Jul 6, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1170

 

અધ્યાય-૧૭૨-દ્રોણાચાર્ય અને કર્ણનો પાંડવો પર હલ્લો 


II संजय उवाच II विद्रुतं स्वबलं द्रष्ट्वा वध्यमानं महात्मनिः I क्रोधेन महताविष्टः पुत्रस्तव विशांपते II १ II

સંજય બોલ્યો-હે રાજન,મહાત્મા પાંડવોના મારાથી પોતાના સૈન્યને નાસભાગ કરતુ જોઈને તમારો પુત્ર મહાન ક્રોધાવેશમાં આવીને એકદમ દ્રોણ તથા કર્ણ પાસે જઈને તેમને કહેવા લાગ્યો કે-'અર્જુને સિંધુરાજને મારી નાખ્યો તે જોઈને ક્રોધમાં આવીને તમે જ આ રાત્રિમાં સંગ્રામ ચાલુ કર્યો છે.છતાં આ સમયે પાંડવોનું સૈન્ય મારી સેનાનો સંહાર કરી રહ્યું છે ત્યારે તમે પાંડવો પર વિજય મેળવવા શક્તિમાન હોવા છતાં જાણે અશક્ત હો તેમ જોયા કરો છે.અરે ઓ વીરો,તમારે મારો જો આમ ત્યાગ જ કરવો હતો તો મને તે સમયે જ કહેવું જોઈતું હતું કે-'આ યુદ્ધમાં અમે પાંડવોનો પરાજય કરી શકીશું નહિ'જો તમારે મારો પરિત્યાગ ન કરવો હોય તો તમારું યોગ્ય પરાક્રમ બતાવીને બરાબર યુદ્ધ કરીને પાંડવોને મારી નાખો'

તમારા પુત્ર દુર્યોધને આ પ્રમાણે વેણના ચાબખા માર્યા,એટલે પગ તળે કચરાયેલા બે સર્પોની જેમ,તે બંને વીરો ક્રોધપૂર્વક સંગ્રામ કરવા સજ્જ થઈને પાંડવ યોદ્ધાઓ સામે ધસ્યા.ત્યારે સામે એકત્ર થયેલા પાંડવ યોદ્ધાઓ પણ સર્વ સૈન્ય સાથે તે બંને વીરો સામે ધસ્યા.દ્રોણ,કર્ણ,દુર્યોધન,વૃષસેન અને શકુનિએ તીક્ષ્ણ બાણોથી સાત્યકિને માર માર્યો.દ્રોણાચાર્યે પાંચાલોનો સખ્ત સંહાર કરવા માંડ્યો ને પાંડવી સેનાને પીડીને તેમાં ભંગાણ પાડ્યું.એટલે તે રાત્રિમાં હજારો દીવાઓને ત્યાં ફેંકીને સૈન્ય નાસભાગ કરવા લાગ્યું.તે વેળા અંધકાર થવાથી કંઈ જાણી શકાતું નહોતું.માત્ર કૌરવોના દીવાઓના પ્રકાશને લીધે નાસભાગ કરતા સૈનિકો જ દેખાતા હતા.દ્રોણ અને કર્ણ તે નાસભાગ કરતા સૈન્યની પાછળ પડ્યા,ને તેમનો સંહાર કરવા લાગ્યા.


આમ જયારે પાંચાલ યોદ્ધાઓમાં ભંગાણ પડ્યું ને ચારે તરફથી તેઓ ખપી જવા લાગ્યા ત્યારે શ્રીકૃષ્ણનું મન ઉદાસ થઇ ગયું ને તેઓ અર્જુનને કહેવા લાગ્યા કે-'હે કુંતાપુત્ર,દ્રોણ અને કર્ણની બાણવૃષ્ટિથી આપણી સેનામાં ભંગાણ પડ્યું છે ને આપણી સેના વાર્યા છતાં પાછી વળતી નથી.દ્રોણ અને કર્ણ બંને બળવાન,શૂરા,ને અસ્ત્રકુશળ છે,માટે જો તું તેમની ઉપેક્ષા કરીશ તો આજની રાત્રિમાં જ તેઓ તારા સૈન્યનો નાશ કરી નાખશે' શ્રીકૃષ્ણ આમ કહી રહ્યા હતા તેવામાં ભીમસેન નાસતી સેનાને પાછી વાળીને શીઘ્ર ત્યાં ધસી આવ્યો.ભીમસેનને આવતો જોઈને શ્રીકૃષ્ણ હર્ષથી અર્જુનને કહેવા લાગ્યા કે-'જો આ ભીમસેન સોમકો ને પાંડવોથી વીંટાઇને દ્રોણ સામે જાય છે માટે તું પણ તેની સાથમાં રહીને સૈન્યને ધીરજ આપવા યુદ્ધ કર.'

પછી,શ્રીકૃણ અને અર્જુન,દ્રોણ અને કર્ણની સામે પહોંચી જઈને મોખરામાં ઉભા રહ્યા.


હે રાજન,ત્યારે ચંદ્રનો ઉદય થતા વૃદ્ધિ પામેલા બે મહસસાગરોની જેમ એ બંને સૈન્યોનો અરસપરસ પ્રહાર ચાલુ થયો.તમારી સેના પણ ઉન્મત્ત બની ગઈ હોય તેમ,હાથમાંથી દીવાઓ ફેંકીને નિર્ભયતાથી પાંડવ સૈન્ય સામે યુદ્ધ કરવા મચી પડી હતી.એ વેળા સર્વ સ્થળે ધૂળ અને અંધકાર છવાયો હતો ને અતિદારુણઃ યુદ્ધ થઇ રહ્યું હતું.કેટલાક યોદ્ધાઓ જય પામતા હતા તો કેટલાક પરાજય પામતા હતા.જે જે સ્થળે દીવાઓ દેખાતા હતા તે સ્થળે શૂરાઓ ધરતી પર ઢળી પડતા દેખાતા હતા.આ રીતે જયારે કૌરવ ને પાંડવ સેનાએ લડી રહી હતી ત્યારે તે મહારાત્રિ અતિગાઢ થઇ હતી (41)

અધ્યાય-172-સમાપ્ત