Jul 1, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1165

અધ્યાય-૧૬૭-સહદેવ અને કૌરવપક્ષી રાક્ષસ અલંબુષ નાઠા 


 II संजय उवाच II सहदेवमथायांतं द्रोणप्रेप्सुं विशांपते I कर्णो वैशर्तनो युद्धे वारयामास भारत II १ II

સંજય બોલ્યો-હે ભારત,ત્યાં સહદેવ દ્રોણાચાર્ય સામે યુદ્ધમાં ધસી જતો હતો ત્યારે કર્ણે તેને અટકાવ્યો.સહદેવે તેને નવ બાણોથી વીંધ્યો.તે જોઈ કર્ણે સામે સો બાણોનો પ્રહાર કરીને તેના ધનુષ્યને કાપી નાખ્યું.સહદેવે નવું ધનુષ્ય લઈને સામો પ્રહાર કર્યો ત્યારે કર્ણે અનેક બાણો મૂકીને સહદેવના સારથિ ને ઘોડાઓને મારી નાખ્યા.સહદેવે ઢાલ તલવાર હાથમાં લીધી,કે જેનો કર્ણે નાશ કર્યો.ત્યાર બાદ સહદેવે ગદા,શક્તિ રથનું પૈડું -વગેરેથી તેના સામે પ્રહાર કર્યો કે જે સર્વનો કર્ણે નાશ કર્યો.પછી હથિયાર રહિત થયેલા તે સહદેવે રણસંગ્રામનો ત્યાગ કર્યો.તે વખતે કર્ણે.પોતે કુંતીને આપેલા વચનનું સ્મરણ કરીને તે સહદેવને સંગ્રામમાં માર્યો નહોતો.પછી,તે કર્ણ પાંચાલવંશી જન્મેજયના રથ સામે ધસી ગયો.

આ તરફ વિરાટરાજા દ્રોણાચાર્ય સામે ધસી આવતા હતા ત્યારે મદ્રરાજાએ તેમને અનેક બાણોથી છાઈ દઈને રોક્યો.તે બંને વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું.છેવટે જયારે મદ્રરાજે,વિરાટરાજના સારથિ,ઘોડાઓને મારી નાખ્યા.ત્યારે ત્યાં તેનો ભાઈ શતાનીક રથ લઈને દોડી આવ્યો,પણ મદ્રરાજે તેને તરત જ અનેક બાણો મૂકીને યમલોકમાં મોકલી દીધો.પોતાના ભાઈને મરણ પામેલો જોઈને વિરાટરાજ ક્રોધિત થઈને ભાઈના રથમાં જ બેસીને જથ્થાબંધ બાણો મૂકીને મદ્રરાજને છાઈ દીધો.ત્યારે સામે મદ્રરાજે એક મજબૂત ગાંઠાવાળું બાણ મૂકીને વિરાટરાજના વક્ષઃસ્થળમાં પ્રહાર કર્યો કે જેથી વીંધાઇને મૂર્છિત થયેલો વિરાટરાજ બેસી ગયો.ઘાયલ થયેલા તે વિરાટરાજને તેનો સારથિ એકદમ રણમાંથી તેને દૂર લઇ ગયો.


તે શલ્યરાજાને વિરાટરાજની સેનાનો સંહાર કરતો જોઈને અર્જુન ત્યાં ધસ્યો.તેને ધસી આવતો જોઈને સામે રાક્ષસોનો રાજા અલંબુષ પોતાના આઠ પૈડાંવાળા રથમાં બેસીને આગળ આવી અર્જુન સામે સેંકડો બાણોનો પ્રહાર કરીને તેને રોકવા લાગ્યો.

તે વખતે તેમની વચ્ચે અદભૂત યુદ્ધ થયું હતું.અર્જુને અનેક બાણોથી,તે રાક્ષસની ધજા,સારથિ.ઘોડાઓ ને તેના ધનુષ્યને પણ કાપી નાખ્યું.તે રાક્ષસે બીજું ધનુષ્ય હાથમાં લીધું કે જેના પણ અર્જુને બે કકડા કરી નાખ્યા.પછી,તે રાક્ષસે તલવાર હાથમાં લીધી કે જેના પણ અર્જુને એક બાણ વડે બે ટુકડા કરી નાખ્યા ને તે રાક્ષસરાજને અત્યંત વીંધી નાખ્યો.ત્યારે ગાઢ વીંધાયેલો તે રાક્ષસ અર્જુનના ભયથી રણ છોડીને નાસી ગયો.એ રીતે તે રાક્ષસનો પરાજય કરીને અર્જુન દ્રોણ સામે ચાલ્યો ને માર્ગમાં આવતા સૈનિકોનો સંહાર કરતો તે આગળ વધતો હતો.ત્યારે તેના ડરથી કૌરવ સૈન્ય નાસભાગ કરવા લાગ્યું હતું.(50)

અધ્યાય-167-સમાપ્ત