અધ્યાય-૧૭૭-રાક્ષસ અલાયુધનું યુદ્ધ
II संजय उवाच II तमागतमभिप्रेक्ष्य भीमकर्माणमाहवे I हर्षमाहारयाश्चक्रु: कुरवः सर्व एव ते II १ II
સંજય બોલ્યો-યુદ્ધમાં ભયંકર કર્મ કરનારા રાક્ષસ અલાયુધને રણમાં આવી પહોંચેલો જોઈને કૌરવ પક્ષના સર્વ યોદ્ધાઓ આનંદિત થઇ ગયા.ને રાક્ષસ અલાયુધનું સ્વાગત વચનોથી સન્માન કરવા લાગ્યા.તે વખતે તે રાત્રિમાં કર્ણ અને ઘટોત્કચ વચ્ચે દારુણ દેખાવનું અમાનુષ યુદ્ધ ચાલી રહ્યું હતું.ને સર્વ યોદ્ધાઓ આશ્ચર્યની સાથે જોઈ રહ્યા હતા.દ્રોણાચાર્ય,અશ્વત્થામા અને કૃપાચાર્ય તે ઘટોત્કચનું પરાક્રમ જોઈને ગભરાટમાં પડી ગયા હતા ને દુઃખજનક શબ્દો કહેતા હતા કે-'આજે આપણું સૈન્ય નથી જ' હે મહારાજ,તમારું સૈન્ય ખિન્ન થઇ રહ્યું હતું,સર્વત્ર હાહાકાર થઇ રહ્યો હતો,કોઈને ભાન રહ્યું નહોતું અને સર્વને કર્ણની જિંદગી માટે નિરાશા જ દેખાતી હતી.તે વખતે જ દુર્યોધને અલાયુધને ઘટોત્કચને મારવા મોકલ્યો હતો.
અલાયુધને સામે ધસી આવતો જોઈને ઘટોત્કચ કર્ણને છોડીને,બાણો વડે તેના પર પ્રહાર કરવા લાગ્યો.ત્યારે કર્ણ ઘટોત્કચથી છૂટો થઈને ભીમસેન સામે ધસ્યો.પણ ભીમસેને તેને લેખામાં જ લીધો નહિ અને પુત્રને અલાયુધના સપાટામાં આવેલો જોઈને તે અલાયુધ સામે જ ધસી ગયો.ભીમસેનને સામે આવતો જોઈને,અલાયુધે ઘટોત્કચને છોડીને ભીમસેન પર પ્રહારો ચાલુ કર્યા.સર્વ રાક્ષસો ભીમસેન પર તૂટી પડ્યા.પણ ભીમસેને તે સર્વને બાણો વડે વીંધી નાખ્યા એટલે તે રાક્ષસો દશે દિશામાં નાસી જવા લાગ્યા.ભીમસેન અને અલાયુધ વચ્ચે તીવ્ર સંગ્રામ થયો.ભીમે છોડેલ બાણોને અલાયુધ કાપી નાખતો હતો કે હાથમાં પકડી ફેંકી દેતો હતો.ભીમસેને ગદા ફેંકી,તો તેની સામે ગદાથી પ્રહાર કરીને ગદાને ભીમસેન તરફ પછી વાળી.
અલાયુધ અને તેના રાક્ષસ સૈન્યથી થતો સંહાર જોઈને શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું કે-'હે અર્જુન,ભીમસેન રાક્ષસરાજના હાથમાં સપડાયો છે,આ સમયે તું તેની સહાય કરવા જા.ધૃષ્ટદ્યુમ્ન અને સાત્યકિ આદિને તું કર્ણ સામે ધસારો કરવા દે.અત્યારે દ્રોણાચાર્યની આગેવાની વાળી આ સેનાને તું આગળ વધતી અટકાવ' શ્રીકૃષ્ણના કહેવાથી ધૃષ્ટદ્યુમ્ન-આદિ મહારથીઓ કર્ણ સામે ધસ્યા.હવે આ તરફ અલાયુધે તીક્ષ્ણ બાણો છોડીને ભીમસેનના ઘોડાઓ ને સારથિને હણી નાખ્યા એટલે ભીમસેન રથમાંથી ઉતરીને એક મોટી ગદાને અલાયુધ સામે ફેંકી,પણ અલાયુધે તે ગદાનો નાશ કર્યો.
હવે ભીમસેન બીજી ગદા હાથમાં લઈને અલાયુધ સામે ધસ્યો ને તે બંને વચ્ચે તુમુલ ગદાયુદ્ધ થવા લાગ્યું.તેઓ પરસ્પર ગદાપ્રહારના ધબાકાઓથી પૃથ્વીને અત્યંત કંપાવી દેતા હતા.ને પછી ગદાયુદ્ધથી મુક્ત થઈને એકબીજા સાથે બાથંબાથી કરતા હતા.ને એકબીજા પર વજ્રસમાન શબ્દ કરનાર મુક્કાઓથી પ્રહાર કરતા હતા,.વળી,ક્રોધે ભરાઈને તેઓ આજુબાજુ પડેલાં રથોનાં પૈડાં-આદિ જે ઓન હાથમાં આવે તે ઉઠાવીને ઉન્મત્ત થઈને એકબીજા પ્રહાર કરતા હતા.બંને લોહીલુહાણ થઇ ગયા હતા ત્યારે શ્રીકૃષ્ણે તે જોઈને તેની નજીક રહેલા ઘટોત્કચને ભીમસેનની રક્ષા કરવા પ્રેરણા કરી.(48)
અધ્યાય-177-સમાપ્ત