અધ્યાય-૨૦૧-અશ્વત્થામાનું આગ્નેયાસ્ત્ર-રણમાં વ્યાસજી(શતરુદ્રીય સ્તોત્રઆરંભ)
II संजय उवाच II तत्प्रभग्नं बलं दष्ट्वा कुन्तीपुत्रो धनंजय I न्यवारयदमेयात्मा द्रोणपुत्रजयेष्मया II १ II
સંજય બોલ્યો-પોતાના સૈન્યમાં એ પ્રમાણે ભંગાણ પડેલું જોઈને કુંતીપુત્ર અર્જુન અશ્વત્થામાનો પરાજય કરવાની ઈચ્છાથી પોતાના સૈન્યને પાછું વાળવા લાગ્યો.તે સૈનિકોને ઉભા રાખવા પ્રયત્ન કરરતો હતો છતાં તે રણમાં ઉભા રહ્યા નહિ એટલે એકલો અર્જુન,સોમક,મત્સ્ય યોદ્ધાઓને લઈને અશ્વત્થામા તરફ ધસ્યો,ને તેને કહેવા લાગ્યો કે-'અરે ઓ અશ્વત્થામા,તારામાં જે શક્તિ હોય,તને કૌરવો તરફ પ્રેમ હોય,તને મારા પ્રત્યે જે દ્વેષ હોય,તે બધું આજે તું મારી આગળ દેખાડી દે.જેણે દ્રોણાચાર્યનો વધ કર્યો છે તે ધૃષ્ટદ્યુમ્ન જ તારા ગર્વનો નાશ કરશે.પણ,તું અત્યંત છકી ગયો છે તો તારા ગર્વનો હું નાશ કરીશ'
અશ્વત્થામાએ ચેદિ યુવરાજ,વૃદ્ધક્ષત્ર ને સુદર્શનને મારીને ધૃષ્ટદ્યુમ્ન,સાત્યકિ ને ભીમસેનનો પરાજય કર્યો,ત્યારે યુધિષ્ઠિરનાં વચનો ને યાદ કરી અને પોતાના પુત્રના વધને સંભારીને તેને દુઃખ થઇ આવ્યું હતું ને તે કોપિત થઈને અશ્વત્થામાને અયોગ્ય,અપ્રિય ને ન કહેવાનાં વચનો કહી સંભળાવવા લાગ્યો,તે સાંભળી,અશ્વત્થામા અર્જુન પર ને વિશેષે કરીને કૃષ્ણ પર ક્રોધિત થઈને તેણે અતિ દુરાધર્ષ એવું આગ્નેયાસ્ત્ર ગ્રહણ કર્યું,ને સર્વ દૃશ્ય તથા અદૃશ્ય શત્રુઓને ઉદ્દેશીને,ધુમાડા વિનાના અગ્નિની જેવા તે પ્રદીપ્ત બાણને ફેંક્યું.એટલે તરત જ આક્શામાં તુમુલ બાણવૃષ્ટિ થવા લાગી ને તે અગ્નિની જવાળાઓથી વ્યાપ્ત થયેલું અસ્ત્ર અર્જુન પર તૂટી પડ્યું.
