અધ્યાય-૧૬૯-રાત્રિયુદ્ધનું રૌદ્ર સ્વરૂપ
II संजय उवाच II नकुलं रमसं युद्धे निघ्नंतं वाहिनीं तव I अभ्ययात सौबलः कृद्वस्तिष्ठ तिष्ठेति चात्रवित II १ II
સંજય બોલ્યો-એ યુદ્ધમાં નકુલ વેગપૂર્વક તમારી સેનાનો સંહાર કરી રહ્યો હતો તે સમયે સુબલપુત્ર શકુનિ તેની સામે ધસ્યો.ને તેમની વચ્ચે યુદ્ધ શરુ થયું.તે બંને એકબીજા પર પ્રહાર કરી રહ્યા હતા ને બંને લોહીથી લથબથ થયા હતા.કોપિત શકુનિએ ત્યારે એક કર્ણઆકારનું બાણ મૂકીને નકુલના હૃદયને વીંધ્યું કે જેથી તે મૂર્છા પામીને રથની બેસણી પર બેસી ગયો.થોડીવારે જયારે તેને ભાન આવ્યું ત્યારે તે ફરીથી શકુની તરફ ધસ્યો ને તેના ધનુષ્યને કાપી નાખ્યું ને બાણો મૂકી તેનો સાથળોને ઘાયલ કર્યા.ઘણો ઘાયલ ને બેભાન થયેલો શકુની ધજાના દાંડાને પકડી રથની બેઠક પર બેસી ગયો.ત્યારે તેનો સારથિ તેને રણમાંથી દૂર લઇ ગયો.આમ,શકુનિને હરાવીને નકુલ સિંહનાદ કરવા લાગ્યો ને પછી તે દ્રોણાચાર્ય પ્રતિ ધસ્યો.
બીજી તરફ શિખંડી જયારે દ્રોણ પ્રતિ ધસતો હતો ત્યારે કૃપાચાર્યે વચ્ચે આવી તેના પર વીસ બાણોનો પ્રહાર કર્યો.તે બંને વચ્ચે ઘોર સ્વરૂપનું ભયાનક યુદ્ધ થયું હતું.બંને વચ્ચેની ઝપાઝપીમાં શિખંડીએ કૃપાચાર્યના ધનુષ્યને કાપી નાખ્યું એટલે કૃપાચાર્યે એક શક્તિ ફેંકી,કે જેને શિખંડીએ વચમાં જ કાપી નાખી.હવે કૃપાચાર્યે નવું ધનુષ્ય હાથમાં લઈને તીક્ષ્ણ બાણો છોડીને શિખંડીને રણમાં જ છાઈ દીધો,ત્યારે શિખંડીને મૂર્છા આવી ગઈ ને રથની બેસણી પર બેસી ગયો.ત્યારે પાંચાલો ને સોમક યોદ્ધાઓ આવીને તેની આસપાસ વીંટાઈ વળ્યા.આ તરફ કૃપાચાર્યની મદદે તમારા પુત્રો આવ્યા.ને પરસ્પર તુમુલ યુદ્ધ શરુ થયું.તે રાત્રિએ નિર્મર્યાદ યુદ્ધ ચાલ્યું હતું,ભયકંર સંહાર થયો હતો,ને તે યુદ્ધ ભીરુ પુરુષોના ભયને વધારનારૂ થઇ પડ્યું હતું (50)
અધ્યાય-169-સમાપ્ત