અધ્યાય-૧૭૫-રાક્ષસ ઘટોત્કચનું યુદ્ધ
II धृतराष्ट्र उवाच II यतदवैकर्तन: कर्णो राक्षसश्च घटोत्कचः I निशीथे समसज्जेतां तद्युध्धमभवत्कथं II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-'તે મધ્યરાત્રિના સમયે કર્ણ અને ઘટોત્કચ સામસામે ભેટ્યા ત્યારે તેમનું યુદ્ધ કેવું થયું હતું?તે ઘોર રાક્ષસનું સ્વરૂપ કેવું હતું?તેને રથ,ઘોડા અને સર્વ આયુધો કેવાં હતાં? તેની ધજા,ધનુષ્ય,કવચ,ટોપ એ બધાં કેવાં હતાં ?
સંજય બોલ્યો-તે ઘટોત્કચનાં નેત્રો લાલ રંગનાં હતાં,તેનું શરીર અતિ પ્રચંડ હતું,મુખ તામ્રવરણું ને પેટ ઘણું ઊંડું હતું.તેનાં રુંવાં ઊભાં હતાં,તેની દાઢી તથા મૂછ પિંગળી હતી,કાન શંકુના આકારે હતા,હડપચી ઘણી મોટી હતી,તેનું મુખ છેક કાન સુધી ફાટેલું હતું ને તેની દાઢ ઘણી તીક્ષ્ણ હતી.તેના આગળના ચાર દાંતો ઘણા ઉન્નત હતા,જીભ ને હોઠ ઘણાં લાંબાં ને તામ્રવર્ણના હતાં,તેની ભ્રમર અતિ લાંબીને નાસિકા સ્થૂળ હતી,તેનું અંગ શ્યામ હતું ને ડોકનો ભાગ રતાશ પડતો હતો તેનું શરીર મોટા પર્વત જેવું ભયંકર હતું.વળી તે મોટી ભુજાઓવાળો,મહાબળિયો,દેખાવમાં બિહામણો,કઠોર સ્પર્શવાળો,મસ્તકે વાળથી ભરેલો અને દૃઢ અવયવવાળો હતો.તેના નિતંબો ઘણા સ્થૂળ હતા,નાભિનો ભાગ ઘણો ઊંડો હતો.તેણે બાહુઓમાં બાજૂબંધો,વક્ષસ્થળે સુવર્ણની માળા,મસ્તક પર તોરણના આકારનો શુભ્રવર્ણનો મુકુટ,કાને કુંડળો અને શરીર પર કાંસાનું બનાવેલું મહાતેજસ્વી ને વિશાળ એવું કવચ પહેર્યું હતું.
તેનો મહારથ ચારસો હાથ લાંબો પહોળો ને રીંછના ચામડાથી મઢ્યો હતો.લાલ રંગની ધજાઓવાળા તે રથને આઠ પૈડાં હતા ને હાથીસરખા સો ઘોડાઓ તે રથને વહી રહ્યા હતા.વિરુપાક્ષ નામનો રાક્ષસ તેનો સારથિ હતો.આકાશમાં ઊંચે સુધી ઊડતી તે રથની ધજામાં લાલા રંગના મસ્તકવાળો,માંસાહારી એક ભયંકર મોટો ગીધ ચિત્રકારે બેઠો હતો.તે તેનું વિશાળ ધનુષ્ય કે જે એક હાથ પહોળું અને બાર હાથ (અરત્ની=કોણી નીચેનો ટચલી આંગળી સુધીનો ચોવીસ આંગળનો હાથ?) લાંબું હતું તેને હાથમાં લઈને તે ટંકાર કરતો હતો ને રથની ધરી જેવડાં મોટાં મોટાં બાણો મૂકીને સર્વ દિશાઓને છાઈ દેતો હતો.
ટેકો લઈને રથમાં બેઠેલો તે રાક્ષસ ઘટોત્કચ,વજ્રના કડાકા જેવો ધનુષ્યનો ટંકાર કરતો કર્ણ સામે ધસ્યો ત્યારે તે અત્યંત બિહામણા રાક્ષસની સામે તીક્ષ્ણ બાણોનો પ્રહાર કરતો કર્ણ પણ તેની સામે ધસ્યો ને પરસ્પર તુમુલ યુદ્ધની શરૂઆત થઇ હતી.તેઓ અન્યોન્ય એકબીજાના અત્યંત વીંધીને,કવચોને તોડી પાડીને એકબીજાને આગળ વધતા અટકાવતા હતા,લોહીલુહાણ થયેલા તે બંને વચ્ચે લાંબા સમય સુધી તો એક સરખું યુદ્ધ ચાલી રહ્યું હતું.ત્યારે છેવટે કર્ણે દિવ્ય અસ્ત્ર પ્રગટ કર્યું તે જોઈને ઘટોત્કચે રાક્ષસી મહામાયા પ્રગટ કરી.જોતજોતામાં તો ત્યાં ત્રિશૂળો,મુદગરો ને મોટાં વૃક્ષો-પર્વતોને ધારણ કરનારી મહાન સેનાથી તે વીંટાયેલો દેખાયો.આવીને તેણે સિંહનાદ કર્યો કે જેથી ગભરાયેલા સર્વ યોદ્ધાઓ બેભાન જેવા જ થઇ ગયા.
