More Labels

Dec 5, 2012

ભાગવત રહસ્ય-૧૮૮

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત      
      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE                     
સ્કંધ-૮-(આઠમો)-૭
રાહુ  અમૃત પીવા લાગ્યો, મોહિની ભગવાને ત્યારે સુદર્શન ચક્ર થી તેનું માથું ઉડાવ્યું છે.
પણ રાહુ અમૃત પી ગયો હતો એટલે તેનું માથું અને ધડ બંને અમર થયા છે.
એના રાહુ અને કેતુ નામના બે ગ્રહો થયા.

રાહુ (વિષયો) નું માથું કાપ્યું પણ તે છતાં તે જીવે છે.
વિષયો સૂક્ષ્મરૂપે મનમાં રહે છે.તે ક્યારે જાગે તે કહેવાતું નથી. માનવ થોડો ગાફેલ થયો –કે-
રાહુ માથું બહાર કાઢે છે. અંદર કામ છે ક્રોધ છે તે ક્યારે ખાડા માં ફેંકે તે કહેવાય નહિ.
આ વિકારો સૂક્ષ્મરૂપે મન માં રહે છે. મનુષ્ય સાવધ છે ત્યાં સુધી તે વિકારો દેખાતા નથી.
તે દબાયેલા રહે છે,પણ જયારે અવકાશ મળે છે ત્યારે તે પ્રગટ થાય છે.
માટે મન પર ભક્તિ નો અંકુશ રાખો. કેવળ જ્ઞાન થી વિષય નો નાશ થતો નથી.
ઈશ્વર અનુગ્રહ કરે ત્યારે મન નિર્વિષય બને છે.

ગીતામાં પણ લખ્યું છે-કે-
વિષય માં નો રાગ,વિષયોમાં આસક્તિ –તે –માત્ર ઈશ્વરનો સાક્ષાત્કાર થાય ત્યારે-
ઈશ્વરની કૃપા થાય ત્યારે જ નિવૃત્ત થાય છે.(ગીતા-૨-૫૯)

દૈત્યો ભગવાન ની વિમુખ હતા એટલે તેઓને અમૃત મળ્યું નહિ.
સંસાર ની મોહિની માં ફસાય તો તેને ભક્તિ રૂપી અમૃત મળતું નથી.

મોહિની ભગવાને બધું અમૃત દેવો ને પીવડાવી દીધું અને ખાલી ઘડો દૈત્યો પાસે પછાડ્યો.
દૈત્યો કહે છે-દગો-દગો.આ તો વિષ્ણુ સાડી પહેરીને આવ્યો.અમે તેને ઓળખી શક્યા નહિ.

પછી તો દેવો અને દૈત્યો નું ભયંકર યુદ્ધ થયું છે.દૈત્યો નો પરાજય થયો છે.

તે પછી,નારદજી ફરતા ફરતા કૈલાસ માં આવ્યા છે.શિવજી ને પૂછે છે –
તમને મોહિની નારાયણ ના દર્શન થયા ? શિવજી કહે છે-કે-ના.
શિવજી પરિવાર ને લઈને વૈકુંઠ માં મોહિની નારાયણ ના દર્શન કરવા જાય છે.
પ્રભુ એ પૂછ્યું –કેમ આવ્યા છો? શિવજી કહે તમારાં દર્શન કરવા આવ્યો છું.
ભગવાન કહે –હું તો તમારા સામે ઉભો છું. શિવજી કહે -મારે તમારું  મોહિની સ્વરૂપ જોવું છે.
મેં તમારા દરેક જન્મો જોયા છે ,મારે આ અવતાર પણ જોવો છે.
પ્રભુ એ લીલા કરી.એક સુંદર બગીચો અને બગીચામાં અતિસુંદર સ્ત્રી હાથ માં દડો લઈને રમતી હતી.
શિવજી નિહાળે છે,સાથે પાર્વતી પણ આવ્યા છે તે ભૂલી ગયા છે.
ભગવાન ની માયાથી શિવજી મોહિત થયા છે. જ્ઞાનગંગા માથે રાખે અને ધર્મ ઉપર સવારી કરે તેને
કામ શું અસર કરી શકે ?પણ શિવજી એ બતાવ્યું-કે પ્રભુની માયાને તરવી મુશ્કેલ છે.

ગીતા માં પણ લખ્યું છે-કે-
મારી આ ગુણમયી માયા ને તરવી ઘણી મુશ્કેલ છે,પરંતુ જે મારે શરણે આવે છે-તે વિના પ્રયાસે આ
માયાને તરી જાય છે.(ગીતા-૭-૧૪)

શિવજી દેહભાન ભૂલ્યા છે.શિવજીએ વિચાર્યું-દર્શનમાં આટલો આનંદ છે તો મિલનમાં કેટલો આનંદ આવશે?
શિવજી મિલન માટે આતુર થાય.જ્યાં પ્રેમથી ભેટ્યા ત્યાં ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા છે.
હરિહર નું મિલન થયું છે. હરિહર -બે- મટી ને એક થાય છે.
હુગલી થી હરિહર જવાય છે. ઠાકોરજી ના બે હાથ માં શંખ,ચક્ર છે અને બીજા બે હાથ માં ત્રિશુલ,માળા છે.

સતત હરિસ્મરણ અને હરિ શરણ માં રહો તો જ માયા પજવી શકશે નહિ.
ઘરમાં જ માયા ત્રાસ આપે તેવું નથી.વનમાં પણ માયા ત્રાસ આપે છે.

જ્યાં જાવ ત્યાં માયા ત્રાસ આપે છે-એ વાત સાચી છે-પણ ગાફેલ ને માયા પજવે છે.

જે સાવધ છે તેને માયા પજવી શકે નહિ. 
સંતો સદા સાવધ રહે છે-તેથી તેમને માયા ધક્કો મારી શકતી નથી.ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત      
      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE