Jul 7, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1171

 

અધ્યાય-૧૭૩-ઘટોત્કચનું પ્રોત્સાહન 


II संजय उवाच II ततो कर्णो रणे द्रष्ट्वा पार्षत परवोरहा I वाजवानोरसि शरैर्दशभिर्मर्म भैदिभिः II १ II

સંજય બોલ્યો-તે પછી શત્રુવીરોનો સંહાર કરનાર કર્ણે,ધૃષ્ટદ્યુમ્નને રણમાં જોઈને મર્મને ભેદી નાખે તેવા દશ બાણો છોડીને તેના વક્ષસ્થળમાં પ્રહાર કર્યો.ત્યારે સામે ધૃષ્ટદ્યુમ્ને તેને તેટલાંજ બાણોથી વીંધ્યો.આમ તે બંને એકબીજાને તીક્ષ્ણ બાણોથી વીંધવા લાગ્યા હતા.છેવટે કર્ણે અનેક બાણો છોડીને ધૃષ્ટદ્યુમ્નના ધનુષ્યને કાપી,તેના સારથી ને ઘોડાઓને મારી નાખ્યા.રથ વગરના થયેલ ધૃષ્ટદ્યુમ્ને એક ઘોર પરિધ ફેંક્યું કે જેને કર્ણના ઘોડાઓને છૂંદી નાખ્યા.પછી,ધૃષ્ટદ્યુમ્ને,સહદેવના રથમાં ચડીને કર્ણ સામે યુદ્ધ કરવાની ઈચ્છા દર્શાવી,ત્યારે યુધિષ્ઠિરે તેને અટકાવ્યો.

સામે કર્ણ સિંહનાદો કરીને ધનુષ્યનો ટંકાર કરવા લાગ્યો ને વિજયને સુચવનાર શંખનાદ કરવા લાગ્યો.એ યુદ્ધમાં કર્ણે ધૃષ્ટદ્યુમ્નને પરાજય આપ્યો તે જોઈને પાંચાલ ને સોમક મહારથીઓ ઘણા ક્રોધવશ થઈને 'મારવું કે મરવું' નો નિશ્ચય કરીને કર્ણ સામે યુદ્ધમાં પહોંચ્યા.કર્ણના સારથિએ રથને નવા ઘોડાઓ જોડીને તૈયાર કરી દીધો હતો એટલે કર્ણે સામે આવતા મહારથીઓ પર બાણોની વૃષ્ટિ કરીને પાંચાલોની સેનાને ગભરાવી મૂકી,ને તેના ભયથી સેના નાસભાગ કરવા લાગી.કર્ણે  એ યુદ્ધમાં શત્રુઓને સખત ઝીંકવા માંડ્યા હતા,તેથી તેઓ એક તણખલાને પણ હાલતું સાંભળીને કર્ણને પોતાની પાસે આવેલો માની બેસતા હતા.પોતાના પક્ષના યોધ્ધાને પણ બેભાનપણે દોડી જતો જોઈને તેઓ એમ જ માની લેતા હતા કે કર્ણ જ દોડી આવે છે ને પછી તેઓ ત્યાંથી નાસી જતા હતા,ત્યારે પણ કર્ણે તેમનો પીછો કરીને તેમના પર પ્રહાર કરીને મારી નાખતો હતો.


દ્રોણાચાર્યે પણ બાણોનો પ્રહાર કરીને પાંચાલોને કાયર કાયર કરી મુક્યા હતા.દ્રોણાચાર્ય ને કર્ણના પ્રહારોથી તેઓ સર્વ દિશામાં નાસી જતા હતા.એ જોઈને યુધિષ્ઠિરે અર્જુનને કહ્યું કે-હે અર્જુન,આ કર્ણ જરૂર આપણ સર્વેને મારી નાખશે,સર્વ સૈન્ય નાસભાગ કરે છે ત્યારે તું સમયોચિત જે કાર્ય દેખાતું હોય તે કર' ત્યારે અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું કે-'કર્ણના પરાક્રમથી યુધિષ્ઠિર ડરી ગયા લાગે છે,માટે આ સમયે કયું કાર્ય કરવું ઘટે છે તેનો તમે વિચાર કરી કહો.હું મારી પ્રત્યક્ષ રણમાં ઘૂમી રહેલા કર્ણને સહન કરી શકતો નથી,આજે યુદ્ધમાં કાં તો તે નથી કે કાં તો હું નથી.માટે તમે ત્યાં રથને લો'


