અધ્યાય-૧૮૧-અર્જુન પ્રત્યે શ્રીકૃષ્ણનાં વચન
II अर्जुन उवाच II कथमस्मद्विधार्थ ते कैश्व योगैजनार्दन I जरासंघप्रमृतयो धातिताः पृथिवीश्वराः II १ II
અર્જુન બોલ્યો-'હે જનાર્દન,તમે કયા ઉપાયો દ્વારા જરાસંઘ આદિ રાજાઓને અમારું હિત કરવા માટે મારી નખાવ્યા છે?'
વાસુદેવ બોલ્યા-'જરાસંઘ,શિશુપાળ અને મહાબળવાન એકલવ્ય જો પ્રથમ માર્યા ગયા નહોત તો દુર્યોધન યુદ્ધના સમયે તેમને પક્ષમાં લેત અને તેઓ આ સમયે ભયંકર થઇ પડત.કેમ કે તેમનો આશ્રય કરીને દુર્યોધન આ સઘળી પૃથ્વીનો વિજય કરી શકત.મેં જે ઉપાયોથી તેમને માર્યા તે સિવાય દેવો પણ તેમને રણમાં જીતી શકે તેમ નહોતા.તે ઉપાયો તું સાંભળ.
એક સમયે એવું બન્યું કે-બલરામે જરાસંઘને બરાબર ઝાટક્યો ત્યારે તેણે અમારો વિનાશ કરવા,સર્વનો ઘાત કરનારી એક ગદા ફેંકી.ત્યારે બળદેવે તેને તોડી પાડવા સ્થૂણાકર્ણ નામનું એક અસ્ત્ર ફેંકી તેનો નાશ કર્યો ને તે ગદા જરા નામની એક ઘોર રાક્ષસી રહેતી હતી ત્યાં તૂટી પડી ને તેને પુત્રો ને બાંધવો સહીત છૂંદી નાખી હતી.તે જરાસંઘ જયારે જન્મ્યો ત્યારે તેના શરીરના બે અર્ધા અર્ધા ટુકડા હતા કે જેને તે જરા નામની રાક્ષસીએ સાંધ્યા હતા.આથી તે જરાસંઘ નામે પ્રસિદ્ધ થયો હતો.એમ જયારે તે જરાસંઘ ગદા અને તે જરા રાક્ષસી રહિત થઇ પડ્યો હતો ત્યારે ભીમસેને તેને તારા દેખતાં જ માર્યો હતો.બાકી તે જરાસંઘ હાથમાં તે ગદા લઈને ઉભો હોય ત્યારે ઇન્દ્ર સહિત દેવો તેનો નાશ કરવા સમર્થ ન હતા.
વળી,તારું હિત કરવા જ મેં કપટ કરીને દ્રોણાચાર્યને એકલવ્યના ગુરુ કર્યા હતા,ને પાછળથી તે દ્રોણાચાર્યે તેને અંગુઠા વગરનો કર્યો હતો.તે અતિ અભિમાની હતો ને હાથે ચામડાનાં મોજાં પહેરીને વનમાં ફર્યા કરતો હતો.તે બીજા પરશુરામના જેવા એકલવ્યનો અંગુઠો જો એમનો એમ રહ્યો હોત તો તેનો ત્રણે લોકમાં પરાજય કરવો મુશ્કેલ બનત.એ કુશળ અભ્યાસી એકલવ્યને તારું હિત કરવા રણના મોખરામાં પ્રથમથી જ મારી નાખ્યો છે.વળી,શિશુપાળને પણ મેં તારી નજર સમક્ષ જ મારી નાખ્યો છે,કારણકે તે પણ સર્વ દેવો કે અસુરોથી સંગ્રામમાં જીતી શકાય તેમ નહોતો.તેનો તથા બીજા રાક્ષસોનો વધ કરવા માટે જ મેં તને સાથે રાખીને જન્મ લીધો છે.
દેવોનો દ્વેષ કરનારા રાક્ષસોનો વધ કરવા ને લોકોનું હિત કરવાની ઈચ્છાથી મેં પોતે જ હિડિમ્બ,બક,કિર્મીર,અલાયુધ-આદિનો નાશ કરાવ્યો છે.તેઓ રાવણ સમાન બળિયા હતા.વળી,આ ઘટોત્કચને પણ કર્ણ દ્વારા યુક્તિથી શક્તિનો ઉપયોગ કરાવીને મેં જ હણાવ્યો છે.જો કર્ણે તેને માર્યો ન હોત તો હું પોતે જ તેને મારત,તમારું પ્રિય કરવાની ઈચ્છાથી જ આજ સુધી મેં તેને માર્યો નહોતો.તે ઘટોત્કચ રાક્ષસ બ્રાહ્મણો ને યજ્ઞોનો દ્વેષ કરનાર ને ધર્મનો લોપ કરનાર હતો,તેથી જ માર્યો ગયો છે.
ને સાથે સાથે યુક્તિપૂર્વક કર્ણની ઇન્દ્રદત્ત શક્તિને પણ વાપરી નખાવી છે.
હે અર્જુન,જેઓ ધર્મનો નાશ કરનારા છે તેમને ધર્મનું સ્થાપન કરવા માટે મારે મારી જ નાખવા તેવી મારી શાશ્વતી પ્રતિજ્ઞા છે.હવે સૂર્યપુત્ર કર્ણને માટે તારે જરાયે મનમાં મૂંઝાવું નહિ,હું તને ઉપાય બતાવીશ એટલે તું તેનો વધ કરી શકીશ.ભીમસેન દુર્યોધનનો વધ કરશે તેના નાશનો ઉપાય પણ હું તને કહીશ,પણ અત્યારે શત્રુઓનો તુમુલ શબ્દ સંભળાય છે ને તારાં સૈન્યો દશેય દિશામાં નાસી રહયા છે ને દ્રોણાચાર્ય આપણા સૈન્યને બાળી રહ્યાં છે,તો તેનો જ તું ઉપાય કર.(33)
અધ્યાય-181-સમાપ્ત
