Aug 25, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1202

 

અધ્યાય-૨૦૨-શ્રીશંકર માહાત્મ્ય-વ્યાસ અને અર્જુન 


II धृतराष्ट्र उवाच II तस्मिन्नति रथे द्रोणे निहते पार्षतेन वै I मामकाः पांडवाश्चैव किमकुर्वन्नतः परम् II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,દ્રોણાચાર્યના મર્યા પછી,મારા ને પાંડુપુત્રોએ શું કર્યું હતું?

સંજય બોલ્યો-દ્રોણાચાર્યના મરણ પછી,કૌરવ સૈન્ય ભાગીને ઉભું હતું ત્યારે પોતાના વિજયની એક આશ્ચર્યજનક ઘટના જોઈને અર્જુન અકસ્માત ત્યાં આવેલા વ્યાસજીને એ સંબંધમાં પૂછ્યું કે-'હે મહર્ષિ,જયારે હું મારા બાણો દ્વારા શત્રુસેનાનો સંહાર કરી રહ્યો હતો ત્યારે મારા જોવામાં આવ્યું હતું કે એક અગ્નિના સમાન તેજસ્વી પુરુષ મારી આગળ ચાલી રહ્યા હતા.

તે પોતાના હાથમાં સળગતું શૂળ લઈને જે દિશામાં જતા હતા ત્યારે મારા શત્રુઓ ત્યાંથી ભાગી જતા હતા.આમ એમને જ મારા સમસ્ત શત્રુઓને મારીને ભગાવ્યા છે પણ લોકો એમ સમજે છે કે મેં તેમને મારી ભગાવ્યા છે.શત્રુની સેના એમના દ્વારા જ નષ્ટ થતી હતી ને ભાગતી હતી,હું તો માત્ર તેમની પાછળ ચાલતો જ હતો.હે ભગવન,આપ જ મને કહો કે તે મહાપુરુષ કોણ હતા?મેં તેમના હાથમાં ત્રિશુલ જોયું હતું ને તે સૂર્ય સમાન તેજસ્વી હતા.તે પોતાના પગથી પૃથ્વીનો સ્પર્શ કરતા નહોતા ને પોતાના હાથમાંથી ક્યારેય ત્રિશુલ છોડતા નહોતા.તેમના તેજથી એક ત્રિશુલમાંથી હજારો જવા નવા ત્રિશુલ પ્રગટ થઈને શત્રુઓ પર પડતાં હતાં.


વ્યાસજી બોલ્યા-હે અર્જુન,જે પ્રજાપતિઓમાં પ્રથમ,તેજ સ્વરૂપ,અંતર્યામી તથા સર્વસમર્થ છે,ત્રણે ભુવન જેમનું સ્વરૂપ છે,જે દિવ્ય વિગ્રહધારી તથા સંપૂર્ણ લોકોના શાસક અને સ્વામી છે,તે જ વરદાયક ઈશ્વર ભગવાન શંકરના તેં દર્શન કર્યા છે.તે વરદ દેવતા સંપૂર્ણ જગતના ઈશ્વર છે માટે તું તેમની શરણમાં જ જા,તે મહાન દેવ છે,તેમનું હૃદય મહાન છે.તે સર્વ પર શાસન કરવાવાળા,સર્વવ્યાપી અને જટાધારી છે.તેમને ત્રણ નેત્ર છે ને તેમની ભુજાઓ વિશાલ છે,રુદ્ર તેમની સંજ્ઞા છે અને તેમના મસ્તક પર શિખા તથા શરીર પર વલ્કલ શોભા આપે છે.


મહાદેવ,હર અને સ્થાણુ -આદિ નામોથી પ્રસિદ્ધ વરદાયક ભગવાન શિવ સંપૂર્ણ ભુવનોના સ્વામી છે ને તે જ જગતના કારણરૂપ અવ્યક્ત પ્રકૃતિ છે,તે કોઈથી ય પરાજિત થતા નથી.જગતને પ્રેમ અને સુખની પ્રાપ્તિ તેમનાથી જ થાય છે.તે બધાના અધ્યક્ષ છે.તે જ જગતની ઉત્પત્તિનું સ્થાન,જગતનું બીજ,વિજયશીલ,જગતનો આશ્રય,સંપૂર્ણ વિશ્વનો આત્મા,વિશ્વવિધાતા,વિશ્વરૂપ ને યશસ્વી છે.તે વિશ્વેશ્વર,વિશ્વનિયંતા,કર્મોના ફલદાતા અને પ્રભાવશાળી છે.તે જ સર્વનું કલ્યાણ કરવાવાળા અને સ્વયંભૂ છે.સંપૂર્ણ ભૂતોના સ્વામી તથા ભૂત,ભવિષ્ય અને વર્તમાનના 'કારણ' છે.તે જ યોગેશ્વર છે,તે જ સર્વસ્વરૂપ અને સંપૂર્ણ લોકેશ્વરોના ઈશ્વર છે.સર્વથી શ્રેષ્ઠ,સંપૂર્ણ જગતથી શ્રેષ્ઠ અને શ્રેષ્ટત્તમ પરમેષ્ઠી પણ તે જ છે.


ત્રણે લોકોના એક માત્ર સ્ત્રષ્ટા,ત્રણે લોકનો આશ્રય,શુદ્ધાત્મા,ભાવ,ચંદ્રમાનો મુકુટ ધારણ કરનારા તે જ છે.તે સનાતન છે,પૃથ્વીને ધરી રાખનારા છે,દિવ્ય છે,સર્વ વાણીઓના ઈશ્વરના પણ ઈશ્વર છે,અધિકારરહિત પુરુષોથી અત્યંત દુષ્પ્રાપ્ય છે,જગતના નાથ છે અને જન્મ,મૃત્યુ ને જરાને ઉલ્લંઘી ગયા છે.તે જ્ઞાન સ્વરૂપ છે,જ્ઞાનથી પ્રાપ્ત કરવા યોગ્ય છે,ચિનમાત્ર સ્વરૂપ જ્ઞાનથી જ અતિ પ્રશસ્ય છે અને તેથી જ તે અતિ દુર્જ્ઞેય છે.વળી તે પોતાના પરમ ભક્તોને ઈચ્છીત વરો આપનારા છે.એ પ્રભુના પાર્ષદો પણ અનેક પ્રકારના દિવ્ય સ્વરૂપોવાળા છે ને તે મહાદેવ મહેશ્વરની પૂજા કર્યા કરે છે.હે તાત,તે જ તેજસ્વી શંકર,તારા પર કૃપાને લીધે તારી આગળ આગળ ચાલે છે.