Jul 15, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1177

 

અધ્યાય-૧૭૯-ઘટોત્કચનો વધ 

II संजय उवाच II निहत्यालायुधं रक्षः प्रहृष्टात्मा घटोत्कचः I ननाद विविधान्नादान् वाहिन्याः प्रमुखे तव II १ II

સંજય બોલ્યો-અલાયુધનો નાશ કરીને રાક્ષસ ઘટોત્કચનું મન પ્રસન્ન થયું અને તે તમારી સેનાના મોખરે આવી વિવિધ ગર્જનાઓ કરવા લાગ્યો,તેના તુમુલ શબ્દને સાંભળીને તમારા યોદ્ધાઓને અતિ દારુણ ભય થવા લાગ્યો હતો.બીજી તરફ કર્ણ પાંચાલો સામે ધસી ગયો હતો.તેણે તીક્ષ્ણ બાણોથી ધૃષ્ટદ્યુમ્ન ને શિખંડીને અત્યંત ઘાયલ કર્યા હતા ને મોટાં નારાચ બાણોથી સાત્યકિ,યુધામન્યુ અને ઉત્તમૌજા આદિને કંપાવી દીધા હતા.

હે રાજન,ત્યાં અતિ આશ્ચર્યની વાત તો એ જ હતી કે તે કર્ણ કોઈએક પર્વતની જેમ અડગ ઉભો  રહીને શત્રુઓની બાણવૃષ્ટિનો નાશ કરી રહ્યો હતો.તેણે કેટલાયે યોદ્ધાઓના શરીરને ચીરી નાખ્યા હતા ને કેટલાયે યોધ્ધાઓના ઘોડા ને સારથિને મારીને તેમને રથ વગરના કરી મુક્યા હતા.ત્યારે પાંડવ યોદ્ધાઓ નાસભાગ કરીને યુધિષ્ઠિરના સૈન્યનું રક્ષણ લેવા નાઠા હતા,તે યોદ્ધાઓને પાછા હટેલા જોઈને ઘટોત્કચને કર્ણ પર અતિ ક્રોધ ચડ્યો ને તેની પાસે જઈને તેને વજ્ર સરખાં બાણોથી વીંધવા લાગ્યો.તે બંને મહાવીરો પોતપોતાનો ઉત્તમ પ્રભાવ દર્શાવીને એકબીજા પર પ્રહાર કરતા હતા.પછી,કર્ણે ઉગ્ર અસ્ત્ર પ્રગટ કરીને ઘટોત્કચના રથ,સારથી અને ઘોડાઓનો નાશ કરી નાખ્યો.રથવિહીન થયેલો ઘટોત્કચ ત્યાંથી તરત જ અંતર્ધાન થઇ ગયો.


કર્ણે બાણોની જાળ પાથરીને આકાશને ઢાંકી દીધું.ત્યારે તે ઘટોત્કચે રચેલી માયાને કર્ણે જોઈ.આકાશમાં વીજળી ઝબકવા લાગી,ને આકાશમાંથી બળબળતી ઉલ્કાઓ ને અનેક જાતનાં આયુધોની વર્ષા થવા માંડી,પણ તે વેળા કર્ણ બાણોનો ઢગ છોડીને પણ તેનો નાશ કરી શક્યો નહિ.આકાશમાંથી થતા મોટા પર્વતો ને વૃક્ષોની વર્ષથી અનેક,ઘોડાઓ,હાથીઓ ને રથો કચડાઈ ગયા હતા.ઘટોત્કચે દુર્યોધનના સૈન્યનો ચારે બાજુથી ઘાણ કાઢી નાખ્યો હતો.સર્વ સૈન્ય હાવરુંબાવરું થઈને આમતેમ નાસભાગ કરતુ હતું.આ અતિઘોર ને ભયંકર સ્વરૂપવાળી રાક્ષસી શસ્ત્રમય મહાવૃષ્ટિને પડતી જોઈને ને સંખ્યાબંધ સૈનિકોને રોળાઈ જતા જોઈને તમારા પુત્રોના મનમાં ભય વ્યાપી ગયો હતો.


હે રાજન,જયારે મર્યાદા વિનાની ઘોર નાસભાગ થઇ રહી હતી ત્યારે માત્ર એક કર્ણ જ તે દિવ્ય માયા સામે યુદ્ધ કરી રહ્યો હતો.ને બાણોથી આકાશને ઢંકાતો હતો.તેવામાં ઘટોત્કચે શત્ઘ્ની નામનું ચક્રયુક્ત અસ્ત્ર ફેંક્યું કે જેણે કર્ણના ચારેય ઘોડાઓને મારી નાખ્યા.ત્યારે કર્ણ રથ પરથી ઉતારી પડ્યો.તે વેળા કૌરવો પલાયન કરી જતા હતા ને પોતાના દિવ્ય અસ્ત્રોનો માયાથી નાશ થતો હતો છતાં કર્ણ ગભરાયો નહોતો.તે જોઈને સર્વ કૌરવો એકી અવાજે કારણે કહેવા લાગ્યા કે-'હે કર્ણ,આ સર્વ કૌરવોનો હાલ વિનાશ થઈ રહ્યો છે.આ મધ્યરાત્રિએ એ પાપી રાક્ષસને તું ઇન્દ્રે આપેલી શક્તિથી હણી નાખ'


હે રાજન,એ પ્રમાણે કૌરવોનો મહાન કોલાહલ સાંભળીને,તે રાક્ષસે સૈન્યને ત્રાસ પમાડેલું જોઈને ને મધ્યરાત્રિના સમયે રાક્ષસી માયાનો પ્રભાવ જોઈને કર્ણે,ઇન્દ્રે પોતાને આપેલી શક્તિ મુકવાનો નિશ્ચય કર્યો.તે વૈજ્યંતી નામની સર્વોત્તમ શક્તિ,કર્ણે પોતાના કવચ-કુંડળના બદલામાં ઇન્દ્ર પાસેથી લઈને અર્જુનના વધ માટે સંઘરી રાખી હતી.પણ આજના પ્રસંગે તેનો ઉપયોગ જરૂરી થઇ પડ્યો હોવાથી કર્ણે,કાળની જીભ સમાન લહલહાટ કરતી,પ્રદીપ્ત તે શક્તિ ઘટોત્કચ પર ફેંકી.તે બળબળતી શક્તિએ રાક્ષસની માયાનો વિનાશ કરી નાખી ઘટોત્કચના હૃદયને ચીરી નાખ્યું ને તેના પ્રાણો હરી લીધા.


મરતાં મરતાં પણ તે ઘટોત્કચે શત્રુઓનો ક્ષય કરવા માટે અદભુત ને આશ્ચર્યજનક બીજું એક કર્મ કર્યું,તે મોટા પર્વત સમાન શરીરવાળો થઈને પૃથ્વી પર પડ્યો,ને એક અક્ષૌહિણી સેનાનો તત્કાળ વિનાશ કર્યો હતો.ઘટોત્કચની રાક્ષસી માયાનો ને તેનો પોતાનો પણ નાશ થયેલો જોઈને કૌરવ યોદ્ધાઓ હર્ષમાં આવીને મોટીમોટી ગર્જનાઓ કરવા લાગ્યા.ને સિંહનાદોની સાથે ભેરીઓ,શંખો-આદિ વગાડવા લાગ્યા.તે સમયે સર્વ કૌરવો કર્ણનું સન્માન કરવા લાગ્યા.પછી,કર્ણ પણ હર્ષપૂર્વક તમારા પુત્રના રથ પર ચડીને સૈન્યમાં દાખલ થયો (64)

અધ્યાય-179-સમાપ્ત