Aug 27, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1204

 

ત્યારે દેવોનું હિત કરવાની ઈચ્છાથી,ભગવાન શંકરે આખી પૃથ્વીને જ પોતાના રથરૂપ બનાવી,નાગરાજ શેષને રથના ધૂંસરારૂપ બનાવ્યો,સૂર્યચંદ્રને રથનાં પૈડાં બનાવ્યાં.ત્યારે એ ત્ર્યંમ્બકે,ઐલપુત્ર તથા પુષ્પદંત નામના બે સર્પોને ધૂંસરીના છેડાનાં બંધન બનાવ્યાં,મંદરાચલ પર્વતને રથનો યૂપ બનાવ્યો.એ મહેશ્વરે ચાર વેદને ચાર ઘોડા બનાવ્યા ને ગાયત્રી-સાવિત્રીને ઘોડાઓની લગામ બનાવી.ૐકારને ચાબુક બનાવ્યો,બ્રહ્માને સારથી બનાવ્યા,વિષ્ણુને ઉત્તમ બાણ બનાવ્યા,અગ્નિને બાણનું ભાથું,વાયુને બાણનાં પીંછા ને યમરાજને બાણની પૂંખ બનાવ્યો.આવા દિવ્ય રથમાં બિરાજીને તે ભગવાન શંકર ત્રિપુરનો નાશ કરવા નીકળ્યા ત્યારે દેવો ને મહર્ષિઓ તેમની સ્તુતિ કરી રહ્યા.

હે અર્જુન,ત્યારે તે મહેશ્વરે,માહેશ્વર નામનો દિવ્ય વ્યૂહ રચ્યો હતો ને એક હજાર વર્ષ સુધી ત્યાં અચળ ઉભા રહ્યા હતા.જયારે તે ત્રણેય નગરો અમુક સંયોગે આકાશમાં એકત્ર થયાં ત્યારે તેમણે વિષ્ણુ ને ચંદ્રથી યુક્ત એક જ બાણથી તે ત્રણેય નગરોને તોડી પાડ્યાં હતાં.તે વેળા ઉમાદેવી,પાંચ શિખાઓ વાળા એક બાળકને ખોળામાં બેસાડીને પોતે જાતે જ તે જોવાને પધાર્યાં હતાં.શંકર પરની અસુયાને લીધે ઇન્દ્ર તે બાળક પર પ્રહાર કરવા સજ્જ થયો ત્યારે તેણે ઇન્દ્રના બાહુને થંભાવી દીધો.પોતાની ભુજા થંભી ગઈ,ત્યારે દેવગણોથી વીંટાઇને ઇન્દ્ર  બ્રહ્મદેવ પાસે ગયો,દેવગણો બોલ્યા--'હે બ્રહ્મન,પાર્વતીના ખોળામાં કોઈ અદભુત બાળક બેઠો હતો,તેનું બાલસ્વરૂપ અમે ઓળખી શક્યા નહિ,જે બાળકે યુદ્ધ કર્યા વિના જ ઇન્દ્રનો પરાજય કર્યો તે બાળક કોણ છે?'


બ્રહ્માએ ધ્યાન કરીને કહ્યું કે-'પાર્વતીને માટે જ તે સર્વેશ્વરએ પોતાનું બાલસ્વરૂપ ધારણ કર્યું છે,તે જ આ ચરાચર જગતના પ્રભુ શંકર છે,માટે તમે બધા મારી સાથે જ તેમને શરણે ચાલો.તમે તેમને જાણી શક્યા નથી' આમ કહી તે સર્વ દેવોને લઈને બ્રહ્મા તે મહેશ્વર દેવ પાસે ગયા ને તેમને વંદન કરીને સર્વ તેમની સ્તુતિ કરવા લાગ્યા ને ઇન્દ્ર પર કૃપા કરવા વિનંતી કરવા લાગ્યા.

