Aug 16, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1195

 

અધ્યાય-૧૯૭-ભીમસેન અને ધૃષ્ટદ્યુમ્નનાં અર્જુન પ્રત્યે વચનો 


II संजय उवाच II अर्जुनस्य  वचः श्रुत्वा नोचुस्तत्र महारथाः I अप्रियं वा प्रियं वापि महाराज धनंजयम् II १ II

સંજય બોલ્યો-હે મહારાજ,અર્જુનનાં એ વચનો સાંભળીને ત્યાં રહેલા સર્વ મહારથીઓએ અર્જુનને પ્રિય કે અપ્રિય કશું જ સામું કહ્યું નહિ પણ એ વચન સાંભળીને ભીમસેન કોપીને જાણે અર્જુનની નિંદા કરતો હૉય તેમ બોલી ઉઠ્યો કે-અરે પાર્થ,આ તો તું અરણ્યવાસી મુનિના જેવું ને તીક્ષ્ણ વ્રત આચરતા બ્રાહ્મણના જેવું ધર્મવચન કહે છે,પણ ક્ષત્રિયો તો સર્વ કોઈનું રખવાળું કરે છે.તું ક્ષત્રિયનાં સર્વ ગુણોથી યુક્ત છે ને આપણા કુળમાં ધુરંધર છે છતાં આજે આમ અજ્ઞાનીની જેમ બોલે છે તે તને શોભતું નથી.ખરે,તારું પરાક્રમ ઇન્દ્રના જેવું જ છે ને તું પણ કદી ધર્મનું ઉલ્લંઘન કરતો નથી,તો કયો પુરુષ તારી પૂજા નહિ કરે?કારણકે તેર વર્ષના ક્રોધ અને દુઃખને અંતે પણ તું આજે ધર્મની જ અભિકાંક્ષા રાખે છે !!

હે તાત,તારુ મન હજી પણ સ્વધર્મને અનુસરી રહ્યું છે અને તારી બુદ્ધિ નિરંતર દયાભર્યા ઉત્તમ કૃત્યો કરવામાં જ આસક્ત રહે છે તે બહુ સારી વાત છે! પણ શત્રુઓએ  ધર્મરાજના રાજ્યને અધર્મથી પડાવી લીધું હતું અને દ્રૌપદીને સભામાં ઘસડી લાવી અપમાનિત કરી હતી.વળી એ શત્રુઓએ આપણને વલ્કલ વસ્ત્રો પહેરાવીને તેર વર્ષ વનમાં હાંકી કાઢ્યા હતા બાકી આપણે એ વનવાસ ને માટે તદ્દન અયોગ્ય જ હતા. હે અર્જુન આ બધા અમર્ષ  કારણોને મેં ઘણા કાળ સુધી શાંતપણે સહ્યાં છે અને બધું ક્ષાત્રધર્મમાં આશક્ત રહી હું આચરી ચૂક્યો છું પણ હવે પરાકાષ્ઠાએ પહોંચેલા એ અધર્મને ધૂંટી રાખીને હું તારી સહાય પામીને તે ક્ષુદ્ર રાજ્ય લૂંટારાઓનો સહપરિવાર સંહાર કરી નાખીશ.


અરે,તેં પોતે પ્રથમ કહ્યું હતું કે-'આપણે બધા અહીં યુદ્ધ માટે એકત્ર થયા છીએ અને તેથી સૌ સૌની શક્તિ પ્રમાણે યુદ્ધ કરીશું' ને હવે તે જ તું અત્યારે અમારી નિંદા કરે છે,ને ધર્મનું નિરૂપણ કરવા પણ ઈચ્છે છે.અત્યારે અમે બધા ભયથી વિહવળ થયા છીએ,છતાં તું તીક્ષ્ણ વાણી સંભળાવી,ઘા પર લુણ ભભરાવે છે,તું એ મહાન અધર્મને સમજતો નથી અને પ્રશંસાપાત્ર એવા તારા પોતાના આત્માની ને અમારા બધાની પ્રશંસા સુધ્ધાં કરતો નથી.આ વાસુદેવ પાસે જ ઉભા છે છતાં તું દ્રોણપુત્ર અશ્વત્થામાની પ્રશંસા કરે છે કે જે તારી સોળમી કળાને પણ યોગ્ય નથી.તું પોતે પોતાના દોષોનું વર્ણન કરતાં કેમ લાજતો નથી?

