Jul 16, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1178

 

અધ્યાય-૧૮૦-પાંડવો શોકમાં ત્યારે શ્રીકૃષ્ણ આનંદમાં 


 II संजय उवाच II हैडिंबिं निहतं द्रष्ट्वा विशीर्णमिवपर्वतम् I वभुवुः पांडवा: सर्वे शोकवाष्वाकुलेक्षणाः II १ II

સંજય બોલ્યો-તૂટી પડેલા પર્વત જેવા વિશાળ શરીરવાળા તે હિડિમ્બાનંદનને જોઈને સર્વ પાંડવો શોકાશ્રુથી આકુળ નેત્રોવાળા થઇ ગયા.પણ તે જ સમયે શ્રીકૃષ્ણ તો મોટા હર્ષથી છલકાઈ જવા લાગ્યા ને સિંહનાદ કરીને અર્જુનને ભેટી પડ્યા.ને અર્જુનને થાબડીને રથની બેસણી પર રહીને પુનઃ ગર્જના કરવા લાગ્યા.ત્યારે અર્જુન મનમાં ઉદાસ થઈને તેમને કહેવા લાગ્યો કે-'હે મધુસૂદન,ઘટોત્કચના મરણથી આપણે શોક પામ્યા છીએ તે વખતે તમે અતિ હર્ષ કરો તે અસ્થાને લાગે છે.આમાં કોઈ નાનુંસૂનું કારણ નહિ જ હોય,તમે જે સત્ય હોય તે કહો.જો વાત છાની રાખવા જેવી ન હોય તો તે મને કહેવી ઘટે છે'

વાસુદેવ બોલ્યા-'હે ધનંજય,મને આજે અત્યંત હર્ષ થયો છે તેનું કારણ તું સાંભળ.ઘટોત્કચે આજે એ ઇન્દ્રની શક્તિને કર્ણ પાસેથી ભ્રષ્ટ કરાવીને તે કર્ણને જ રણમાં મારી નાખ્યો છે એમ તારે સમજવું.તે શક્તિને હાથમાં લઇ ઉભેલા  એ કર્ણ સામે આ લોકમાં કયો પુરુષ યુદ્ધમાં ઉભો રહી શકે?કર્ણ પાસેથી ઇન્દ્રે કવચ અને કુંડળનું હરણ કર્યું છે તે પણ બહુ ઠીક થયું છે.કારણકે તે કવચ ને કુંડળ સાથે કર્ણ યુદ્ધ કરવા સજ્જ થાત તો તે એકલો જ ત્રણે લોકને જીતવા શક્તિમાન હતો.અરે,હું સુદર્શન ચક્ર હાથમાં લઉં તો પણ તે કવચ-કુંડલધારી કર્ણ જીતી શકાય નહિ.ઇન્દ્રે તારું હિત કરવા માટે જ માયાથી તે કવચ-કુંડળનું હરણ કર્યું હતું.પોતાના શરીર પરથી ઉતરડીને કવચનું ઇન્દ્રને દાન કરવાથી તે 'વૈકર્તન' કહેવાયો છે.આ જે શક્તિ ઘટોત્કચ પર વપરાઈ છે તે ઇન્દ્રે તેને કવચ-કુંડળના બદલામાં આપી હતી.એ શક્તિને તેણે તારો વધ કરવા સાચવી રાખી હતી.


આજે કવચ-ને કુંડળ તથા ઇન્દ્રની શક્તિથી રહિત થયેલો તે કર્ણ,સામાન્ય મનુષ્ય થઇ ગયો છે.છતાં,તેનો વધ કરવાનો એક જ ઉપાય છે કે-યુદ્ધ કરતા તે જયારે સંકટમાં આવી જશે ને તેના રથનું પૈડું પૃથ્વીમાં પેસી જશે તે વેળા તે પ્રમાદી થઇ જશે ને તે સમયનો લાભ લઈને તું બરાબર સાવધ થજે ને મારા આ મેં કરેલા ઈશારાનો વિચાર કરીને તેને મારી નાખજે.બાકી અન્ય પ્રસંગે તે સૂર્યપુત્ર યુદ્ધમાં હજુ પણ અજિત છે.તે શસ્ત્ર ઉગામીને ઉભો હોય ત્યારે ઇન્દ્ર પણ તેને મારી શકે નહિ.ખરેખર,તારું હિત કરવા જ મેં પોતે જ ઉપાયો દ્વારા જરાસંઘ,શિશુપાળ,એકલવ્ય આદિને એક પછી એક મારી નાખ્યા છે,

વળી,હિડિમ્બ,કિર્મીર,બક,અલાયુધ ને ઉગ્ર કર્મ કરનાર ઘટોત્કચ આદિ બીજા મોટામોટા રાક્ષસોને પણ મેં જ મારી નાખ્યા છે એમ જ તું સમજ.(33)

અધ્યાય-180-સમાપ્ત