Aug 18, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1197

 

અધ્યાય-૧૯૯-નારાયણાસ્ત્રનો પ્રયોગ 


II संजय उवाच II ततः स कृदनं चक्रे रिपूणां द्रोननन्दनः I युगान्ते सर्वभूतानां कालसृष्टा इवांतकः II १ II

સંજય બોલ્યો-પછી,કાળથી સરજાયેલો યમ,જેમ,પ્રલયકાળે સર્વ ભૂતોનો સંહાર કરે તેમ,દ્રોણપુત્ર અશ્વત્થામા શત્રુઓનો સંહાર કરવા લાગ્યો,ને અનેક બાણો મૂકીને શત્રુઓને મારીમારીને મડદાંનો મોટો પહાડ ખડો કરી મુક્યો.તે વખતે અશ્વત્થામાએ જોશથી મોટી ગર્જના કરીને પોતાની પ્રતિજ્ઞાનું તમારા પુત્રને શ્રવણ કરાવ્યું.'આ ધર્મનો ડોળ ધરી રહેલા યુધિષ્ઠિર સમક્ષ જ હું તેમની સર્વ સેનાને ભગાડી દઈશ ને ધૃષ્ટદ્યુમ્નને તો જરૂર મારી નાખીશ.આ મારી સત્ય પ્રતિજ્ઞા છે માટે આપણી સેનાને પછી વાળ' એ સાંભળીને દુર્યોધને મોટો સ્નાદ કરીને સર્વ સેનાને યુદ્ધમાં પાછી વાળી.અશ્વત્થામાની આગેવાની હેઠળ તે બંને સેના વચ્ચે મહાયુદ્ધ થઇ રહ્યું.

તે સમયે,અશ્વત્થામાએ પાંચાલોની સેના સામે તાકીને નારાયણાસ્ત્ર પ્રગટ કર્યું.એટલે તુરત જ તેમાંથી ચળકાટ કરતાં હજારો બાણો આકાશમાં પ્રગટ થયાં.ને એક મુહૂર્ત જેટલા સમયમાં તે દિશાઓ,આકાશ ને સર્વ સૈન્યને ઢાંકી દેવા લાગ્યાં.જોતજોતામાં તો તે અસ્ત્રમાંથી લોખંડના ગોળાઓ,ચતુશ્ચક્ર,દ્વિચક્ર,શત્ઘ્નીઓ,ગદાઓ,તીક્ષ્ણ છેડાવાળાં ચક્રો પ્રગટ થયાં.

પાંડવો.પાંચાલો,સૃન્જયો ત્યારે ગભરામણમાં પડી ગયા.મહારથીઓ જેમ જેમ તે અસ્ત્ર સામે યુદ્ધ કરતા ગયા તેમતેમ 

તે અસ્ત્ર વૃદ્ધિ પામતું ગયું.તે અસ્ત્ર સર્વ તરફ સંહાર કરવા લાગ્યું ત્યારે સૈન્ય ત્રાહિમામ પોકારવા લાગ્યું.


પોતાનું સૈન્ય ભાન ખોઈને નાસભાગ કરી રહ્યું હતું છતાં અર્જુન ઉભો રહ્યો હતો તે જોઈને યુધિષ્ઠિર ધૃષ્ટદ્યુમ્નને તટસ્થની જેમ કહેવા લાગ્યા કે-'ઓ ધૃષ્ટદ્યુમ્ન,તું પણ યોદ્ધાઓથી વીંટાઇને અહીંથી ચાલ્યો જા.વાસુદેવ પણ પોતાની યોગ્ય વ્યવસ્થા કરી લેશે.હું સર્વ સૈન્યોને કહું છું કે-હવે તમારે સંગ્રામ નહિ કરવો,કારણકે હું હવે મારા ભાઈઓની સાથે અગ્નિમાં જ પ્રવેશ કરીશ.આ સંગ્રામમાં હું ભીષ્મ ને દ્રોણરૂપ સમુદ્રને તો તરી ગયો પણ હવે આ અશ્વત્થામા-રૂપ ગાયની ખરી જેટલા પાણીમાં પરિવાર સહીત ડૂબી જઈશ.આ અર્જુનની અમારા પ્રત્યે જે ઈચ્છા છે તે ઝટ પુરી થાઓ.કારણકે શુભ વૃત્તિવાળા દ્રોણચાર્યને મેં મરાવ્યા છે.