જો હું એકલો જ ક્રોધ કરીને પૃથ્વીને ફાડી નાખું તેમ છું,ને મારી સામે આવેલા ઇન્દ્ર સહીત દેવોને પણ નસાડી મુકું તેમ છું,તું મને આવો જાણે છે તો તારે તે અશ્વત્થામાથી ભયભીત થવું યોગ્ય નથી.હું એકલો જ તેને જીતી લઈશ'


પછી,ધૃષ્ટદ્યુમ્ન અર્જુનને કહેવા લાગ્યો કે-'હે અર્જુન,યાજન (બીજાઓ પાસે યજ્ઞો કરાવવા),અધ્યાપન,દાન,યજ્ઞ,પ્રતિગ્રહ અને અધ્યયન-આ છ બ્રાહ્મણોના પ્રસિદ્ધ કર્મો છે તો તેમાંના કયા કર્મમાં દ્રોણાચાર્યની નિયત સ્થિતિ હતી? એવા દ્રોણને મેં મારી નાખ્યા છે તેમાં તું મારી નિંદા કેમ કરે છે ?એ દ્રોણ બ્રાહ્મણ ધર્મથી ભ્રષ્ટ થઈને ક્ષત્રિયધર્મ સ્વીકારી બેઠા હતા,ને ક્ષુદ્ર કર્મ કરનારા તે દ્રોણ  દિવ્ય અસ્ત્રો વડે આપણો સંહાર કરી રહ્યા હતા.વળી તે માયા પણ રચતા હતા.એવા નીચ બ્રાહ્મણને કપટ કરીને કોઈ પુરુષ મારી નાખે તેમાં અયોગ્ય શું છે?મેં દ્રોણને ખરેખરી યોગ્ય શિક્ષા જ કરી છે,તે અશ્વત્થામા ક્રોધથી ગર્જનાઓ કરી રહ્યો છે તેથી મારુ શું લૂંટાઈ જવાનું છે?તે પોતે તો કૌરવોનું રક્ષણ કરવા અસમર્થ જ છે.


હે અર્જુન,તું ધાર્મિક થઈને પણ મને ગુરુઘાતી કહે છે,પરંતુ હું હું તેમનો ઘાત કરવા માટે જ અગ્નિમાંથી ઉત્પન્ન થયો છું.હું તને પૂછું છું કે-જે પુરુષને રણમાં યુદ્ધ કરતાં કાર્ય ને અકાર્ય એ બંને સરખું જ છે તે પુરુષને તું બ્રાહ્મણ કહીશ કે ક્ષત્રિય? વળી,જે પુરુષ ક્રોધથી ધૂંધવાઈ જાય અને બ્રહ્માસ્ત્ર આદિ દિવ્ય અસ્ત્રોને નહિ જાણનારા સામાન્ય યોદ્ધાઓ પર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરીને તેમનો સંહાર કરે તે પુરુષને કેમ મારી નાખવો ન જોઈએ?મેં તે ક્રૂર આચાર્યને માર્યા છે તો તું મને અભિનંદન કેમ આપતો નથી?

જેણે બીજા કોઈના નહિ પણ મારા જ પિતા અને અનેક બાંધવોને મારી નાખ્યા હતા તે મારા શત્રુનો શિરચ્છેદ કરીને,તો હજી સુધી પણ મારો સંતાપ દૂર થતો નથી.


હે અર્જુન,રણમાં શત્રુઓનો વધ ન કરવો તે જ ક્ષત્રિય માટે અધર્મરૂપ છે,ક્ષત્રિયોનો તો એ જ ધર્મ છે કે મારે કે મરે.તેં જેમ તારા પોતાના મિત્ર ભગદત્તને મારી નાખ્યો છે તેમ મેં પણ મારા આ (ગુરુ) શત્રુને મારી નાખ્યો છે.તું જો પિતામહ ભીષ્મને મારી નાખીને પોતાને ધાર્મિક માને છે તો મેં આ પાપીને મારી નાખ્યો છે તેમાં તું અધર્મ કેમ જુએ છે? હે પાર્થ,જેમ,હાથી નીચે બેસીને આપણને તેની પર ચડવા પોતાના શરીરનાં પગથિયાં કરી દે છે તેમ,અન્યોન્યના આપણા સંબંધથી જ હું નમ્ર થઇ રહ્યો છું,એવા મને તું તીક્ષ્ણ વચનો કહેવાને યોગ્ય નથી.દ્રૌપદી (મારી બહેન) ને તેના પુત્રોને કારણે જ હું તારાં તીક્ષ્ણ વચનો સાંભળી રહ્યો છું,બીજું કોઈ કારણ નથી.આચાર્યની સાથે મારા કુળને વેર ચાલ્યું આવે છે ને એ જાણીતું છે,સર્વ લોક આ વાત જાણે છે.હે અર્જુન,જેમ ધર્મરાજ અસત્યભાષી નથી તેમ હું પણ અધાર્મિક નથી.શિષ્યદ્રોહી પાપી દ્રોણ માર્યા ગયા છે માટે તું હવે યુદ્ધ કર.(44)

અધ્યાય-197-સમાપ્ત