અધ્યાય-૨૦૦-નારાયણાસ્ત્રની શાંતિ અને અશ્વત્થામાનું પરાક્રમ
II संजय उवाच II भीमसेनं समाकीर्ण द्रष्ट्वास्त्रेण धनंजय I तेजसः प्रतिघाताय् वारुणेन समावृणोत II १ II
સંજય બોલ્યો-ભીમસેનને નારાયણાસ્ત્રથી ઢંકાઇ ગયેલો જોઈને અર્જુને તે અસ્ત્રના તેજનો વિનાશ કરવા માટે તેને વારુણાસ્ત્રથી ઢાંકી દીધો.પણ અર્જુનનું તે અસ્ત્ર નારાયણાસ્ત્રથી નાનું હતું,ને ભીમસેન તદ્દન દટાઈ ગયો હતો એટલે રણમાં કોઈને ય ખબર પડી નહિ કે અર્જુને ભીમસેનને વારુણાસ્ત્રથી ઢાંકી દીધો છે.ઘોડા,સારથી અને રથ સાથે ભીમસેન અશ્વત્થામાના તે અસ્ત્રમાં ઢંકાઈ ગયો હતો.તે વખતે સર્વ સૈન્ય બેભાન ને શસ્ત્રરહિત થયું હતું.ભીમસેનની દશા જોઈને અર્જુન ને વાસુદેવ,ભીમસેન તરફ દોડી ગયા.ને ત્યાં જઈને નારાયણાસ્ત્રના અસ્ત્રબળથી ઉત્પન્ન થયેલા તેજમાં માયાથી પ્રવેશ કર્યો.
તે સમયે અર્જુન અને શ્રીકૃષ્ણ અસ્ત્રહીન હતા,પણ વારુણાસ્ત્રના પ્રયોગના લીધે તે તે અસ્ત્રના અગ્નિથી બળ્યા નહિ.પછી,તે નરનારાયણે (અર્જુન અને શ્રીકૃષ્ણ)નારાયણાસ્ત્રની શાંતિ માટે ભીમસેનને કહ્યું કે-અમે બધા અસ્ત્રવિહીન થયા છીએ,અને તું પણ તે પ્રમાણે જ કર ને અસ્ત્રો છોડીને રથ પરથી નીચે ઉતરી પડ.નારાયણાસ્ત્રની શાંતિ કરવાનો તે એક માત્ર ઉપાય છે.'
આમ કહી શ્રીકૃષ્ણે તેને બળથી રથ નીચે ઉતારી પાડ્યો ત્યારે તેનાં સર્વ આયુધો છોડાવી દીધાં કે તરત જ તે નારાયણાસ્ત્ર શાંત થઇ ગયું.આમ મરણ પામતાં બચી ગયેલું સર્વ પાંડવ સૈન્ય આનંદમાં આવી ગયું.
આ અસ્ત્રને આમ શાંત થઇ ગયેલું જોઈને દુર્યોધને અશ્વત્થામાને કહ્યું કે-'તમે હવે શીઘ્ર ફરીથી આ અસ્ત્રનો પ્રયોગ કરો.કેમ કે સર્વ યોદ્ધાઓ આ અસ્ત્રથી ડરીને શસ્ત્રો છોડીને ઉભા થયા હતા,પણ હવે ફરી યુદ્ધ માટે સજ્જ થયા છે'
અશ્વત્થામાએ કહ્યું કે-'આ અસ્ત્ર ફરી પાછું લાવી શકાતું નથી કે તેનો ફરીથી પ્રયોગ કરી શકાય છે કેમ કે જો તેનો ફરી પ્રયોગ કરવામાં આવે તો તે પ્રયોગ કરનારને જ સમાપ્ત કરી નાખે છે એમાં સંશય નથી.વાસુદેવે એ શસ્ત્રનો ઉપાય બતાવીને આ અસ્ત્રને શાંત કરી દીધું છે,પણ શસ્ત્રોનો ત્યાગ કરેલા તેઓ પરાજય જ પામેલા છે,ને મરી જ ગયેલા છે'
દુર્યોધન બોલ્યો-'તો પછી તમે બીજા અસ્ત્રોનો પ્રયોગ કરીને એ ગુરુહત્યારાઓને મારી નાખો.તમારામાં અને તેજસ્વી શંકરમાં જ સર્વ દિવ્ય અસ્ત્રો નિવાસ કરી રહ્યા છે ને તમે ધારો તો ઇન્દ્રને પણ છોડો તેમ નથી' ત્યારે,જેના ધ્વજમાં સિંહના પુંછડાંનું ચિહન છે એવા અશ્વત્થામા પોતાના પિતાના મરણને મનમાં રાખી,ધૃષ્ટદ્યુમ્ન સામે ધસી ગયા ને તેમની વચ્ચે તુમુલ યુદ્ધ શરુ થયું.