તે મધ્યરાત્રિમાં અત્યંત બળવાન થયેલા રાક્ષસોના સૈન્યે ચોતરફ પથ્થર,લોખંડી ચક્રો,ભુશંડીઓ,તોમરો,ત્રિશૂળો,શતઘનીઓ,ને પટ્ટિશોની વૃષ્ટિ કરી કે જેનાથી તમારા સર્વ પુત્રો ને સર્વ યોદ્ધાઓ અત્યંત ભયભીત થઇ ગયા ને ત્યાંથી પલાયન કરી ગયા.માત્ર કર્ણ ત્યાં ગભરાયા વિના અનેક બાણો મારીને તે ઘટોત્કચે રચેલી માયાનો વિનાશ કરી નાખ્યો.ત્યારે ઘટોત્કચે એક હજાર આરાઓવાળું,તીક્ષ્ણ ધારવાળું એક ચક્ર કર્ણના રથ સામે ફેંક્યું કે જેને કર્ણે બાણો વડે નિષ્ફળ કર્યું.પછી ઘટોત્કચે એક વિશાળ ગદા ફેંકી કે જેનો પણ કર્ણે નાશ કર્યો,ત્યારે તે આકાશમાં ઉડ્યો ને ત્યાંથી વૃક્ષોની વૃષ્ટિ કરવા લાગ્યો,ને કર્ણને બાણોથી વીંધવા લાગ્યો.સામે કર્ણે બાણોની મેઘવૃષ્ટિ કરીને તેના ઘોડાઓને મારી નાખીને તેના રથના સેંકડો ટુકડા કરી નાખ્યા.
મહામાયાવી તે ભીમસેનનો પુત્ર માયા રચીને પોતાનું શરીર પ્રચંડ કરીને કેટલાંયે મુખો કરીને માયાના પ્રભાવથી કર્ણનાં દિવ્ય અસ્ત્રોને ગળી જવા લાગ્યો.ત્યાં તે જાણે (સો શિખરવાળો)મૈનાક પર્વત હોય તેમ સો મસ્તકો,સો ઉદરવાળો ને લાંબી ભુજાઓવાળો દેખાતો હતો.ને રથની ધરી જેવડાં મોટાં બાણો વરસાવતો હતો.સામે કર્ણે તેની બાણવૃષ્ટિની માયાનો વિનાશ કરી નાખ્યો,તે જોઈને તે પુનઃ અદ્રશ્ય થઈને બીજી માયા રચવા લાગ્યો ને મોટો પર્વત થઈને ત્રિશુલ,ભાલા તલવારો આદિરૂપ અસ્ત્રોનો જળપ્રવાહ વહેવડાવી રહ્યો.તે જોઈને કર્ણે ગભર્યા વિના દિવ્યાસ્ત્ર પ્રગટ કરીને તે માયા પર્વતને નષ્ટ કર્યો.
પછી,ઘટોત્કચ કાળો મેઘ થઈને પથ્થરોની વૃષ્ટિ કરવા લાગ્યો ત્યારે કર્ણે વાયવ્યાસ્ત્રનું અનુસંધાન કરી તે કાળમેઘને વિખેરી નાખ્યો.હવે ઘટોત્કચે મહામાયા રચીને રથમાં બેસી અનેક રાક્ષસોથી વીંટાઇને કર્ણને પાંચ બાણોથી વીંધીને ભયંકર ગર્જનાઓ કરી મૂકી ને અંજલિક નામના બાણ વડે કર્ણના ધનુષ્યના ટુકડા કરી નાખ્યા.એટલે કર્ણે તુરત જ નવું ધનુષ્ય લઈને દિવ્ય અસ્ત્રો આ મહામાયાનો તેના રથસહિત નાશ કરી નાખ્યો.ઘટોત્કચે પણ તરત જ નવા માયારથ પર આરૂઢ થઈને રુદ્રદેવે બનાવેલી આઠ ચક્રોવાળી મહાઘોર અશનિ (શક્તિ) કર્ણ સામે ફેંકી.તે લોખંડી શક્તિને કર્ણે રથમાંથી નીચે કૂદકો મારીને પકડી લીધી ને તે જ શક્તિને તેણે ઘટોત્કચના રથ સામે ફેંકી,એટલે ઘટોત્કચ પણ રથમાંથી નીચે કૂદી પડ્યો,ને તે મહાતેજસ્વી શક્તિએ તેના રથનો પૂર્ણ વિનાશ કરીને જમીનમાં પેસી ગઈ.સર્વ યોદ્ધાઓ આ અદભુત પરાક્રમ જોઈને કર્ણની પ્રશંસા કરવા લાગ્યા.હે રાજન,કર્ણે આ જે પરાક્રમ કર્યું હતું તેવું બીજો કોઈ પણ કરી દેખાડવા શક્તિમાન નથી.પછી,કર્ણે રથ પર આરૂઢ થઈને દિવ્ય અસ્ત્રો વરસાવવા લાગ્યો કે જેનો ઘટોત્કચ ઘણી જ ચાલાકી ને માયાથી નાશ કરવા લાગ્યો ને પોતાનાં અનેક નવાં સ્વરૂપો પ્રગટાવવા લાગ્યો.જોતજોતામાં તો ત્યાં સિંહ,રીંછ આદિ પશુઓની અગ્નિસમાન જીભવાળા લોખંડના જેવા મુખોવાળા પક્ષીઓ ધસી આવવા લાગ્યા,વળી અનેક રાક્ષસો,પિશાચો-આદિ પણ સર્વ તરફથી ધસી આવવા લાગ્યા.ને ઉગ્ર અવાજો કરીને કર્ણને ત્રાસ પમાડવા લાગ્યા.એ વખતે કર્ણે ફરી આ માયાનો બાણોથી વિનાશ કરી નાખ્યો તે જોઈને 'હવે હું તને મારી નાખીશ' કહીને ઘટોત્કચ ત્યાંથી અદૃશ્ય થઈ ગયો.
અધ્યાય-175-સમાપ્ત