Jun 28, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1162

 

અધ્યાય-૧૬૪-સંકુલ યુદ્ધ 


 II संजय उवाच II प्रकाशिते तदलोके रजसा तमसा वृते I समाजग्मुरथो वीराः परस्परवधैषिण II १ II

 સંજય બોલ્યો-સર્વ સ્થળે દીવા પ્રગટાવ્યા,એટલે તુરત અંધકાર અને રજથી છવાઈ ગયેલા એ રણમાં પ્રકાશ પ્રકાશ થઇ રહ્યો.પછી,પરસ્પરનો વધ કરવા ઇચ્છતા સર્વ યોદ્ધાઓ યુદ્ધ માટે સામસામે ધસ્યા.ત્યારે,એ ઘોર રાત્રિના આરંભમાં તમારા પુત્રની આજ્ઞાથી વીર યોદ્ધાઓ સામસામે જુદાં જુદાં યુદ્ધ કરવા મચી પડ્યા હતા.હાથીસવારો હાથીસવારોની સામે,ઘોડેસ્વારો ઘોડેસ્વારોની સામે ને રથી યોદ્ધાઓ રથી યોદ્ધાઓ સામે લડવા લાગ્યા ને જોતજોતામાં તો ત્યાં તે ચતુરંગી સૈન્યનો મહાસંહાર થવા લાગ્યો હતો.સર્વ રાજાઓનો સંહાર કરીને અર્જુન કૌરવોની સેનાને છિન્નભિન્ન કરવા મંડી પડ્યો હતો.

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,કોપાયમાન અર્જુન જયારે મારા પુત્રની સેનામાં દાખલ થયો ત્યારે આપણા પક્ષના કયા યોદ્ધાઓ તેની સામે યુદ્ધ કરવા ધસ્યા હતા?તે સમયે દુર્યોધને પણ શું યોગ્ય કર્તવ્ય માન્યું હતું?કોણ દ્રોણાચાર્યનું રક્ષણ કરતા હતા?દ્રોણાચાર્ય પાંચાલોના મધ્યમાં પેઠા હતા અને અનેક પાંચાલોને મારી નાખ્યા હતા તે દ્રોણાચાર્યનું મૃત્યુ શી રીતે થયું? તે કહે.


 સંજય બોલ્યો-હે મહારાજ,તે રાત્રિએ દુર્યોધને પોતાના આજ્ઞાંકિત ભાઈઓ,કર્ણ,વૃષસેન,મદ્રરાજ ને તેમને પગલે ચાલનારા કેટલાએક અનુયાયીઓને કહ્યું કે-'હે વીર યોદ્ધાઓ,તમે બરાબર સાવધાન થઈને દ્રોણાચાર્યના પૃષ્ઠ ભાગનું રક્ષણ કરો.હાર્દિકય રથના દક્ષિણ ભાગની ને શલ્યરાજ ઉત્તરચક્રની રક્ષા કરે ને બધા ત્રિગર્તો રથના આગળના ભાગમાં રહીને તેમનું રક્ષણ કરો.દ્રોણાચાર્ય આજે બરોબર યુદ્ધ કરવા તૈયાર થયા છે અને સામે પાંડવો પણ તેવા જ તૈયાર છે.દ્રોણાચાર્ય બળવાન છે ને યુદ્ધમાં ચપળ હાથવાળા,પ્રતાપી છે ને ધારે તો દેવોનો પણ પરાજય કરી શકે તેમ છે તો પાંડવોની શી વિસાત?પાંડવોના સૈન્યમાં એક ધૃષ્ટદ્યુમ્ન સિવાય બીજો કોઈ  એવો રાજા મને દેખાતો નથી કે દ્રોણ સામે યુદ્ધ કરે,માટે તેનાથી તેમનું રક્ષણ કરવું.જો દ્રોણની બરોબર રક્ષા કરવામાં આવશે તો તે એકલા જ જરૂર પાંડવો,સૃન્જયો ને સોમકોનો નાશ કરી નાખશે.અશ્વત્થામા ધૃષ્ટદ્યુમ્નનો વધ કરશે,કર્ણ અર્જુનનો વધ કરશે ને ભીમસેનનો હું પોતે નાશ કરીશ,પછી તેજહીન થયેલા પાંડવોને તો આપણા યોદ્ધાઓ ઝપાટાબંધ નાશ કરી નાખશે આમ મારો જ વિજય મને સ્પષ્ટ દેખાય છે.'


હે રાજન,દુર્યોધને તે રાત્રિમાં પોતાના સૈન્યને યુદ્ધ કરવાની આજ્ઞા કરી ત્યારે તે ઘોર યુદ્ધ ચાલુ થયું હતું.ત્યાં અર્જુન જાતજાતનાં અસ્ત્રો મૂકીને કૌરવોના સૈન્યને પીડવા લાગ્યો તો સામે કૌરવો તેને પીડવા લાગ્યા હતા.તે યુદ્ધમાં અશ્વત્થામા,પાંચાલ રાજાને તથા દ્રોણચાર્ય સૃન્જયોને અનેક જાતના અસ્ત્રો મૂકીને છાઈ દેવા લાગ્યા હતા.અન્યોન્યમાં જયારે સખ્ત મારો ચાલુ થયો ત્યારે સૈન્યોમાં દુઃખજનક ચિચિયારીઓ સંભળાતી હતી.પૂર્વે કદી નહિ જોયેલું તે યુદ્ધ અતિ રૌદ્ર ને ભયાનક હતું (34)

અધ્યાય-164-સમાપ્ત