અધ્યાય-૧૭૬-દૂર્યોધન તરફથી રાક્ષસ અલાયુધનું રણે ચડવું
II संजय उवाच II तस्मिस्तथा वर्तमाने कर्णराक्षसयो र्मुधे I अलायुधो राक्षसेन्द्रो वीर्यवानभ्यवर्तत II १ II
સંજય બોલ્યો-કર્ણ અને ઘટોત્કચનું એ પ્રમાણે યુદ્ધ થતું હતું ત્યારે રાક્ષસરાજ અલાયુધ મોટી રાક્ષસ સેના સાથે લઈને આવ્યો.પોતાના પૂર્વ વેરનું સ્મરણ કરીને ભીમસેનને મારી નાખવાની ઈચ્છાથી તે આ યુદ્ધમાં જોડાયો હતો કારણકે ભીમસેને તેની જ્ઞાતિના મહાપરાક્રમી બ્રાહ્મણભક્ષક એવા રાક્ષસ બકાસુર,રાક્ષસ કિર્મીરને અને પોતાના મિત્ર હિડિમ્બાસુરને ભીમે મારી નાખ્યા હતા.ભીમપુત્ર રાક્ષસ ઘટોત્કચ સામે યુદ્ધ કરવાની લાલસાથી તેણે દુર્યોધનને કહ્યું કે-
'હે મહારાજ,ભીમે મારા બાંધવ રાક્ષસોને મારીને અમારા ફૂલની હિડિમ્બા નામની કન્યાને ભ્રષ્ટ કરી છે,એટલે તેનો અને હિડિમ્બાપુત્ર ઘટોત્કચનો નાશ કરવા હું મારી રાક્ષસ સેના લઈને આવ્યો છું.આજના યુદ્ધમાં હું વાસુદેવ સહિત સર્વ પાંડવોનો તેમના અનુચરોની સાથે નાશ કરીશ અને તેમને ખાઈ જઈશ.અમે પાંડવ સૈન્ય સામે યુદ્ધ કરીશું'
રાક્ષસ અલાયુધના વચનથી દુર્યોધને ખુશ થઈને કહ્યું કે-'તને આગળ કરીને મારી સેના યુદ્ધ કરશે.'
આમ દુર્યોધનની આજ્ઞા લઈને રાક્ષસ અલાયુધ ઉતાવળો ઘટોત્કચ સામે ધસ્યો.હે રાજન,તે રાક્ષસ અલાયુધનું શરીર પણ ઘટોત્કચના જેવું ને તેના જેવો જ તેનો રથ હતો.ઘટોત્કચ જેવો જ મહાબાહુ હતો.વળી,તેણે પણ ઘટોત્કચ જેવા કવચ અને આયુધો સજ્યા હતા.તેના રથની ધજા શિયાળવાંનાં ટોળાઓથી રક્ષાયેલી ને અગ્નિ સરખી હતી.પોતાના અગ્નિસમાન રથમાં તે રણમાં ધસ્યો હતો ત્યારે પાંડવ સૈન્ય પણ તેની સામે સજ્જ થઈને લડવા સામે આવી ગયું હતું
અધ્યાય-176-સમાપ્ત