બ્રહ્મદેવનાં વચનથી પ્રસન્ન થઈને ભગવાન રુદ્રે ઇન્દ્રના બાહુને મુક્ત કર્યો.તે ભગવાન પોતે શરીરધર્મથી રહિત છે છતાં,માયા દ્વારા સર્વ દેવોનાં અને સર્વ ભૂતોનાં શરીરો ધારણ કરે છે.સર્વ દેવો એ મહાદેવની સ્તુતિ કરે છે અને તે જ દેવાધિદેવ એક,અનેક,સેંકડો,હજારો તેમ જ લાખો સ્વરૂપી બને છે.


તે મહેશ્વર દેવની બે તનુઓ છે.એક ઘોરા અને બીજી શિવા છે.વળી આ બે તનુઓ પણ અનેક પ્રકારની બને છે.તેમાં જે ઘોરા તનુ છે તે રાક્ષસોની ઉપાસ્ય છે અને તે અગ્નિ તથા સૂર્ય સ્વરૂપ છે.એમની જે શિવા તનુ છે તે જળ,નક્ષત્રો ને ચંદ્ર સ્વરૂપ છે.વેદો,વેદોના અંગો,ઉપનિષદો તથા આધ્યાત્મિક ન્યાયના દ્રઢ પ્રતિપાદન કરનારા જે કોઈ ગ્રંથો છે અને તે સર્વની અંદર જે કંઈ પરમગુહ્ય રહસ્ય રહેલું છે તે સર્વ દેવ મહેશ્વર જ છે.તે ભગવાનના સર્વ ગુણોનું મારાથી કથન થઇ શકે તેમ નથી.હજાર વર્ષ સુધી નિરંતર હું તેમના ગુણો ગાયા કરું તો પણ તેનો પર આવે નહિ.જો તે પ્રસન્ન થાય તો પોતાના શરણાગત ભક્તોને,મુક્ત કરે છે ને તે જ પ્રભુ,મનુષ્યોને આયુષ્ય,આરોગ્ય,ઐશ્વર્ય ધન અને બીજા સર્વ અભિલાષો આપે છે ને ક્રોધાયમાન થાય તો પાછા છીનવી પણ લે છે.તે દેવ મહાન ભૂતોના ઈશ્વર છે માટે મહેશ્વર કહેવાય છે.


અનેક સ્વરૂપોવાળા પોતાના રૂપો ધરીને તે સમગ્ર જગતમાં વ્યાપી રહ્યા છે.તેમનું એક મુખ સમુદ્રમાં વડવામુખ નામે પ્રસિદ્ધ છે ને તે જળમય હવ્યનું પાન કર્યા કરે છે.વળી,એ મહાદેવ નિત્ય સ્મશાનોમાં જ વસે છે તેથી વીર પુરુષો,તે વીર સ્થાનમાં એ મહેશ્વરની નિત્ય પૂજા કરે છે.તેમનાં બીજાં ઘોર-અઘોર સ્વરૂપનાં પણ લોકો નિત્ય ગુણકીર્તન ને પૂજા કરે છે.તેમનાં ઘણાં નામો વર્ણવાય છે.એ ભગવાન સર્વ દેવોમાં પ્રથમ છે અને તેમના મુખમાંથી અગ્નિ ઉત્પન્ન થયો છે માટે બ્રાહ્મણો તેમને 'જ્યેષ્ઠભૂત' કહે છે.આ પ્રભુ સર્વ પશુઓ (જીવો)નું પાલન કરે છે અને તેમના પોતે અધિપતિ છે માટે તેમને 'પશુપતિ' કહે છે.


