Jun 30, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1164

 

અધ્યાય-૧૬૬-ભીમ અને દુર્યોધનનું યુદ્ધ-દુર્યોધન નાઠો 


 II संजय उवाच II भुरिस्तु समरे राजन शैनेयं रथिनां वरम् I आपतंतमयासेधत् प्रयाणादिव कुंजरं II १ II

સંજય બોલ્યો-હે રાજન,ઢાળવાળી જમીન પર દોડી આવતા હાથીને જેમ અટકાવવામાં આવે તેમ,એ યુદ્ધમાં ધસી આવતા સાત્યકિને કૌરવ ભુરિએ અટકાવ્યો હતો.તે બંને વચ્ચે તુમુલ યુદ્ધ થયું.બંને અરસપરસ બાણો મૂકી એકબીજાના ધનુષ્યને કાપતા હતા પણ તે બંને કુશળ યોદ્ધાઓ પલકવારમાં જ નવું ધનુષ્ય લઈને એકબીજાની છાતી પર પ્રહાર કરતા હતા.બંને અત્યંત વીંધાઈ ગયા હતા.છેલ્લે જયારે ભૂરિએ સાત્યકિનું ધનુષ્ય કાપી નાખ્યું ત્યારે અત્યંત ક્રોધાયમાન થયેલા સાત્યકિએ એક મહાન વેગવાળી શક્તિનો પ્રહાર કર્યો કે જેના પ્રહારથી ભુરિનાં અંગો છિન્નભિન્ન થયાં ને તે મરણશરણ થયો.

એ શૂરા કૌરવને મરણ પામેલો જોઈને અશ્વત્થામા સાત્યકિ સામે ધસી આવ્યો.તેને ધસી આવતો જોઈને ઘટોત્કચ મોટો સિંહનાદ કરીને વચ્ચે આવી તેને કહેવા લાગ્યો કે-'ઓ દ્રોણપુત્ર,ઉભો રહે,હવે તું મારી પાસેથી જીવતો જઈ શકીશ નહિ.' આમ કહી તેણે રથની ધરી જેવડાં મોટાં બાણોનો વરસાદ વરસાવ્યો કે જેનો અશ્વત્થામાએ આમે બાણો મૂકીને ઝડપથી નાશ કરીને બીજાં સો બાણો મૂકીને ઘટોત્કચને ઢાંકી દીધો.સામે ઘટોત્કચ વરાહના કાન જેવા આકારના,નળીના આકારના ને વિકર્ણ નામના બાણોની વૃષ્ટિ કરી.પણ અશ્વત્થામાએ દિવ્ય અસ્ત્રોનો પ્રયોગ કરી તે બાણોનો નાશ કરી નાખ્યો હતો.


તે સમયે આકાશમાં બાણોનો બીજો સંગ્રામ જ મચ્યો હોય તેવું જણાતું હતું.રાત્રિના સમયમાં આકાશ જાણે પતંગિયાંથી ભરાઈ ગયું હોય તેવું દીપતું હતું.તે યુદ્ધ ઘણું ઘોર હતું.પછી,ઘટોત્કચે અશ્વસ્થામાની છાતીમાં દશ બાણોથી સખ્ત પ્રહાર કર્યો ત્યારે અશ્વત્થામા હચમચી ગયા ને મૂર્છાવશ થઈને ધજાના દાંડાનો ટેકો લઈને બેસી ગયા.તે વેળા કૌરવ સૈન્યમાં હાહાકાર મચી ગયો ને સર્વ અશ્વત્થામાને મરણ પામેલો જ માની બેઠા હતા.તેવામાં થોડીવારમાં જ અશ્વત્થામાને ભાન આવ્યું અને તેણે કાળના દંડ જેવું એક ઘોર બાણ ઘટોત્કચ તરફ છોડ્યું કે જે બાણ ઘટોત્કચના હૃદયને ચીરીને પૃથ્વીમાં પેસી ગયું.આ અતિ પ્રહારથી ઘટોત્કચ મૂર્છિત થઇ બેસણી પર બેસી ગયો,ત્યારે તેનો સારથિ તેને સત્વર રણાંગણમાંથી દૂર લઇ ગયો.વિજય પામેલો દ્રોણપુત્ર અશ્વત્થામા ત્યારે ઘણા મોટા શબ્દોથી ગર્જના કરવા લાગ્યો.સર્વ યોદ્ધાઓ તેની પ્રશંસા કરવા લાગ્યા હતા.


તે પછી,દ્રોણના રથ સામે લડી રહેલા ભીમસેનને દુર્યોધને પોતે તીક્ષ્ણ બાણો છોડીને વીંધવા લાગ્યો ત્યારે ભીમસેને પણ સામે તેને વીંધ્યો ને તેના ધનુષ્ય અને ધ્વજને કાપી નાખ્યો.ત્યારે ક્રોધે ભરાયેલ દુર્યોધને સામે ક્ષુરપ્ર બાણોનો પ્રહાર કરીને ભીમસેનના ધનુષ્યને કાપી નાખ્યું.ભીમસેને બીજું ધનુષ્ય લીધું તો તેના પણ દુર્યોધને કકડા કરી નાખ્યા.એટલું જ નહિ પણ ભીમે ત્રીજું,ચોથું,

પાંચમું-એમ જે જે ધનુષ્ય હાથમાં લીધું તેના દુર્યોધને ટુકડા કરી નાખ્યા.હવે ભીમે એક કાળ સરખી શક્તિ ફેંકી,કે જેના પણ દુર્યોધને બાણો મૂકીને ટુકડા કરી નાખ્યા.ક્રોધિત થયેલા ભીમસેને હવે મહાતેજસ્વી અને અતિશય ભારે એવી ગદાને ગુમાવીને દુર્યોધનના રથ સામે ફેંકી કે જે ગદાએ દુર્યોધનના ઘોડા,રથ ને સારથિને કચરી નાખ્યા.


હે રાજન,તે વેળા તમારો પુત્ર દુર્યોધન ભયભીત થઈને ગુપચુપ નાસીને નંદકના રથ પર ચડી ગયો હતો.એટલે તમારો પુત્ર મરણ પામ્યો છે એમ માનીને ભીમસેને મોટો સિંહનાદ કર્યો.તમારા સૈનિકો પણ રાજાને મરણ પામેલો સમજીને હાહાકાર કરવા લાગ્યા.ત્રાસ પામેલા તે યોદ્ધાઓની બુમાબુમ સાંભળીને ને ભીમનો સિંહનાદ સાંભળીને યુધિષ્ઠિર પણ દુર્યોધનને મૂએલો સમજીને ભીમસેન તરફ દોડી આવ્યા હતા.તે સમયે દ્રોણાચાર્યનું ને શત્રુઓનું મહાન ઘોર યુદ્ધ થઇ રહ્યું હતું ને તે રાત્રિના અંધકારમાં અન્યોન્યનો સંહાર થઇ રહ્યો હતો.(64)

અધ્યાય-166-સમાપ્ત