપુત્ર અર્જુન પર બાણોનો પ્રહાર કરવા લાગ્યા,ત્યારે સામે અર્જુને પણ તેમને વીંધ્યા ને બીજાં સેંકડો બાણો મૂકીને તમારી સેનામાં ભંગાણ પાડ્યું.કેટલાએક યોદ્ધાઓ તો તે અંધકારમાં પોતાનાં અંગો છુપાવીને નાઠા હતા.આ રીતે તમારા યોદ્ધાઓનો રણમાં પરાજય કરીને અર્જુન અને શ્રીકૃષ્ણ શંખનાદ કરી રહ્યા હતા.
બીજી તરફ,ધૃષ્ટદ્યુમ્ને દ્રોણ પર આક્રમણ કરીને તેમના ધનુષ્યની દોરી કાપી નાખી ત્યારે દ્રોણે નવું ધનુષ્ય લઈને ધૃષ્ટદ્યુમ્ન અને તેના સારથિને વીંધી નાખ્યો.ને બીજાં અનેક બાણોથી ધૃષ્ટદ્યુમ્ન પર પ્રહાર કર્યો.સામે ધૃષ્ટદ્યુમ્ને પોતાની તરફ આવતાં બાણોનો નાશ કરીને કૌરવો સેનાનો સંહાર કરવા માંડ્યો હતો.ત્યારે તે રણક્ષેત્રમાં બંને સેનાની મધ્યમાં લોહીની ઘોર નદી ચાલુ થઇ હતી.કે જે નદી મનુષ્યો,ઘોડાઓ ને હાથીઓને તાણી જતી હતી.એ પ્રમાણે તમારા સૈન્યને હાંકી કાઢીને ધૃષ્ટદ્યુમ્ન ત્યાં પ્રતાપી ઇન્દ્ર સરખો શોભતો હતો.અર્જુન,ધૃષ્ટદ્યુમ્ન,શિખંડી,નકુલ,સહદેવ,સાત્યકિ અને ભીમસેન આદિ યોદ્ધાઓએ તમારા હજારો રથીઓનો પરાજય કરીને અતિ ઉન્મત્ત થઈને તેઓ પોતપોતાના શંખો વગાડવા લાગ્યા હતા (54)
અધ્યાય-171-સમાપ્ત