Aug 22, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1201

 

શ્રીનારાયણ બોલ્યા-હે આદિદેવ,આ ત્રિભુવનનું રક્ષણ કરનારા સર્વ પ્રજાપતિઓ આપનાથી જ ઉત્પન્ન થાય છે.હે વરેણ્ય,હે દેવ,તે પ્રજાપતિઓ આ પૃથ્વીમાં પ્રવેશ કરીને આપની પુરાણી સૃષ્ટિનું રક્ષણ કરી રહ્યા છે.વળી,દેવો,અસુરો,સર્પો,રાક્ષસો,

પિશાચો,મનુષ્યો,ગરુડો,યક્ષો અને અનેક જાતના સર્વ ભૂતગણો આપનાથી જ ઉત્પન્ન થયા છે તે અમે જાણીએ છીએ.ઇન્દ્ર,વરુણ,કુબેર,પિતૃ,વિશ્વકર્મા ને ચંદ્ર દેવતાઓ સંબંધી જે જે કર્મ કરાવવામાં આવે છે તે બધું આપના માટે જ કરવામાં આવે છે.રૂપ,તેજ,શબ્દ,આકાશ,વાયુ,સ્પર્શ,રસ,જળ,ગંધ,પૃથ્વી,કાળ,બ્રહ્મા,વેદો,યજ્ઞો,બ્રાહ્મણો ને જે સ્થાવર જંગમ ભૂતવર્ગ છે તે બધો આપનાથી ઉત્પન્ન થયો છે ને અંતે આપનામાં જ વિલિન થાય છે.જે પુરુષ ભૂતો સંબંધી આવું તાત્વિક જ્ઞાન ધરાવે છે તે આપના સાયુજ્યને પામે છે.હૃદયાકાશમાં રહેનારા શુદ્ધ,અશુદ્ધ,સત્વગુણ પ્રધાન,માયા તથા અવિદ્યા નામની મૂળ પ્રકૃતિમાં 'ચિત્તપ્રતિબિંબભૂત અને અવર્ણયુક્ત' એવા 'ઈશ્વર તથા જીવસંજ્ઞક' બે માનસ પક્ષીઓ મનની અંદર જ 'શારતા અને શાસ્ય' ભાવથી સ્પષ્ટ જણાય છે અને પક્ષીની જેમ ઉપાધિના સંબંધ વાળા છે.

તેઓ મહત્તત્તત્વ,અંધકાર,અને પાંચતન્માત્રા રૂપ-સાત પિપ્પલવૃક્ષો વાણીમાત્રથી જ વિસ્તૃત થયાં છે,વાસ્તવિક રીતે તે અસત્ય જ છે અને પૂર્વોક્ત ઈશ્વર તથા જીવ સંજ્ઞક પક્ષીઓના અશિષ્ઠેય છે.તેઓ,બીજી દશ ઇન્દ્રિયો કે જેઓ પાંચ ભૌતિક શરીરરૂપ નગરને ધારણ કરે છે તે સર્વ તત્વોને આપે જ સર્જ્યાં છે,પરંતુ પરમાત્મારૂપ આપ તો તેમનાથી પર છો,ભિન્ન છો.ભૂત,વર્તમાન અને ભવિષ્ય આપ છો,આ સમગ્ર ભુવનો આપનાથી જ ઉત્પન્ન થયાં  છે.હે પ્રભુ,હું આપનો ભક્ત છું,નિત્ય આપનું ભજન કર્યા કરું છે માટે મારી ઇશાંત કામનાઓ પૂર્ણ કરીને મારુ રક્ષણ કરો.આપ કામાદિ દુષ્ટ વાસનાઓ,મારા ચિત્તમાં પ્રવેશ કરાવીને મારો નાશ કરશો નહિ.આપ આત્માના પણ આત્મા છો.(ઉપાધિવાળા જીવાત્માથી પર એવા નિરુપાધિરૂપ પ્રત્યગાત્મા છો)

અને તેથી જ આપનામાં અહંકાર આદિનો લેશમાત્ર પણ બોધ થતો નથી.


આપ આવા પરમાત્મસ્વરુપ છો ને આપનું તાત્વિક જ્ઞાન ધરાવનારો પુરુષ ઉપાધિનો ત્યાગ કરી ઉપાધિના સંબંધથી રહિત એવા નિર્લેપ બ્રહ્મને પામે છે પરંતુ હું તો અહંકારથી યુક્ત છું,અને આપ શંભુનું અર્ચન કરવા ઈચ્છું છું,માટે જ સ્તુતિ કરવા યોગ્ય એવા આપને હું સર્વ સ્થળે શોધી રહ્યો છું.હે દેવ,મેં આપની યથાશક્તિ સ્તુતિ કરી છે તે પર લક્ષ આપી મને ઇષ્ટ વરદાન આપો.પણ આ વિશ્વમાં આપે જે માયાનો વિસ્તાર કર્યો છે તેનો મારા પર વિસ્તાર ન કરશો.મને તો માયાથી મુક્ત જ કરજો.'


