અધ્યાય-૧૭૮-અલાયુધનો નાશ
II संजय उवाच II संद्रश्य समरे भीमं राक्षसा ग्रस्तमंतिकात् I वासुदेवोब्रवीदराजन घटोत्कचमिदं वचः II १ II
સંજય બોલ્યો-હે રાજન રણસંગ્રામમાં ભીમસેનને અલાયુધના હાથમાં સપડાયેલો જોઈને વાસુદેવે ઘટોત્કચને કહ્યું કે-'હે ઘટોત્કચ,હાલ તો તું આ અલાયુધને મારી નાખ,કર્ણને તો તું પાછળથી પણ મારી શકશે' શ્રીકૃષ્ણની આજ્ઞાથી ઘટોત્કચ અલાયુધ સામે ધસ્યો ને તેમની વચ્ચે તુમુલ યુદ્ધ થવા લાગ્યું.બીજી તરફ અલાયુધના રાક્ષસ સૈન્યને સાત્યકિ આદિએ કાપી નાખવા માંડ્યું હતું,અર્જુન મોટા મોટા ક્ષત્રિયોનો વિનાશ કરી રહ્યો હતો ને ધૃષ્ટદ્યુમ્ન,શિખંડી આદિ કર્ણ સામે ધસ્યા હતા.કર્ણને પાંચાલ સૈન્યનો વિનાશ કરતો જોઈને ભીમસેન પણ હવે કર્ણ સામે ધસ્યો હતો.
તે અરસામાં અલાયુધે એક મહાપ્રચંડ પરિઘનો ઘટોત્કચના મસ્તક પર પ્રહાર કર્યો,કે જે પ્રહાર થતાં ઘટોત્કચ જરા મૂર્છિત થયો પણ ક્ષણમાં તો તેને એક મોટી ગદા અલાયુધના રથ તરફ ફેંકી કે જેણે તેના રથ,ઘોડા ને સારથિના ચુરા કરી નાખ્યા.એટલે રાક્ષસ અલાયુધ તરત જ આકાશમાં ઉડ્યો ને પોતાની માયાનો વિસ્તાર કરીને ધારાબંધ લોહી વરસાવા લાગ્યો.તેની આ માયા જોઈને ઘટોત્કચ પણ આકાશમાં ઊંચે ચડ્યો ને પોતાની બળવાન માયા પ્રગટ કરીને અલાયુધની માયાનો નાશ કરી નાખ્યો.
પોતાની માયાનો વિનાશ થયેલો જોઈને અલાયુધે બીજી માયા પ્રગટ કરીને પથ્થર વૃષ્ટિ કરી,ત્યારે સામે ઘટોત્કચે બાણોની વૃષ્ટિ કરીને તે માયાનો પણ નાશ કરી નાખ્યો.તે ઘણું આશ્ચર્યજનક દેખાતું હતું.પછી તે બંને અરસપરસ જાતજાતના આયુધોનો એકબીજા પર પ્રહાર કરવા લાગ્યા.મોટા વૃક્ષો ને પર્વતોના શિખરોથી એકબીજાને મારવા લાગ્યા.તેમણે એકબીજા તરફ વરસાવેલા તે સર્વ પદાર્થો સામસામે અથડાઈને ત્યાં વજ્ર સરખો શબ્દ થઇ રહ્યો હતો.
પછી,તેઓ એકબીજા સામે દોડી જઈને એકબીજાની ચોટલીઓ ને ભુજાઓ પકડીને મલ્લયુદ્ધ કરવા લાગ્યા.તે સમયે તેમનાં અંગો પરસેવાથી ને લોહીથી ભરાઈ ગયાં હતાં.છેવટે અત્યંત ક્રોધાયમાન થયેલા ઘટોત્કચે,અલાયુધને બરાબર પકડીને જોશથી આકાશમાં ફેરવીને પૃથ્વી પર પછાડીને તેના મોટા મસ્તકને તલવારથી કાપી નાખ્યું ને તે અતિતુમુલ શબ્દથી ગાજવા લાગ્યો.
પાંચાલો ને પાંડવો પણ તે મહાપ્રચંડ શરીરવાળા બકાસુરના ભાઈ અલાયુધને મરણ પામેલો જોઈને સિંહનાદો કરવા લાગ્યા.
તે રાત્રી પાંડવસૈન્ય માટે અત્યંત વિજયપ્રદ થઇ પડી હતી.
પછી,તે ભીમપુત્ર ઘટોત્કચે,રાક્ષસ અલાયુધના મસ્તકને ઉછાળ્યું ને દુર્યોધનની આગળ ફેંક્યું.અલાયુધને મરણ પામેલો જોઈને દુર્યોધન ઉદ્વિગ્ન થઇ ગયો.તે રાક્ષસે જાતે આગળ આવીને પ્રતિજ્ઞા કરી હતી કે-'હું આ યુદ્ધમાં ભીમસેનને મારીને મારા પૂર્વવેરને વળીશ' તેના વચન પર વિશ્વાસ રાખીને દુર્યોધન માની બેઠો હતો કે-અલાયુધ જરૂર ભીમસેનને મારશે.ને પોતાના ભાઈઓના જીવીતને પણ ચિરકાળ રહેનારું માનતો હતો.પણ હવે તે મરી ગયો ત્યારે તે જોઈને દુર્યોધન પોતાના ભાઈઓના વધ સંબંધની પ્રતિજ્ઞાને પૂર્ણ થયેલી જ માનવા લાગ્યો (40)
અધ્યાય-178-સમાપ્ત