અધ્યાય-૧૬૮-નકુલપુત્ર શતાનીક વગેરે યોદ્ધાઓનું યુદ્ધ
II संजय उवाच II शतानीकं शरैस्तुर्ण निर्दहंतं चमूं तव I चित्रसेनस्तव सुतो वारयामास भारत II १ II
સંજય બોલ્યો-હે ભારત.નકુળનો પુત્ર શતાનીક,બાણો મુકીમુકીને તમારી સેનાને સંહારી રહ્યો હતો,તે જોઈને તમારા પુત્ર ચિત્રસેને તેને અટકાવ્યો,ને તેની છાતી પર નવ બાણો મૂકીને પ્રહાર કર્યો.શતાનીકે સામે બાણો મૂકી તેના કવચને,ધ્વજને ને ધનુષ્યને કાપી નાખ્યું.ચિત્રસેને નવું ધનુષ્ય લઈને શતાનિકને ફરીથી વીંધ્યો ત્યારે ક્રોધિત થયેલ શતાનીકે,ચિત્રસેનના ચારેય ઘોડાઓ ને સારથિને મારી નાખ્યા ને તેનું ધનુષ્ય પણ કાપી નાખ્યું.રથ વગરનો થયેલ ચિત્રસેન કૃતવર્માનાં રથ પર ચડી ગયો.
મહારથી દ્રુપદ (યજ્ઞસેન) દ્રોણાચાર્ય સામે ઘસતા હતા ત્યારે કર્ણપુત્ર વૃષસેન બાણોનો પ્રહાર કરતો તેમના પર ચઢી આવ્યો.બંને વચ્ચે ભીષણ સંગ્રામ થયો.બંને લોહીલુહાણ થયા હતા.ક્રોધાયમાન થયેલા દ્રુપદરાજે એક ભલ્લ બાણ મૂકીને વૃષસેનના ધનુષ્યના બે ટુકડા કરી નાખ્યા.ત્યારે વૃષસેને તુરત જ નવું ધનુષ્ય હાથમાં લઈને એક ભલ્લ બાણ કાન સુધી ખેંચીને સાંધ્યુ કે જે દ્રુપદરાજના હૃદયને ચીરીને પૃથ્વીમાં પેસી ગયું.મૂર્છાવશ થયેલા તે દ્રુપદરાજને સારથી રણમાંથી દૂર લઇ ગયો.પાંચાલોનો એ મહારથી ભાંગી પડ્યો ત્યારે દ્રુપદરાજનું સૈન્ય વૃષસેનના પુત્રથી ત્રાસ પામીને ભાગવા લાગ્યું.હે રાજન,ત્યાં તમારા પક્ષમાં એ વૃષસેન અતિશય પ્રકાશિત થઈને ઉભો હતો,પછી તે જ્યાં યુધિષ્ઠિર યુદ્ધ કરતા હતા ત્યાં પહોંચ્યો.
એ જ અરસામાં રણમાં સંહાર કરતા પ્રતિવિધ્ય સામે દુઃશાસન યુદ્ધ કરવા ગયો ને તેને વીંધી નાખ્યો.બંને વચ્ચે ભયંકર યુદ્ધ શરુ થયું.એ રણમાં તમારા પુત્રે ઘણું દુષ્કર કર્મ કર્યું હતું.તેણે ઉગ્ર બાણો મૂકીને પ્રતિવિધ્યના ઘોડાઓ,સારથિ ને રથનો વિંધવન્સ કર્યો હતો.રથ વગરનો થયેલો પ્રતિવિધ્ય છતાં હાથમાં ધનુષ્ય લઈને તમારા પુત્ર સામે લડતો હતો ત્યારે દુઃશાસને તેના ધનુષ્યને કાપી નાખ્યું.ત્યારે પ્રતિવિધ્યના ભાઈઓ મોટી સેના સાથે ત્યાં ધસી આવ્યા.એટલે પ્રતિવિધ્ય તુરત જ સુતસોમના રથ પર ચડી ગયો ને બાણોનો પ્રહાર કરીને તમારા પુત્રને વીંધવા લાગ્યો.તે જોઈને તમારા પક્ષના યોદ્ધાઓ પણ દુઃશાસનની મદદે આવ્યા.મધ્યરાત્રિના દારુણ સમયે ત્યાં યમરાજાના રાજ્યમાં વધારો કરનારું યુદ્ધ ચાલું થયું હતું.(47)
અધ્યાય-168-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE