અધ્યાય-૧૯૮-ધૃષ્ટદ્યુમ્ન અને સાત્યકિની અન્યોન્યને ધમકી
II धृतराष्ट्र उवाच II सांगा वेदा यथान्यायं येनाधीता महात्मना I यस्मिन्न साक्षाद्वनुर्वेदो ह्विनिषेवे प्रतिष्ठित:II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-'હે સંજય,એ મહાત્માએ અંગો સહીત વેદોનો અભ્યાસ કર્યો હતો,સાક્ષાત ધનુર્વેદે જે વિનયશીલ આચાર્યનો આશ્રય કર્યો હતો અને જેમની કૃપાથી જ આ નરસિંહો આ રણમાં દેવોથી પણ ન બની શકે તેવાં અમાનુષ કર્મો કરી રહયા છે,તેવા આચાર્યનો ધૃષ્ટદ્યુમ્ને ઘાત કર્યો છે ત્યારે કોઈ ક્ષત્રિયે ક્રોધ જ ન કર્યો? ધિક્કાર છે તેમને ! હે સંજય,તે સમયે ધૃષ્ટદ્યુમ્નનાં વચનો સાંભળીને બીજા સર્વ રાજાઓ ને ધનુર્ધરોએ,તેને શું કહ્યું હતું તે મને કહે'
સંજય બોલ્યો-હે રાજન,ક્રૂરકર્મી,ધૃષ્ટદ્યુમ્નની વાણી સાંભળીને ત્યાં બેઠેલા સર્વ રાજાઓ ચૂપ થઈને જ બેસી રહ્યા હતા.અર્જુન તો કટાક્ષપૂર્વક વક્રદ્રષ્ટિ કરીને ધૃષ્ટદ્યુમ્નને તાકી રહ્યો હતો ને નિસાસા નાખીને 'ધિક્કાર-ધિક્કાર' એટલું જ બોલ્યો.ત્યારે સાત્યકિ બોલી ઉઠ્યો કે-'શું અહીં એવો કોઈ પુરુષ નથી કે આવું અમાંગલિક બોલી રહેલા આ પાપી નરાધમ પુરુષને સત્વર મારી નાખે? ઓ ધૃષ્ટદ્યુમ્ન,આ સર્વ પાંડવો તારી દુષ્ટતાને જાણવાથી મનમાં જ તારી નિંદા કરી રહ્યા છે.તારા દુષ્ટકર્મને લીધે તું સર્વ સત્પુરુષોમાં ફિટકારાઈ રહયો છે.તેં પાપ કર્યું છે છતાં અહીં આવું બોલતાં તારી જીભના ટુકડા કેમ થઇ જતા નથી?તારું મસ્તક કેમ ફાટી જતું નથી?પાંડવો,અંધકો ને યાદવોએ તો અવશ્ય તારી નિંદા જ કરવી જોઈએ.
આવું ગુરુવધનું અકાર્ય કરીને તું વડાઈ હાંકે છે ને તે ગુરુ પર આક્ષેપ કરે છે,તો તને તો મારી જ નાખવો જોઈએ.તારા સિવાય બીજો કયો આર્ય આવું ગુરુવધનું અધમ કામ કરવા તૈયાર થાય? ગુરુને તેં ચોટલી પકડીને મારી નાખ્યા છે તેથી તારી આગલી પાછલી સાત પેઢીના પુરુષો નરકમાં ડૂબી ગયા છે.તેં ભીષ્મવધના સંબંધમાં અર્જુન પર આક્ષેપ કર્યો પરંતુ તે મહાત્માએ પોતે જ પોતાનો નાશ કર્યો છે ને તેમને મારનારો પણ તારો પાપિષ્ટ ભાઈ શિખંડી જ છે.તેને તારા પિતાએ ભીષ્મના કાળ તરીકે ઉત્પન્ન કર્યો હતો.સર્વ સત્પુરુષોએ ધિક્કારેલા તને અને તારા ભાઈને પામીને પાંચાલવંશના સર્વ રાજાઓ ધર્મથી ભ્રષ્ટ છે,ક્ષુદ્ર છે અને મિત્રો તથા ગુરુઓનો દ્રોહ કરનારા છે.હવે જો ફરીથી તું મારી આગળ આવી વાણી બોલીશ તો હું આ વજ્ર જેવી ગદાથી તારું માથું ભાંગી નાખીશ.તેં બ્રહ્મહત્યાનું પાપ કર્યું છે,ને મારા ગુરુ (અર્જુન)ની આગળ જ તેમના ગુરુની નિંદા કરતાં તું લજવાતો નથી,તો ઉભો રહે,મારી આ ગદાના પ્રહારને જોઈ લે.'એમ કહી સાત્યકિએ તે ધૃષ્ટદ્યુમ્નનો તિરસ્કાર કર્યો.
