અધ્યાય-૧૬૫-યુધિષ્ઠિરનું પલાયન થવું
II संजय उवाच II वर्तमाने तदा रौद्रे रात्रियुध्धे विशांपते I सर्वभूतक्षयकरे धर्मपुत्रो युधिष्ठिरः II १ II
સંજય બોલ્યો-હે પૃથ્વીપતિ,ત્યાં સર્વ ભૂતોનો ક્ષય કરનારું તે રાત્રિયુદ્ધ ચાલુ થયું ત્યારે યુધિષ્ઠિર સર્વ પાંડવો,પાંચાલો અને સોમકયોદ્ધાઓને કહેવા લાગ્યા કે-'તમે બધા દ્રોણાચાર્યને મારી નાખવા જ ધસારો કરો' તે સાંભળીને સર્વ પાંચાલો ને સૃન્જયો ભયંકર શબ્દોની ગર્જના કરતા દ્રોણ સામે ધસ્યા.યુધિષ્ઠિરને દ્રોણ સામે ધસી આવતા જોઈને હાર્દિકય કૃતવર્મા તેમની સામે યુદ્ધ કરવા દોડ્યો.સાત્યકિ સામે કુરુવંશી ભૃરી અને ધસી આવતા સહદેવ સામે કર્ણ ધસ્યો.ભીમ સામે દુર્યોધન અને નકુલ સામે શકુનિ યુદ્ધ કરવા ધસ્યા.શિખંડીને કૃપાચાર્યે અટકાવ્યો ને પ્રતિવિધ્યને દુઃશાસને આગળ જતો વાર્યો.
તેવામાં સેંકડો માયા રચવામાં કુશળ એવો રાક્ષસ ઘટોત્કચ ત્યાં આવવા લાગ્યો ત્યારે અશ્વત્થામાએ તેને અટકાવ્યો.દ્રુપદરાજને દ્રોણાચાર્યે ખાળી રાખ્યો ને વિરાટરાજને મદ્રરાજે ખાળી રાખ્યો.દ્રોણાચાર્ય તરફ ધસી આવતા નકુળપુત્ર શતાનીકને ચિત્રસેને,
દ્રોણાચાર્યનું રક્ષણ કરવા સત્વરે બાણો મૂકીને રોકવા લાગ્યો.અર્જુનને રાક્ષસરાજ અલંબુશે અટકાવ્યો તો દ્રોણાચાર્યને ધૃષ્ટદ્યુમ્ને અટકાવ્યા.પાંડવ પક્ષના જે જે મહારથીઓ દ્રોણ સામે ધસી આવતા હતા,તે સર્વેને પૂર્ણ બળપૂર્વક કૌરવપક્ષના યોદ્ધાઓ અટકાવવા લાગ્યા હતા.એ મહાયુદ્ધમાં પરસ્પર પ્રહાર કરતા અનેક યોદ્ધાઓ પૃથ્વી પર ઢળવા લાગ્યા હતા.
હાર્દિકય કૃતવર્માએ યુધિષ્ઠિરને ખાળી રાખ્યા ત્યારે યુધિષ્ઠિરે તેને વીસ બાણોનો પ્રહાર કરીને વીંધ્યો,ત્યારે તે કૃતવર્માએ સામે એક ભલ્લ બાણનો પ્રહાર કરીને તેમનું ધનુષ્ય કાપી નાખ્યું.યુધિષ્ઠિરે તરત નવું ધનુષ્ય ઉઠાવી સામે બાણો છોડીને તેના કવચને ચીરી નાખ્યું ને તેના ધનુષ્યના ટુકડા કરી નાખ્યા.ને એક તીક્ષ્ણ શક્તિ ફેંકી કે જેણે કૃતવર્માના જમણા હાથને ચીરી નાખ્યો.અત્યંત ઘવાયેલા ને ક્રોધિત થયેલા કૃતવર્માએ પલકમાં જ નવું ધનુષ્ય ઉઠાવીને પલકારામાં યુધિષ્ઠિરને ઘોડા,સારથિ ને રથવિહીન કરી નાખ્યા.ત્યારે યુધિષ્ટિરે ઢાલ-તલવાર હાથમાં લીધી.કૃતવર્માએ તેના પણ ટુકડા કરી નાખ્યા.હવે યુધિષ્ઠિરે તેની સામે તોમર ફેંક્યું,તો તેને પણ કૃતવર્માએ હસતાં હસતાં જ વેરી નાખ્યું ને સેંકડો બાણો મૂકીને,યુધિષ્ઠિરના કવચને ચીરી નાખ્યું.
આમ,રથ,ધનુષ્ય ને કવચ વિનાના થયેલા યુધિષ્ઠિર તુરત જ રણમાંથી પલાયન કરી ગયા (41)
અધ્યાય-165-સમાપ્ત