એ દ્રોણાચાર્ય કે જેમણે યુદ્ધકુશળતા રહિત એવા બાળક અભિમન્યુને ઘણા મહારથીઓ દ્વારા મરવા દીધો પણ તેની રક્ષા ના કરી.જેમણે સભામાં દીન થયેલી દ્રૌપદીના પ્રશ્નનો ઉત્તર ન આપીને તેની તરફ ઉપેક્ષા કરી હતી.જેમને અર્જુનના વિનાશ માટે ને સીંધુરાજની રક્ષા માટે પ્રતિજ્ઞા લીધી હતી.ને આપણી વિશાલ સેનાને રોકી રાખી હતી.અર્જુનના ઘોડા થાકી ગયા હતા ને દુર્યોધન તેની પર આક્રમણ કરી રહ્યો હતો ત્યારે તેને કવચ પહેરાવીને સુરક્ષિત કર્યો હતો.જેમને મારા વિજયની માટે પ્રયત્ન કરતા સત્યજિત આદિ પાંચાલોનો વિનાશ કર્યો હતો.જયારે કૌરવોએ આપણને વનવાસ આપ્યો ત્યારે પણ તેમણે આપણે સાથ આપ્યો નહોતો.આવા આપણી પર અત્યંત સ્નેહ કરનાર ! દ્રોણાચાર્ય જો મરી ગયા છે તો હું પણ પોતાના ભાઈઓ સહીત મરી જઈશ.'જયારે યુધિષ્ઠિર આમ કહી રહ્યા હતા ત્યારે શ્રીકૃષ્ણે પોતાની બે ભુજાઓથી સર્વ સેનાને સંકેત કર્યો કે-


'હે યોદ્ધાઓ,તમે પોતપોતાના અસ્ત્રો તરત જ નીચે નાખી દો ને પોતપોતાના વાહન પરથી નીચે ઉતરી જાઓ.નારાયણે આ અસ્ત્રના નિવારણનો આ એકમાત્ર ઉપાય કહ્યો છે.ભૂમિ પર નિશસ્ત્ર ઉભા રહેલા તમને આ નારાયણાસ્ત્ર મારી નહિ શકે.પણ જો કોઈ યોદ્ધો તેની સામે યુદ્ધ કરશે તો તે અસ્ત્ર વધુ પ્રબળ બનશે.તમે બધા વાહનરહિત થઈને તે અસ્ત્રના સામે હાથ જોડીને ઉભા રહેશો તો તે તમને નહિ મારે.' વાસુદેવના તે વચન સાંભળીને સર્વ યોદ્ધાઓએ પોતાના અસ્ત્રો મૂકી વાહન પરથી નીચે ઉતરી જવાનો વિચાર કર્યો.ત્યારે ભીમે આવીને કહ્યું કે-


'કોઈ વીરે પોતાના હથિયાર નીચે નહીં નાખવા જોઈએ.હું બાણોથી તે અસ્ત્રનું નિવારણ કરીશ.મારી ગદાથી તે દ્રોણપુત્રના અસ્ત્રોને હું ચૂરચૂર કરી નાખીશ.મારી ભુજાઓ હિમાલયને પણ ધરાશયી કરવા સમર્થ છે.ઓ અર્જુન,બીભત્સુ,જોજે તું તારા ગાંડીવને છોડતો નહિ.ચંદ્રના કલંકની જેમ એ તારી નિર્મળતાને ધોઈ નાખશે.'

અર્જુન બોલ્યો-'હે ભીમસેન,મારું તો એ ઉત્તમ વ્રત છે કે-નારાયણાસ્ત્ર,ગાય અને બ્રાહ્મણો સામે મારે ગાંડીવનો ત્યાગ કરવો'


ત્યારે ભીમ ગર્જના કરતો અશ્વત્થામા સામે જઈને ઝડપથી બાણોની વૃષ્ટિ કરવા લાગ્યો.સામે નારાયણાસ્ત્રના પ્રભાવથી તપાવેલા સુવર્ણના તણખા સરખાં બાણોથી ભીમસેન તદ્દન ઢંકાઈ ગયો.એ યુદ્ધમાં ભીમસેનનું સ્વરૂપ,સાયંકાળે પતંગિયાંથી છવાઈ ગયેલા કોઈ પર્વત સરખું થઇ ગયું.જેમ જેમ ભીમ અશ્વત્થામા સામે બાણો ફેંકવા લાગ્યો તેમ તેમ તે અસ્ત્ર પવનથી ફૂંકાયેલા અગ્નિની જેમ વધવા લાગ્યું.તે જોઈને સર્વ પાંડવ સૈન્યમાં ભય પેસી ગયો ને એ બધાએ પોતાના શસ્ત્રો પૃથ્વી પર મૂકી દીધાં ને પોતપોતાનાં વાહન પરથી ઉતરી જમીન પર ઉભા થઇ ગયા.ત્યારે એકત્ર થયેલું તે અસ્ત્રવીર્ય ભીમસેનનના મસ્તક પર પડવા લાગ્યું,ને તેણે ભીમસેનને તદ્દન અદૃશ્ય જ કરી દીધો.પાંડવોમાં હાહાકાર થઇ રહ્યો (63)

અધ્યાય-199-સમાપ્ત