ત્યારે ધૃષ્ટદ્યુમ્ને સાત્યકિને કહ્યું-'સાંભળ્યું,બેસ હવે બહુ થયું,તારા અવિનયને માટે હું તને ક્ષમા આપું છું.તું પોતે જ ક્ષુદ્ર આચરણવાળો,નીચાત્મા અને પાપી નિશ્ચયવાળો છે.ઠપકાપાત્ર તો તું જ છે છતાં તું મને ઠપકો આપવા ઈચ્છે છે.પેલા ભૂરિશ્રવાની ભુજા કપાઈ ગઈ હતી,ને તે અનશનવ્રત લઈને બેઠો હતો,ત્યારે તને બધાએ અટકાવ્યો હતો છતાં તેં તેને મારી નાખ્યો હતો તેનાથી અધિક પાપ કયું?પારકાને હાથે કપાઈ ગયેલા હાથવાળા,રણમાં યુદ્ધ ન કરતા અને અનશનવ્રતમાં રહેલાને જે પુરુષ મારી નાખે તે પાપી બીજાને કયે મોઢે કહી શકે તેમ છે?
એ ભૂરિશ્રવા જયારે પગની લાત મારીને તને પૃથ્વી પર ઘસડી રહ્યો હતો ત્યારે જ તેં એને કેમ નહોતો માર્યો?તેં પોતે ચાંડાલના જેવું કાર્ય કર્યું છે તેથી તને જ જે કહેવું હોય તે કહી શકાય તેમ છે છતાં તું મને આવાં કઠોર વાક્યો કેમ કહી શકે? ઓ યાદવકુળના અધમ સાત્યકિ,ભૂરિશ્રવાના વધ જેવા કર્મને તો તું જ કરી શકે,હું તો તેવા કર્મ નહિ કરું.તું જ સર્વ પાપકર્મોનું ધામ છે એટલે હવે ફરીથી બોલ્યા વિના ચૂપ થઈને બેસી રહે,મને વધારે કંઈ કહીશ નહિ.તું મને કહેવાની જે યોગ્યતા માની રહ્યો છે તે ઉલ્ટી વિરુદ્ધ છે,માટે તું હવે મૂર્ખાઈથી આવું વચન બોલીશ તો હું તને આ યુદ્ધમાં જ બાણો દ્વારા યમલોકમાં મોકલી દઈશ.
