Aug 21, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1200

 

વ્યાસજી બોલ્યા-તેં આશ્ચર્ય થઈને જે પ્રશ્ન પૂછ્યો છે તેનો ઉત્તર તું સાંભળ.જે આપણા પૂર્વજોના પણ પૂર્વજ ભગવાન નારાયણ છે,તે જ આદિદેવ,જગન્નાથ,લોકકર્તા અને પોતે જ બધું જ કરવામાં સમર્થ છે.તે આ સંપૂર્ણ જગતના આદિકારણ અને પોતે આદિ-અંતથી રહિત છે.પોતાની મર્યાદાથી કદી પણ ચ્યુત ન થવાને કારણે તે 'અચ્યુત' કહેવાય છે.શ્રુતિઓ અને મહર્ષિઓ તેમના જ તત્વની વિવેચન કરે છે.તે જગદીશ્વરને સમસ્ત પ્રાણી મનથી પણ જીતવાને અસમર્થ છે.તે વિશ્વવિધાતા ભગવાન એક વખતે કોઈ વિશેષ કાર્યને માટે ધર્મના પુત્રરૂપે અવતીર્ણ થયા હતા.તેમણે હિમાલય પર્વત પર રહીને પોતાની બે ભુજાઓ ઊંચે ઉઠાવી રાખીને કઠોર તપસ્યા કરી હતી.તે કમલનયન શ્રીહરિએ છાસઠ હજાર વર્ષો સુધી કેવળ વાયુ પીને પોતાના શરીરને સુકાવ્યું.ને પછી તેનાથી પણ બે ગણા કાળ સુધી તપસ્યા કરીને પોતાના તેજથી પૃથ્વી ને આકાશને ભરી દીધું.(60)

હે તાત,તે તપસ્યાથી,તે જયારે બ્રહ્મસ્વરૂપમાં સ્થિત થઇ ગયા ત્યારે તેમને તે વિશ્વેશ્વર ભગવાનનાં દર્શન થયાં કે જે સંપૂર્ણ વિશ્વના ઉત્પત્તિ સ્થાન અને જગતના પાલક છે,જેમને પરાજિત કરવા અસંભવ છે,સંપૂર્ણ દેવતા તેમની સ્તુતિ કરે છે ને જે સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ ને મહાનથી પણ મહાન છે.તે 'રુ' એટલે કે દુઃખને દૂર કરનાર હોવાથી રુદ્ર કહેવાય છે,તે બ્રહ્મા આદિ લોકપાલોમાં બધાથી શ્રેષ્ઠ છે.પાપહારી,કલ્યાણની પ્રાપ્તિ કરાવનાર તથા જટાજુટધારી છે.તે જ બધાને ચેતના પ્રદાન કરે છે અને તે જ સ્થાવર જંગમ પ્રાણીઓના 'કારણ' છે.તેમને ક્યાંય કોઈ રોકી શકતું નથી ને તેમનાં દર્શન ઘણી કઠિનાઈથી થાય છે.તે દુષ્ટો પર પ્રચંડ કોપ કરનાર છે,તેમનું હૃદય એ વિશાલ છે,તે બધા ક્લેશોને હરનાર છે અથવા સર્વ સંહારી છે.સાધુપુરુષ પ્રત્યે તેમનું હૃદય અતિઉદાર છે,તે દિવ્ય ધનુષ્ય ને બે તરકશ ધારણ કરે છે તેમનું કવચ સોનાનું બનેલું છે ને અનંત બળથી સંપન્ન છે.


તે પોતાના હાથમાં પિનાક અને વજ્ર ધારણ કરે છે,તેમના એક હાથમાં ત્રિશુલ ચમકતું રહે છે.ફરસી,તલવાર,ગદા,મુશળ.પરિઘ અને દંડ તમને હાથની શૉભાને વધારે છે.તેમની અંગકાંતિ અતિ ઉજ્જવળ છે,તે મસ્તક પર જટા અને તેના પર ચંદ્રમાનો મુકુટ ધારણ કરે છે અને તેમના શ્રીઅંગમાં વાઘમ્બર શોભા આપે છે.તેમની ભુજાઓમાં સુંદર બાજુબંધ,ગળામાં નાગમય યજ્ઞોપવિત છે.તે પાર્ષદ સ્વરૂપ સંપૂર્ણ ભૂતસમુદાયોથી સુશોભિત છે,તેમને જ એકમાત્ર અદ્વિતીય પરમેશ્વર સમજવા જોઈએ.તે તપસ્યાની નિધિ છે અને વૃદ્ધ પુરુષ પ્રિય વચનો દ્વારા તેમની સ્તુતિ કરે છે.


જળ,દિશા,આકાશ,પૃથ્વી,ચંદ્રમા,વાયુ.અગ્નિ તથા જગતના કાળ-એ બધા તેમના જ સ્વરૂપ છે.તે બ્રહ્મ દ્રોહીઓના નાશક અને મોક્ષના પરમ કારણ છે,દુરાચારી મનુષ્ય તેમના દર્શન કરવા માટે અસમર્થ છે.આ વિશ્વ જેમનું સ્વરૂપ છે,જે સાક્ષાત ધર્મ અને સ્તવન કરવા યોગ્ય પરમેશ્વર છે,તે જ મહેશ્વર,નારાયણની તપસ્યા ને ભક્તિથી પ્રભાવિત થઈને પ્રગટ થયા અને તપસ્વી નારાયણે તેમના દર્શન કર્યા.તેમના દર્શનથી મન,વાણી,બુદ્ધિ અને શરીરની સાથે તેમની અંતરાત્મા હર્ષથી ખિલી ઉઠી અને તે ભગવાન વાસુદેવે મોટા આનંદનો અનુભવ કર્યો.ને તેમને વંદન કર્યા.તે રુદ્રાક્ષની માળા પહેરેલ પ્રભુ,હૃષ્ટપુષ્ટ અને મનોહર અંગોવાળી પાર્વતીદેવીની સાથે ક્રીડા કરતા પધાર્યા હતા.તે અજન્મા,ઈશાન,અવ્યક્ત,કરણસ્વરૂપ અને પોતાની મહિમાથી કદી ચ્યુત ના થવાવાળા પરમાત્માને તેમના પાર્ષદ સ્વરૂપ ભૂતગણો ઘેરીને ઉભા હતા.કમલનયન ભગવાન શ્રીહરિએ પૃથ્વી પર બે ઘૂંટણો ટેકવીને અને મસ્તક પર હાથ જોડીને,અંધકાસુરનો વિનાશ કરનાર તે રુદ્રદેવને પ્રણામ કર્યા ને ભક્તિભાવથી યુક્ત થઈને તે ભગવાન વિરુપાક્ષની સ્તુતિ કરવા લાગ્યા.(71)