Jul 8, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1172

 

અધ્યાય-૧૭૪-અલંબુષનો વધ-રાક્ષસે રાક્ષસને માર્યો 


II संजय उवाच II दष्ट्वा घटोत्कचं राजन सूतपुत्ररथंप्रति I आयान्तं तु तथायुक्तं जिघांसु कर्णमाहवे II १ II

સંજય બોલ્યો-હે રાજન,આમ રણમાં કર્ણનો વધ કરવાની ઈચ્છાથી સજ્જ થયેલો ઘટોત્કચ સૂતપુત્રના રથ તરફ ધસી આવતો હતો તે જોઈને તમારા પુત્ર દુર્યોધને દુઃશાસનને કહ્યું કે-'તું મોટી સેનાને લઈને જલ્દી જા અને કર્ણની બરાબર રક્ષા કર.જોજે એ ઘોર રાક્ષસ પ્રમાદમાં આવીને કર્ણનો નાશ કરી ન જાય'તેવામાં જટાસુરનો બળવાન પુત્ર રાક્ષસ અલંબુષ,દુર્યોધન પાસે આવી પહોંચ્યો અને તેણે દુર્યોધનને કહ્યું કે-'જો તમારી આજ્ઞા હોય તો હું એકલો જ પાંડવોનો વિનાશ કરીશ કેમ કે પૂર્વે મારા પિતા જટાસુરને તે ક્ષુદ્ર પાંડવોએ,રાક્ષસોનો વિનાશ કરે તેવા વૈદિક કર્મનું અનુષ્ઠાન કરીને મારી નાખ્યા છે તેનો હું બદલો લેવા ઈચ્છું છું.મારા એ શત્રુઓના લોહીથી હું મારા મૃત પિતાની પૂજા કરવા ઈચ્છું છું માટે મને અનુજ્ઞા આપવાની કૃપા કરો'

પ્રસન્ન થયેલા દુર્યોધને કહ્યું કે-'જો કે હું પોતે,દ્રોણાચાર્ય ને કર્ણ-આદિની સાથે મારા શત્રુઓનો વધ કરવા સમર્થ છું,તો પણ મારી આજ્ઞાથી તું યુદ્ધ કરવા જા અને તે ઘટોત્કચનો યુદ્ધમાં નાશ કરી નાખ.એ ક્રૂર કર્મ કરનારો છે અને રાક્ષસ અને મનુષ્ય એમ બંને જાતિથી ઉત્પન્ન થયેલો છે.તે આકાશમાં ગતિ કરનારો છે,માટે તું તેને યમલોકમાં મોકલી દે' ત્યારે 'સારું' એમ કહીને તે પ્રચંડ શરીરવાળા જટાસુરપુત્ર અલંબુષે,ઘટોત્કચને આહવાન આપ્યું ને તેને અનેક શસ્ત્રો વડે ઢાંકી દેવા લાગ્યો.


પરંતુ,જેમ,મહાવાયુ મેઘોને હચમચાવી દે,તેમ,તે હિડિમ્બાપુત્ર એકલો જ અલંબુષ,કર્ણ અને આખા કૌરવ સૈન્યને હંફાવવા લાગ્યો.સામે અલંબુષે બાણોનો ઢગ છોડીને ઘટોત્કચને વીંધી નાખ્યો ને પાંડવોની સેનાને ત્યાંથી હાંકી કાઢી.તે જ પ્રમાણે તમારી સેનાએ પણ ઘટોત્કચના બાણોથી ખળભળીને હજારો દીવાઓને હાથમાંથી ફેંકી દઈને રણમાંથી નાસી ગઈ.ક્રોધિત ઘટોત્કચે અલંબુષના રથના,સારથિના ને સર્વ આયુધોના તલતલ જેવડા ટુકડા કરી નાખ્યા.રથ ને સારથિ વિનાના થયેલા અલંબુષે ઘટોત્કચને મુષ્ટિથી દૃઢ પ્રહાર કર્યો.ત્યારે ઘટોત્કચે સામો મુષ્ટિપ્રહાર કરીને,બે હાથ વડે તેને પકડીને પૃથ્વી પર પટકયો ને સારી રીતે રગદોળ્યો.પણ અલંબુષ તેના હાથમાંથી છટકીને વેગપૂર્વક ઉભો થઈને ઘટોત્કચને પકડીને પૃથ્વી પર પટક્યો.


તે બંને રાક્ષસો વચ્ચે રોમાંચક અને તુમુલ યુદ્ધ થઇ રહ્યું હતું.તે બંનેનાં શરીરો મહાપ્રચંડ હતાં અને સામસામે ગર્જના કરી રહ્યા હતા.પરસ્પર અનેક માયાઓ રચીને લડી રહ્યા હતા.તેઓ થોડીવારમાં અગ્નિ-સમુદ્ર,થોડીવારમાં ગરુડ-તક્ષક,થોડીવારમાં મેઘ-વાયુરૂપ તો થોડીવારમાં વજ્ર ને મહાન પર્વત બની જતા હતા ને અન્યોન્યનો વધ કરવા ઇચ્છતા હતા.પછી,ઘટોત્કચ એકદમ આકાશમાં ઉડ્યો અને બાજપાક્ષીની જેમ નીચે ઉતરીને,અલંબુષને પકડીને,પૃથ્વી પર પછાડીને,એક અદભુત દેખાવની તલવારને ખેંચી કાઢીને અલંબુષના મસ્તકને કાપી નાખ્યું,ને તે મસ્તકને ચોટલીથી પકડીને તેણે દુર્યોધનના રથમાં ફેંકીને તેને કહેવા લાગ્યો કે-'હે રાજા દુર્યોધન,અલંબુષને મારી નાખ્યો છે ને તારી અને કર્ણની પણ આવી જ દશા થશે.કહેવાય છે કે-'જે પુરુષને ધર્મ,અર્થ,કામની ઈચ્છા છે તેણે રાજા,બ્રાહ્મણ ને સ્ત્રીનાં ખાલી હાથે દર્શન ન કરવાં' આથી મેં તને આ મસ્તકરૂપી ભેટ મૂકી છે હવે તું અહીં જ ઉભો રહેજે હું હમણાં જ કર્ણનો વધ કરું છું' આમ કહીને તે ઘટોત્કચ તીક્ષ્ણ બાણો છોડતો કર્ણ સામે ચાલ્યો ગયો.ને તે બંને નર અને રાક્ષસનું વિસ્મયજનક ને ઘોર યુદ્ધ થવા લાગ્યું.(45)

અધ્યાય-174-સમાપ્ત