હે મૂર્ખ,કેવળ ધર્મને જ અનુસરીને સહેજમાં વિજય મેળવી શકાતો નથી.તે કૌરવોએ કરેલા અધર્મકૃત્યો તો તને ખબર જ છે,દ્યુત રમાડીને યુધિષ્ઠિરને અધર્મથી છેતર્યા,દ્રૌપદીને હેરાન કરી ને પાંડવોને વનવાસ આપ્યો.તેમણે પાંડવો પાસેથી સર્વ અધર્મથી જ છીનવી લીધું છે.મદ્રરાજ શલ્ય પાંડવપક્ષમાં આવતો હતો ત્યારે અધર્મથી જ તેમણે તેમને તેમના પક્ષમાં ખેંચી લીધી હતો.અધર્મથી જ તેમણે બાળક અભિમન્યુને મારી નાખ્યો હતો.આ બાજુ ભીષ્મને પણ અધર્મથી જ મારવામાં આવ્યા છે ને તેં પણ અધર્મથી જ ભૂરિશ્રવાને મારી નાખ્યો છે,આમ આ યુદ્ધમાં કૌરવો ને પાંડવોએ અધર્મ આચરણ કર્યા જ છે.સર્વ વીર પુરુષો ધર્મજ્ઞ છે છતાં વિજયની રક્ષા કરવા માટે તેમણે તે તે કૃત્યો કર્યાં છે,ધર્મ કે અધર્મનું સ્વરૂપ જાણવું અતિ કઠિન છે,એટલે ચુપચાપ કૌરવો સામે યુદ્ધ કર્યા કર અને વ્યર્થ યમસદનમાં ન જા'
ધૃષ્ટદ્યુમ્નનાં તે કઠોર વાક્યોથી સાત્યકિ પગથી માથા સુધી કંપી ઉઠ્યો ને ગદા હાથમાં લઈને ધૃષ્ટદ્યુમ્ન સામે ધસ્યો ને કહેવા લાગ્યો કે-'હવે તને હું એક પણ કઠોર વાક્ય કહીશ નહિ પણ મારી નાખવાને યોગ્ય એવા તને મારી જ નાખીશ.' ત્યારે શ્રીકૃષ્ણની પ્રેરણાથી ભીમસેન વચ્ચે કૂદી પડ્યો ને તેને પોતાના બાહુઓથી રોકી રાખ્યો.ને ત્યાંથી દૂર કર્યો.તે સમયે સહદેવે સાત્યકિને કહ્યું કે-'હે રાજા,સાત્યકિ,અંધકો,યાદવો ને શ્રીકૃષ્ણને અમારાથી બીજા વિશેષ મિત્રો નથી ને પાંચાલોને પાંડવો ને યાદવો સમાન મિત્રો મળશે નહિ.તમે જેમ ધૃષ્ટદ્યુમ્નને મિત્ર માનો છો તેમ તે પણ તમને તેવા જ મિત્ર માને છે.આપણે સર્વ મિત્રો છીએ તો તમે મિત્રધર્મને ધ્યાનમાં લો,ક્રોધને સમાવો ને શાંત થઇ તમે ધૃષ્ટદ્યુમ્નને ક્ષમા આપો ને તે તમને પણ ક્ષમા આપે.ક્ષમાથી વિશેષ શું ઉત્તમ બીજું હોઈ શકે?'
આમ સહદેવ તેને શાંત પાડી રહ્યો હતો ત્યારે ધૃષ્ટદ્યુમ્ન હસતો હસતો બોલી રહ્યો કે-'હે ભીમસેન,તમે યુદ્ધના મદથી છકી ગયેલા તેને છોડી દો તે ભલે મારી સામે આવે,હું તેને તીક્ષ્ણ બાણો મારીને તેના કોપને,યુદ્ધ કરવાની શ્રદ્ધાને અને તેના જીવિતને આ રણમાંથી દૂર કરી નાખું.મેં જે આ પાંડવોનું અતિ મહાન કાર્ય માથે ઉઠાવ્યું છે તે શું બનવું શક્ય છે?કારણકે આ તરફથી કૌરવો ચઢી આવે છે અને અહીં પણ મારે રોકાવું પડશે,અથવા અર્જુન તે બધાને અટકાવી રાખશે.તેટલામાં હું પણ આ સાત્યકિના મસ્તકને બાણો વડે પાડી નાખીશ.આ સાત્યકિ મને રણમાં કપાઈ ગયેલા હાથવાળો ભૂરિશ્રવા માને છે,માટે તને તમે છોડી ડો આજે હું તેને મારીશ કે તેને હાથે મરીશ.'
ત્યારે,ધૃષ્ટદ્યુમ્નનાં તે વાક્યો સાંભળી,સાત્યકિ સર્પની જેમ ફૂંફાડા મારવા લાગ્યો.ને ભીમસેનના બાહુઓમાંથી છૂટવા વારંવાર પ્રયત્ન કરવા લાગ્યો.પછી,વાસુદેવ અને યુધિષ્ઠિરે ઘણો પ્રયત્ન કરીને તે બંનેને યુદ્ધ કરતાં અટકાવ્યા.ત્યાર બાદ કોપથી લાલચોળ નેત્રવાળા તે બંને,યુદ્ધ કરવાની ઈચ્છાથી શત્રુઓ સામે યુદ્ધ કરવા ચાલી નીકળ્યા.(68)
અધ્યાય-198-સમાપ્ત
