Aug 15, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1194

 

અધ્યાય-૧૯૬-અર્જુનનાં વચનો 


II संजय उवाच II प्रादुर्भूते ततस्तस्मिन्नस्त्रे नारायणे प्रभो I प्रावात्सपृषतो वायुरनभ्रे स्तनयित्नुमान II १ II

સંજય બોલ્યો- આમ,હે પ્રભુ જ્યારે તે  નારાયણાસ્ત્ર પ્રગટ થયું ત્યારે મેઘવિહીન આકાશમાં જાણે મેઘ ગર્જના કરતો વાયુ જળબિન્દુઓ સહિત વાવા લાગ્યો.ત્યારે પૃથ્વી પણ કંપવા લાગી,મહાસાગર ખળભળી ઉઠ્યો અને સમુદ્ર તરફ વહેતી નદીઓ પણ ઉલટે પ્રવાહે વહેવા લાગી. ત્યાં પર્વતોના શિખરો છિન્નભિન્ન થઈ પડવા લાગ્યા અને મૃગલાંઓ પાંડવ સેનાની ડાબી બાજુ થઈને જવા લાગ્યા.ત્યારે જ્યાં ત્યાં અંધકાર છવાઈ ગયો સૂર્ય નિસ્તેજ થઈ ગયો અને માંસાહારી પ્રાણીવર્ગ હર્ષમાં આવી જઈ અને ઝડપિયાં નાખવા લાગ્યો.અશ્વત્થામાનું ઘોર અત્ર જોઈને સર્વ ગભરાટમાં પડી ત્રાહ્ય ત્રાહ્ય પોકારવા લાગ્યા.

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,અશ્વત્થામાએ જયારે સર્વ સૈન્યોને યુદ્ધ માટે પાછાં વાળ્યાં ને સર્વ કૌરવો જયારે 

ધૃષ્ટદ્યુમ્નને મારી નાખવા ધસી ગયા હતા ત્યારે પાંડવોમાં ધૃષ્ટદ્યુમ્નના બચાવ માટે શો વિચાર થઇ રહ્યો હતો?

સંજય બોલ્યો-ત્યારે યુધિષ્ઠિરે અર્જુનને કહ્યું કે-'હે અર્જુન,ધૃષ્ટદ્યુમ્ને દ્રોણાચાર્યનો નાશ કર્યો ત્યારે કૌરવો યુદ્ધમાં વિજય મેળવવા વિષે નિરાશ થઈને પોતાનું જ રક્ષણ કરવાનો નિશ્ચય કરીને રણમાંથી નાસી ગયા હતા.તો તે સૈન્યને કોને પાછું વાળ્યું?


અર્જુન બોલ્યો-પિતાના મૃત્યુથી અતિ ક્રોધિત થયેલા અશ્વત્થામાના પરાક્રમનો આશ્રય કરીને કૌરવો ફરી યુદ્ધ કરવા સજ્જ થયા છે ને શંખનાદો કરી રહ્યા છે.એના જન્મ સમયે દ્રોણાચાર્યે બ્રાહ્મણોને એક હજાર ગાયોનું દાન કર્યું હતું.એણે જન્મ ધરીને તુરત જ ઉચ્ચૈશ્રવા ઘોડાની જેમ હણહણાટ કર્યો હતો,તેથી કોઈ અદૃશ્ય રહેલા પ્રાણીએ તેનું નામ અશ્વત્થામા પાડ્યું હતું.ધૃષ્ટદ્યુમ્ને આચાર્યના કેશ ખેંચીને ઘાતકી કર્મ કરીને તેમને અનાથની જેમ મારી નાખ્યા છે,તે આચાર્યના નાથ તરીકેનો પોતાનો અધિકાર ધરાવી અશ્વત્થામા સજ્જ થયો છે.ધૃષ્ટદ્યુમ્ને મારા ગુરુનું ચોટલી પકડીને જે અપમાન કર્યું છે તેને અશ્વત્થામા કદી સહન નહિ કરે.અરે,ધર્મને સમજનારા તમે પણ રાજ્યના લોભથી ગુરુ આગળ મિથ્યા વાક્ય બોલી મહાન અધર્મ કર્યો છે,આ તમારી અપકીર્તિ ત્રણે લોકમાં ચિરકાળ પર્યન્ત રહેશે.વાલીનો વધ કરવાથી શ્રીરામની જેવી અપકીર્તિ થઇ રહી છે તેવી જ તમારી પણ થઇ રહેશે.શસ્ત્રહીન થયેલા ગુરુનો અધર્મથી ઘાત કરાવી,હવે તમારામાં જો શક્તિ  હોય તો તમે ધૃષ્ટદ્યુમ્નની રક્ષા કરજો.આ આચાર્યપુત્રના હાથમાં સપડાયેલા ધૃષ્ટદ્યુમ્નને અમે બધા બચાવી શકીએ તેમ નથી.


અશ્વત્થામા સર્વ ભૂતોને વિશે પ્રેમદ્રષ્ટિથી જુએ છે ને સર્વ મનુષ્યો કરતાં અધિક છે,પણ આજે પોતાના પિતાની ચોટલી પકડ્યાના ભયંકર અપમાનને સાંભળીને તે આપણ બધાને રણમાં બાળી નાખશે.આચાર્ય પરના પ્રેમને લીધી હું મોટી મોટી બૂમો પાડીને તેમને જીવતા પકડી લેવા કહી રહ્યો હતો,છતાં એક શિષ્યે જાતે જ ધર્મને લાત મારીને પોતાના ગુરુનો વધ કર્યો છે.જે આપણા પર નિત્ય પિતાની જેમ પ્રેમ રાખતા હતા,તેમને આપણે રાજ્યના લોભથી મારી નાખ્યા છે.તે દ્રોણગુરુ મને એકને જ પોતાના પુત્રથી અધિક ગણતા હતા.જો તેમણે લડ્યા જ કર્યું હોત તો ઇન્દ્ર પણ તેમને મારી શકે તેમ નહોતો.હે,રાજન,આપણે મહાપાપ કર્યું છે ને અત્યંત દારુણ કર્મ કર્યું છે,ને અધર્મથી દ્રોણગુરુનો વધ કરાવ્યો છે.


અહા,મારા ગુરુ જાણતા હતા કે-'અર્જુન,મારા પરના પ્રેમને લીધે પુત્રો,ભાઈઓ,સ્ત્રીઓ અને જીવિત સુદ્ધાંનો ત્યાગ કરે એવો છે' પણ હાય,આજે રાજ્યલોભી મેં ગુરુના વધની ઉપેક્ષા કરી છે,એથી હું તો નરકમાં જઈને ઊંધે માથે લટકીશ.શસ્ત્રહીન થયેલા એ મહાન મુનિનો રાજ્યને માટે ઘાત કરાવીને આજે મરી જવું તે જ શ્રેયસ્કર છે,જીવવું હવે વ્યર્થ છે (53)

અધ્યાય-196-સમાપ્ત