અધ્યાય-૧૭૦-ધૃષ્ટદ્યુમ્નની દ્રોણાચાર્ય પર ચડાઈ
II संजय उवाच II तस्मिन् सुतुमुले युद्धे वर्तमाने भयावहे I ध्रुष्ट्ध्युम्नो महाराज द्रोणमेवाभ्यवर्तत II १ II
સંજય બોલ્યો-હે મહારાજ,આ પ્રમાણે જયારે તે મહાભયંકર તુમુલ યુદ્ધ થઇ રહ્યું હતું ત્યારે ધૃષ્ટદ્યુમ્ને દ્રોણાચાર્ય સામે જ ધસારો કર્યો હતો.તે વખતે પાંચાલ ને પાંડવ યોદ્ધાઓ તેને વીંટાઈ વળ્યા હતા.દ્રોણને શત્રુઓથી ઘેરાયેલા જોઈને તમારા પુત્રો બરાબર સાવધ થઈને દ્રોણની રક્ષા કરવા લાગ્યા.જોતજોતામાં તે બે સૈન્યો મોટા મહાસાગરની જેમ સામસામે આવી ગયાં.
દ્રોણાચાર્યે પચીસ બાણોથી ધૃષ્ટદ્યુમ્નને વીંધીને તેના ધનુષ્યને કાપી નાખ્યું ત્યારે તેણે નવું ધનુષ્ય હાથમાં લઈને એક ઘોર બાણ છોડ્યું,તે તેજસ્વી બાણે જાણે સૈન્યને પ્રકાશિત કર્યું હતું,પણ તે બાણને આચાર્યના રથ સામે ધસી આવતું જોઈને કર્ણે તેને અધવચ્ચે જ કાપી નાખ્યું,ને બીજાં દશ બાણોથી ધૃષ્ટદ્યુમ્નને વીંધી નાખ્યો.
વળી,દ્રોણાચાર્ય,અશ્વત્થામા,શલ્ય,દુઃશાસન,દુર્યોધન અને શકુનિએ પણ ધૃષ્ટદ્યુમ્ન પર બાણોથી પ્રહાર કર્યો.પણ ત્યારે ધૃષ્ટદ્યુમ્ન જરા પણ ગભરાયા વિના તેમનાં બાણોને કાપીને સામો પ્રહાર કરીને સર્વને વીંધતો હતો.એ અરસામાં દ્રુમસેન નામનો એક યોદ્ધાએ આગળ આવીને ધૃષ્ટદ્યુમ્ન પર પ્રહાર કરીને 'ઉભો રહેજે' એમ કહી ટોણો માર્યો.ત્યારે ક્રોધિત ધૃષ્ટદ્યુમ્ને તુરત જ એક ભલ્લ બાણ મૂકીને તેના મસ્તકને ધડ પરથી કાપી નાખ્યું.પછી,તેણે કર્ણના ધનુષ્યને કાપી નાખ્યું,એટલે તે કર્ણ નવું ધનુષ્ય લઈ ધૃષ્ટદ્યુમ્ન પર પ્રહાર કરવા લાગ્યો.બાકીના બીજા છ મહારથીઓ પણ ધૃષ્ટદ્યુમ્ન આસપાસ આવી તેને ઘેરી લીધો.આ જોઈને સાત્યકિ જથ્થાબંધ બાણો ફેંકતો ધૃષ્ટદ્યુમ્નની મદદે આવી પહોંચ્યો,ને આવીને કર્ણને વીંધી નાખ્યો.
તે વેળા,સાત્યકિ ને કર્ણનો તે ભેટો પૂર્વે થયેલા ઇન્દ્ર અને બલિરાજાના ભેટ સરખો તીવ્ર હતો.બંને વચ્ચે ઘમાસાણ યુદ્ધ મચ્યું હતું તે વખતે તમારા પુત્રો ને કર્ણનો પુત્ર પણ ત્યાં ધસી આવીને સાત્યકિ પર બાણોનો વરસાદ કરવા લાગ્યા.સાત્યકિએ પોતાનાં ઉત્તમ અસ્ત્રો વાપરીને તે સર્વનાં અસ્ત્રોને અટકાવ્યાં ને ક્રોધિત થઈને તેને કર્ણપુત્ર વૃષસેનની છાતી વીંધી નાખી,કે જેથી તે બેભાન થઈને રથમાં ઢળી પડ્યો.પોતાના પુત્રને મરણ પામેલો સમજીને કર્ણે ક્રોધિત થઈને સાત્યકિને અત્યંત પીડવા માંડ્યો.
આમ,હે રાજન,તે સંગ્રામમાં વીરોનો સંહાર ચાલી રહ્યો હતો ત્યારે ગાંડીવનો અતિ મહાન શબ્દ સંભળાવા લાગ્યો,તે સાંભળીને કર્ણ દુર્યોધનને કહેવા લાગ્યો કે-'હે દુર્યોધન,આ ગાંડીવનો ટંકાર અર્જુનના વિજયનો સંકેત આપે છે,તે આપણી ભારતી સેનાનો સંહાર કરી રહ્યો છે,ને આપણું સૈન્ય છિન્નભિન્ન થઇ રહ્યું છે.યોદ્ધાઓ આમતેમ નાસી રહ્યા છે,તેનો કોલાહલ તું સાંભળ.આ તરફ સાત્યકિ આપણા મધ્યમાં આવીને ઉભો છે તો તેનો કોઈ પણ ઉપાયે નાશ કરવામાં આવે તો અવશ્ય આપણે સમગ્ર શત્રુઓનો પરાજય કરી શકીશું.આપણે બધા એકઠા મળીને જેમ,અભિમન્યુને મારી નાખ્યો હતો તેમ આ સાત્યકિને હણી નાખીએ.પેલો અર્જુન અહીં સાત્યકિની મદદે ન આવે તે માટે જો સારા સારા યોદ્ધાઓ તેની સામે ચડી જાય તો આપણ સર્વેને સાત્યકિને મારી નાખતાં વાર નહિ લાગે,માટે મારી આ યુક્તિનો તું આ સમયે ઉપયોગ કર'
હે રાજન,એ વખતે કર્ણના મત પર આધાર રાખીને તમારા પુત્રે શકુનિને કહ્યું કે-'હે મામા,તમે દશ હજાર હાથીઓ ને દશ હજાર રથીયોદ્ધાઓને લઈને અર્જુન સામે ચડી જાઓ.દુઃશાસન,દુર્વિષહ,સુબાહુ અને દુષ્પ્રધર્ષણ -એ સર્વ યોદ્ધાઓ તમારી પાછળ આવશે.તમે અહીંથી જઈને તે પાંડવોને હણી નાખો.આ યુદ્ધમાં વિજયની આશા પણ તમારા પર જ અવલંબી રહી છે.'
દુર્યોધનના એ કથનથી શકુનિ પાંડવોની સેનાએ તરફ પ્રયાણ કરી ગયો.ને કર્ણ અનેક બાણો ફેંકતો સાત્યકિ તરફ ધસ્યો.બીજા મહારથીઓ પણ ભેગા મળીને સાત્યકિને ઘેરી વળ્યા.બીજી તરફ દ્રોણાચાર્ય,ધૃષ્ટદ્યુમ્નના રથ સામે જઈ પહોંચ્યા ને ત્યાં તે બંને મહારથીઓ વચ્ચે અદભુત યુદ્ધની શરૂઆત થઇ.(70)
અધ્યાય-170-સમાપ્ત