બંને એકબીજા પર બાણોનો પ્રહાર કરીને એકબીજાને અત્યંત પીડી રહ્યા હતા.પછી,દ્રોણપુત્રે,ધૃષ્ટદ્યુમ્નને રણમાં ઘોડા,સારથી ને રથ વિનાનો કરી દીધો ને તેના અનુચરોને પણ ભગાડી મુક્યા.તે જોઈને સાત્યકિ અશ્વત્થામા સામે ધસી આવ્યો ને તેને અમાપ બાણો મૂકીને અશ્વત્થામાના ધનુષ્યને તોડીને તેના રથનો ઘોડાઓ સાથે નાશ કરી નાખ્યો.
ગુરુપુત્રની દશા જોઈને દુર્યોધન,કૃપાચાર્ય,કર્ણ આદિને લઈને સાત્યકિ સામે ધસ્યા.ને તેની પર બાણોનો પ્રહાર કરવા લાગ્યા.પણ,સાત્યકિએ તુરત જ સામે બાણોની વર્ષા કરી તે સર્વને રથરહિત કરી મુક્યા.ને રણમાંથી નસાડી મુક્યા.
હવે અશ્વત્થામા બીજા રથમાં બેસીને ફરી યુદ્ધ કરવા આવ્યો તો ત્યારે પણ સાત્યકિએ ફરી તેને રથ વિનાનો કરી દીધો.
સાત્યકિનું પરાક્રમ જોઈને સર્વ યોદ્ધાઓ શંખનાદો ને સિંહ ગર્જનાઓ કરવા લાગ્યા.પછી,સાત્યકિએ વૃષસેનના ત્રણ હજાર મહારથીઓને મારી નાખ્યા,કૃપાચાર્યના પંદરસો હાથીઓનો ઘાણ કાઢી નાખ્યો ને શકુનિના પચાસ હજાર ઘોડાઓનો સંહાર કરી નાખ્યો.પછી,અશ્વત્થામા ફરી બીજા રથમાં બેસીને સાત્યકિનો વધ કરવાની ઈચ્છાથી તેની સામે ધસ્યા.
સાત્યકિ તેને અતિક્રૂર તીક્ષ્ણ બાણોથી ઘાયલ કરવા લાગ્યો ત્યારે તે અશ્વત્થામાએ તેને કહ્યું કે-આચાર્યઘાતી,ધૃષ્ટદ્યુમ્ન માટે તને કેટલી લાગણી છે-તે હું જાણું છું છતાં,મારી ઝપટમાં આવેલા તેને કે પોતાને તું બચાવી શકીશ નહિ.હું સત્યના સોગંધ ખાઈને કહું છું કે-સર્વ પાંચાલોનો સંહાર કર્યા વિના હું શાંતિ પામીશ નહિ.તું તારું જેટલું બળ હોય તે અજમાવી જો' આમ કહીને તેણે સૂર્યના કિરણો સરખું ઉત્તમ તીક્ષ્ણ બાણ સાત્યકિ પર છોડ્યું કે જેણે સાત્યકીના કવચને ચીરી નાખીને તેના શરીરને ઘાયલ કરી નાખ્યું.અત્યંત ઘાયલ ને દુઃખથી પીડિત થયેલો સાત્યકિ રથની બેસણી પર બેસી ગયો ત્યારે તેનો સારથિ તેને બીજી તરફ લઇ ગયો.પછી,અશ્વત્થામાએ ધૃષ્ટદ્યુમ્ન સામે ધસીને તેની બે ભ્રમર વચ્ચે પ્રહાર કર્યો કે જેથી તે પણ અત્યંત પીડાઈને ધ્વજનો ટેકો લઈને બેસણી પર બેસી ગયો.