શ્રીનીલકંઠ બોલ્યા-'હે નારાયણ,મારા પ્રસાદથી તમે મનુષ્યો,દેવો,તથા ગંધર્વોમાં અમાપ બળવાળા થશો.કોઈ દેવ પણ,

શસ્ત્ર,વજ્ર,અગ્નિ,વાયુ,આર્દ્ર,શુષ્ક,જંગમ કે સ્થાવર સાધનથી યુક્ત થઈને તમને રણમાં જીતી શકશે નહિ.

કોઈ પણ ભૂતવર્ગ તમને બાધા કરી શકશે નહિ,રણમાં જઈને તમે મારાથી પણ અધિક થશો.'


વ્યાસ બોલ્યા-'હે અશ્વત્થામા,શ્રીકૃષ્ણે પ્રથમથી જ એ વરદાનો મેળવ્યાં છે,એમ તારે સમજવું.એ નારાયણદેવ માયાથી સર્વ જગતને મોહ ઉપજાવતા પૃથ્વી પર ફર્યા કરે છે.વળી,અર્જુન પણ નારાયણના તેજથી ઉત્પન્ન થયેલો 'નર' નામનો મુનિ છે તેથી તેને પણ એ નારાયણદેવ સરખો જ તારે જાણવો.આ બંને શ્રીકૃષ્ણ અને અર્જુન,બ્રહ્મા,વિષ્ણુ અને રુદ્ર-એ કુળદેવોના મધ્યમાં,વિષ્ણુસ્વરૂપ નરનારાયણ ઋષિ છે અને પુષ્કળ તપ સમૃદ્ધિથી સંપન્ન છે.લોકોનું રક્ષણ કરવા માટે તે બંને જણા યુગેયુગે અવતાર ધારણ કરે છે.હે અશ્વત્થામા.તે જ પ્રમાણે તું પણ મહાન તપના પ્રભાવથી તેજ અને કોપને ધારણ કરનારો રુદ્રાવતારી ઉત્પન્ન થયો છે.તું દેવ સરખો બુદ્ધિમાન છે અને તેં પણ આ જગતને શંકર સ્વરૂપ જાણીને તેમને પ્રસન્ન કરવાની ઈચ્છાથી,જપ,હોમ અને ઉપહારો દ્વારા એ મહાપુરુષ શંકરની મૂર્તિનું પૂર્વે પૂજન કર્યું હતું.ને તે પ્રમાણે પૂજન કરતાં 

તે ભગવાન પૂર્વ શરીરકાળે જ તારા પર પ્રસન્ન થયા હતા ને તને પુષ્કળ વરો આપ્યા હતા.


તારા અને અર્જુન-શ્રીકૃષ્ણનાં જન્મ,કર્મ,તપ અને યોગો પુષ્કળ છે પણ ભિન્નતા એટલી જ છે કે તે બંનેએ શંકરની લિંગપૂજા કરી છે ને તેં પ્રતિમા પૂજા કરી છે.જે પુરુષ મહેશ્વરને સર્વ સ્વરૂપ જાણીને લિંગની અંદર (સૂક્ષ્મ સ્વરૂપે)પૂજે છે તે પુરુષની અંદર સર્વ શાસ્ત્રયોગો શાશ્વત સ્થિત કરે છે.આ કેશવ પણ શંકરના ભક્ત છે,એટલું જ નહિ પણ તે શંકરથી જ ઉત્પન્ન થયા છે માટે તે શ્રીકૃષ્ણનું જ સર્વ યજ્ઞો દ્વારા યજન કરવું.વળી,જે પુરુષ મહેશ્વરના લિંગને સર્વ ભૂતોના ઉત્પત્તિક્ષેત્રરૂપ 

જાણીને પૂજે છે તે પુરુષના પર વૃષભધ્વજ શંકર અધિક પ્રીતિ કરે છે (96)


સંજય બોલ્યો-વ્યાસનાં એ વચન સાંભળીને દ્રોણપુત્રે શંકરને નમસ્કાર કર્યા ને શ્રીકૃષ્ણને સર્વથી અધિક માન્યા.વ્યાસજીની અદભુત વાણીથી તેને રોમાંચ થયો ને તેણે મહર્ષિને વંદન કરીને,સેના સામે જોઈને તેને છાવણી તરફ પાછા ફરવાની આજ્ઞા કરી.પછી,તે દિવસના યુદ્ધમાં દ્રોણાચાર્યનું મરણ થતા દીન થઇ ગયેલા કૌરવો ને પાંડવો છાવણી તરફ પાછા ફર્યા.હે રાજન,પાંચ દિવસ સુધી યુદ્ધ કરીને દ્રોણાચાર્યે સેનાનો સંહાર કરીને બ્રહ્મલોકમાં ગયા હતા (100)

અધ્યાય-201-સમાપ્ત