વળી,બ્રહ્મચર્યના પ્રભાવથી પોતે દિવ્યસ્વરૂપ તથા મૂળ સ્થિતિમાં જ રહે છે માટે તેમને 'લિંગમ' એ નામથી વેદમાં વર્ણવ્યા છે.તે પોતે લોકોને એકદમ મોટાઈ આપી દે છે માટે 'મહેશ્વર' કહેવાય છે.સર્વ લોકો તેમના લિંગનું પૂજન કરે છે.તેમનાં અનેક સ્વરૂપો છે તેથી તે 'બહુરૂપ' કહેવાય છે.તેમનું એક અગ્નિમય નેત્ર ક્રોધને લીધે જાજ્વલ્યમાં રહે છે.તે સર્વ લોકોમાં પ્રવેશ કરીને રહયા છે માટે તેમને 'સર્વ' કહે છે,તેમનું સ્વરૂપ નિત્ય ક્રોધાયમાન રહે છે માટે તેમને 'ધૂર્જટિ' કહે છે.તે સર્વ દેવામાં નિવાસ કરી રહ્યા છે માટે તે 'વિશ્વરૂપ' કહેવાય છે.તે ભગવાન ત્રણ દેવીઓ અને ત્રણે લોકોનું પાલન કરે છે તેથી તે 'ત્ર્યંબક' કહેવાય છે.


તેઓ મનુષ્યોનું કલ્યાણ ઈચ્છે છે ને સર્વ કર્મોમાં સર્વ જાતના અર્થોની વૃદ્ધિ કર્યા કરે છે તેથી તે 'શિવ' કહેવાય છે.આ મહાન વિશ્વનું તે પાલન કરે છે માટે 'મહાદેવ' કહેવાય છે.વળી,તેમની મહત્તત્વ પહેલાંની સ્થિતિ છે,તે પ્રાણોની ઉત્પત્તિ સ્થિતિના કારણભૂત છે તતઃ તેમનું સ્વરૂપ અવિક્રય-અચલ રહે છે માટે 'સ્થાણુ' કહેવાય છે.સૂર્ય,ચંદ્ર અગ્નિ આઈ જે જ્યોતિઓ પ્રકાશી રહી છે તે 'કેશ'નામે પ્રસિદ્ધ છે ને તે આ ભગવાન શંકરમાં નિવાસ કરી રહ્યાં છે માટે તે 'વ્યોમકેશ' કહેવાય છે.

ભૂતકાળનું,ભવિષ્યકાળનું ને વર્તમાનકાળનું સર્વ સમગ્ર જગત તેમનાથી ઉત્પન્ન થાય છે માટે તે 'ભવ' કહેવાય છે. 


'કપિ'શબ્દ શ્રેષ્ઠ અર્થને સૂચવે છે તથા 'વૃષ' શબ્દ ધર્મનો વાચક છે.દેવના દેવ તે ભગવાન શ્રેષ્ઠ ધર્મસ્વરૂપ છે માટે તે 'વૃષાકપિ' કહેવાય છે.બ્રહ્મા,ઇન્દ્ર,વરુણ,યમ અને કુબેર સુદ્ધાંને તેઓ મહાપ્રલયકાળે પકડી પાડીને સંહારી નાખે છે માટે તેમને 'હર' કહે છે.તે મહેશ્વરે પોતાનાં બંને નેત્રો મીંચી દઈને બળાત્કારે એક ત્રીજું નેત્ર,લલાટમાં ઉત્પન્ન કર્યું છે માટે તેઓ 'ત્ર્યક્ષ' કહેવાય છે.સર્વ શરીરોમાં તેઓ દશ ઇન્દ્રિયરૂપ વિષમ સ્વરૂપમાં રહેલા છે,દેહાભિમાની સર્વ પ્રાણીઓને તેઓ પ્રિય હોવાથી સમસ્વરૂપે રહેલા છે અને પુણ્યશાળી તથા પાપી સર્વ શરીરોમાં પ્રાણ,અર્પણ આદિ વાયુસ્વરૂપે રહેલા છે.જે પુરુષ તે મહાત્માની મૂર્તિની કે લિંગની પૂજા કરે છે તે લક્ષ્મીવાન થાય છે. 