ત્યારે આકાશમાંથી બળબળતાં ઉંબાડિયાં પડવા લાગ્યાં,દિશાઓ મલિન થઇ ને એકાએક સેનાએ પર ઘોર અંધકાર ઉતરવા લાગ્યો.મોટા મોટા રાક્ષસો.પિશાચો ગર્જનાઓ કરવા લાગ્યા,ગરમ વાયુ વાવા લાગ્યા ને સૂર્ય નિસ્તેજ થયો.પશુઓ મોટા બરાડા પાડવા લાગ્યા,ત્યારે સર્વ મહાભૂતો જાણે ભ્રમિત થઇ ગયાં હોય,સૂર્ય જાણે પુનરાવર્તન કરીને પાછો ફરતો હોય અને આખું વિશ્વ જાણે ભમતું હોય તેમ જણાવા લાગ્યું.ત્રણેય લોક ફફડી રહ્યું.આકાશમાંથી થતી બાણવર્ષાને લીધે,અનેક યોદ્ધાઓ માર્યા ગયા ને પૃથ્વી પર પડવા લાગ્યા.હાથીઓ બળી રહ્યા હતા ને ભયભીત થઈને જુદીજુદી દિશાઓમાં નાસભાગ કરી રહ્યા હતા.હજારો રથ સમુદાયો કડકડાટ કરતા પડવા લાગ્યા.અશ્વત્થામાનું તે આગ્નેયાસ્ત્ર પાંડવ સેનાને યુદ્ધમાં બાળી નાખવા લાગ્યું,તે જોઈને કૌરવ સૈન્ય હર્ષમાં આવીને સિંહનાદ કરવા લાગ્યું.
હે રાજન,તે વખતે અર્જુને બ્રહ્માસ્ત્ર પ્રગટ કર્યું કે જે અસ્ત્રને બ્રહ્માજીએ સર્વ અસ્ત્રોના વિનાશ માટે બનાવ્યું હતું.પછી તો બે ઘડીમાં જ અંધકાર દૂર થયો,શીતળ વાયુ વહેવા લાગ્યો,દિશાઓ સ્વચ્છ થઇ અને સેનાને શ્રીકૃષ્ણ અને અર્જુન એકસાથે નજરે ચડ્યા.બંનેના શરીર પર જરાયે આંચ આવી નહોતી.કૌરવ સૈન્યને ભયભીત કરતો તેમનો રથ ચમકી ઉઠ્યો.અર્જુન અને શ્રીકૃષ્ણે તેમનો શંખ ફૂંક્યો.તેમને પ્રસન્ન જોઈને તમારા પુત્રોના મનમાં ઘણી વ્યથા થઇ ને અશ્વત્થામાને પણ આશ્ચર્ય થયું કે-'આ શું થઇ ગયું?' તે પણ અત્યંત ઉદાસ થયો ને ધનુષ્ય ત્યાગીને રથમાંથી કૂદી પડી 'ધિક્કાર છે,આ સર્વ મિથ્યા જ છે' એમ કહીને રણભૂમિમાંથી વેગપૂર્વક ભાગ્યો.એવામાં જ મહર્ષિ વ્યાસ ત્યાં દેખવામાં આવ્યા,તેને જોઈને દ્રોણકુમારનું ગળું ભરાઈ આવ્યું ને તે દીનભાવથી ભરાઈને તેમને પૂછવા લાગ્યો કે-
'હે મહર્ષિ,આ માયા છે કે દૈવેચ્છા?મારી સમજમાં આવતું નથી કે આ અસ્ત્ર જૂઠું કેમ થયું?મારાથી શું કોઈ અપરાધ થયો છે?
આ આગ્નેયાસ્ત્રના પ્રભાવમાં કોઈ ઉલટફેર તો નથી થયો ને?કેમ કે તેનાથી સર્વ નાશ થવાનો હતો ને જેનાથી આ અર્જુન ને કૃષ્ણ બંને બચી ગયા.ખરે,કાળનો ઉલ્લંઘન કરવો અત્યંત કઠિન છે.મારા પ્રયોગ કરેલા આ અસ્ત્રને કોઈ પણ વ્યર્થ કરી શકે તેમ નહોતું તેમ છતાં તે કેવળ એક અક્ષૌહિણી સેનાને બાળીને શાંત થઇ ગયું.આ અસ્ત્રે શ્રીકૃષ્ણ ને અર્જુનનો વધ કેમ નહિ કર્યો? હે મહામુનિ.મેં જે આપણે પ્રશ્ન કર્યો,તેનો મને યથાર્થ ઉત્તર આપો,હું તે સાંભળવા ઈચ્છું છું'