વાસુદેવ બોલ્યા-'કર્ણનું આજનું પરાક્રમ અદભુત છે.તેની સામે યુદ્ધ કરે તેવો તારા અને ઘટોત્કચ સિવાય બીજો કોઈ પુરુષ નથી.પણ આ સમયે કર્ણની સાથે તારો યુદ્ધસમાગમ થાય તે સમયોચિત નથી એમ હું માનું છું.તેની પાસે ઇન્દ્રે આપેલી શક્તિને તેણે તારા વધ માટે જ સંગ્રહી રાખી છે.અને તેથી જ તે આવું રૌદ્ર સ્વરૂપ બતાવીને તને તેની સામે જવા લલચાવે છે,પણ આ સમયે તું મહાબળવાન રાક્ષસ ઘટોત્કચને જ તેની સામે ધસી જવા દે.કારણકે તે દેવ સરખો પરાક્રમી છે ને તેની પાસે દિવ્ય,આસુરી ને રાક્ષસી એમ ત્રણે જાતનાં અસ્ત્રો છે,તે કર્ણનો પરાજય કરશે એમાં સંશય નથી'


એમ કહીને વાસુદેવે ઘટોત્કચને બોલાવીને કહ્યું કે-'હે પુત્ર ઘટોત્કચ,આજ તારું પરાક્રમ દેખાડવાનો સમય આવી પહોંચ્યો છે,બીજા કોઈનું આ વખતે ચાલે તેમ નથી.તારી પાસે અનેક શસ્ત્રો છે અને વધારામાં રાક્ષસી માયા છે.આજે આપણું સૈન્ય કર્ણના ત્રાસથી નાસભાગ કરી રહ્યું છે ને કોઈ તેની સામે ઉભા રહેવા શક્તિમાન નથી,તો તારા સિવાય કોઈ પણ બીજો તેને અટકાવી શકે તેમ નથી.માટે હે મહાબાહુ,તને પોતાને તથા મામાઓ ને કાકાઓના તેજને છાજે તેવું કર્મ તું આજના યુદ્ધમાં કરી દેખાડ.'પુત્રો અમને દુઃખમાંથી તારશે' એવી ઈચ્છાથી જ આ જગતમાં મનુષ્યો પુત્રોની વાંછના કરે છે,માટે તું પણ તારા પિતાઓને આ સમયે તાર.હે ભીમનંદન,તારી પાસે અસ્ત્રોનું મહાભયંકર બળ છે ને તારી માયાઓ પણ ઘણી દુસ્તર છે.વળી,રાક્ષસો રાત્રિના સમયમાં ઘણા અમાપ બળવાન ને પરાક્રમી ગતિવાળા થાય છે.તેથી આ મધ્યરાત્રિએ તું 

પોતાની અનેક માયાઓ દર્શાવીને કર્ણનો વધ કરી નાખ પછી દ્રોણાચાર્યનો વધ ધૃષ્ટદ્યુમ્ન કરશે'


પછી અર્જુને ઘટોત્કચને કહ્યું કે-'હે ઘટોત્કચ,આપણાં સૈન્યોમાં એક તું,સાત્યકિ અને ભીમસેન-આ ત્રણ યોદ્ધાઓને 

હું માનદૃષ્ટિથી જોઉં છું,માટે તું આજે કર્ણને મારી નાખ,સાત્યકિ તારો પૃષ્ઠરક્ષક થશે'


ઘટોત્કચ બોલ્યો-'હે ભારત,કર્ણ,દ્રોણાચાર્ય અને બીજા ક્ષત્રિય શૂરવીરોને હું એકલો જ પૂરો પડું તેમ છું.આજની રાત્રિમાં હું કર્ણને એવો સંગ્રામ આપીશ કે તેને મનુષ્યો પૃથ્વીની સ્થિરતા સુધી ગાયા કરશે.આજના યુદ્ધમાં હું કોઈ શૂરાઓને,ભયભીત થયેલાઓને કે કોઈ શરણે આવેલાઓને છોડીશ નહિ,પરંતુ રાક્ષસધર્મનો આશ્રય કરી સર્વનો વિનાશ કરીશ'

એમ કહીને તે ઘટોત્કચ તમારા સૈન્યને બીવડાવતો કારણ સામે યુદ્ધ કરવા ધસી ગયો.કર્ણ પણ પોતાની સામે 

ધસી આવતા આ ઘટોત્કચ સામે તૈયાર થઈને ઉભો હતો.તે બંને વચ્ચે ભીષણ ઘોર યુદ્ધ થવા લાગ્યું (18)

અધ્યાય-173-સમાપ્ત