તેમના શરીરમાં બંને ઉરુઓની નીચેનો અર્ધભાગ તે 'આગ્નેય' શરીર કહેવાય છે ને ઉપરનો ભાગ 'સોમા' નામની તેમની 'શિવા' તનુ કહેવાય છે.આમ,તેમના શરીરનો નીચેનો અર્ધભાગ એ અગ્નિસ્વરૂપ છે અને ને ઉપરનો અર્ધભાગ ચંદ્રસ્વરૂપ છે.એમની ઉપરની અર્ધી મહાપ્રદીપ્ત શિવા નામની તનુ દેવોને માટે છે તથા નીચેની અગ્નિસ્વરૂપ ઘોરા તનુ મનુષ્યો માટે છે.એમની જે 'શિવા' તનુ છે તે વડે મનુષ્ય બ્રહ્મચર્ય પાળે છે.(કારણકે તે તનુ દૈવી સંપત છે અને શમ દમ-આદિ એકરૂપ છે) તેની જે ઘોરા તનુ છે તેથી મનુષ્ય સર્વનું ભક્ષણ કરી જાય છે (કામ-ક્રોધ આદિ રૂપ શિવની મૂર્તિનો આશ્રય કરનાર પુરુષ,તેના આવેશથી યુક્ત થઈને પિતા આદિનો પણ સંહાર કરી નાખે છે,આવા સ્વરૂપના છતાં તે ઈશ્વર છે) વળી,તે શંકર ભગવાન અગ્નિની જેમ સર્વને બાળીને ભસ્મ કરી નાખે છે,શસ્ત્રની જેમ તીક્ષ્ણ છે,યમની જેમ ઉગ્ર છે,સૂર્યની જેમ પ્રતાપી છે અને માંસ,રુધિર તથા મજ્જાનું ભક્ષણ કરનાર હોવાથી 'રુદ્ર' કહેવાય છે. 


હે અર્જુન,તે જ મહાદેવને તેં સંગ્રામમાં તારી આગળ ચાલતા ને શત્રુઓનો સંહાર કરતા જોયા હતા.સિંધુરાજનો વધ કરવાની તેં જયારે પ્રતિજ્ઞા કરી હતી ત્યારે સ્વપ્નમાં શ્રીકૃષ્ણે તને જેનાં દર્શન કરાવ્યાં હતાં તે એજ ભગવાન મહેશ્વર દેવ છે.અને તેમણે આપેલાં અસ્ત્રો વડે તેં દાનવોનો સંહાર કર્યો છે.હે અર્જુન 'શતરુદ્રીય'નામનું આ સ્તોત્ર મેં તને કહ્યું છે,કે જે ધન,આયુષ્ય ને યશને આપનારું છે,સર્વ અર્થોને સિદ્ધ કરનારું છે,સર્વ પાપોની શાંતિ કરનારું છે,સર્વ દુઃખો ને ભયનો નાશ કરનારું છે,જે પુરુષ આ ચતુર્વિધ સ્તોત્રને સાંભળે છે તે પોતાના સર્વ શત્રુઓનો પરાજય કરીને અંતે રુદ્રલોકમાં પૂજાય છે.હે અર્જુન,તું જા અને યુદ્ધ કર,તારો કદી પરાજય નથી જ,કારણકે શ્રીકૃષ્ણ તારા મંત્રી તથા રક્ષક તરીકે તારી પાસે જ રહે છે'


સંજય બોલ્યો-હે રાજન,અર્જુનને આમ કહીને વ્યાસજી ત્યાંથી જેમ આવ્યા હતા તેમ ગયા.આ પર્વમાં રણશૂરા ક્ષત્રિયોનો મહાન યશ વર્ણવવામાં આવ્યો છે.જે પુરુષ આ પર્વનું નિત્ય પઠન કરે છે તે મહાન પાપોમાંથી ને મહાન ઘોર કૃત્યોથી મુક્ત થાય છે.બ્રાહ્મણને યજ્ઞફળની પ્રાપ્તિ થાય છે,ક્ષત્રિયોને ઘોર યુદ્ધમાં નિત્ય યશ મળે છે અને બાકી બે વર્ણોને ઈષ્ટકામ,પુત્રો તથા ઇષ્ટ પૌત્રોનો લાભ થાય છે (158)

અધ્યાય-202-સમાપ્ત 

દ્રોણવધ પર્વ સમાપ્ત 

મહાભારત-ભાગ-4-સમાપ્ત