તે જોઈને અર્જુન,ભીમસેન,પુરુવંશનો વૃદ્ધક્ષત્ર,ચેદીદેશનો યુવરાજ અને મળવાનો રાજા સુદર્શન એ પાંચ શૂરા મહારથીઓ અશ્વત્થામાને આવીને ઘેરી વળ્યાં.ને તેની પર પાંચ પાંચ બાણોનો પ્રહાર કર્યો.સામે અશ્વત્થામાએ તે સર્વ બાણોને કાપી નાખ્યા ને તે સર્વને સામે તીક્ષ્ણ બાણો મૂકીને વીંધી નાખ્યા.વળી,અર્જુન પર બાણોની વૃષ્ટિ કરી તેને વીંધીને તે અશ્વત્થામા સિંહનાદ કરવા લાગ્યો.ને પોતાનું તીવ્ર તેજ પ્રગટ કરીને સુદર્શન રાજાના બાહુઓ ને મસ્તકને ઉડાવી દીધું.તથા એક રથશક્તિનો પ્રહાર કરીને પૌરવ રાજાને મારી નાખ્યો ને ચેદીઓના યુવરાજને પણ મરણ શરણ કર્યો.પોતાની આંખ આગળ જ માલવ,પૌરવ ને ચેદિરાજને મરણ પામેલા જોઈને ભીમસેનને અતિક્રોધ થયો ને તેણે બાણોની વર્ષા કરીને અશ્વત્થામાને છાઈ દેવા લાગ્યો.
પરંતુ દ્રોણપુત્રે તે બાણવૃષ્ટિનો નાશ કરીને સામો ભીમસેનને તીક્ષ્ણ બાણોથી વીંધ્યો.બંને અરસપરસ સામસામા એકબીજાના ધનુષ્યને કાપી નાખતા હતા,ત્યારે તુરત જ નવું ધનુષ્ય લઈને એકબીજાને છાઈ દેતા હતા.બંને જણા બાણજાળો છોડી રહ્યા હતા ત્યારે વચમાંથી વાયુનો સંચાર પણ થઇ શકતો નહતો.અશ્વત્થામાએ જયારે ભીમસેનના ધનુષ્યને કાપી નાખ્યું ત્યારે તેણે એક દારુણ રથશક્તિ અશ્વત્થામાના રથ સામે ફેંકી.પણ ધસી આવતી તે શક્તિના તેણે ટુકડેટુકડા કરી નાખ્યા.હવે,તે અશ્વત્થામાએ ભીમસેનના સારથિને તેના લલાટમાં બાણ મારી તેને મૂર્છિત કરી નાખ્યો.સારથિ બેભાન થયો ને તેના હાથમાંથી લગામ છૂટી ગઈ એટલે ભીમસેનના બેકાબુ ઘોડાઓ રણમાંથી નાઠા.
આમ નાસી જતા ઘોડાઓને લીધે ભીમસેન દૂર ચાલ્યો ગયો તે જોઈને અશ્વત્થામાએ હર્ષમાં આવી પોતાનો શંખ ફૂંક્યો.તે સમયે સર્વ પાંચાલ યોદ્ધાઓ પણ ભયને લીધે ધૃષ્ટદ્યુમ્નના રથ એ છોડીને ચારે બાજુ ભાગવા લાગ્યા ત્યારે અશ્વત્થામા તેમની પાછળ પડીને તેમના પર બાણો ફેંકીને તે સેનાને રણમાંથી હાંકી કાઢીને,પાંડવસૈન્યના યોદ્ધાઓને માર મારવા માંડ્યો.(131)
અધ્યાય-200-સમાપ્ત
