હે પાર્થ,આ ઘોર અને રોમાંચકારી સંગ્રામમાં અશ્વત્થામા,કૃપાચાર્ય,કર્ણ આદિ મહાન ધનુર્ધરોના રક્ષણ હેઠળ રહેલી કૌરવો સેનાનો મનથી પણ કોણ પરાભવ કરી શકે તેમ છે?એક માત્ર અનેક રૂપવાળા મહેશ્વર જ તે સેનાનો નાશ કરી શકે કારણકે તે પ્રભુ જયારે આગળ ઉભા હોય ત્યારે કોઈ પણ પુરુષ તેમની સામે ટકી શકે નહિ.ત્રણેય લોકમાં એક પણ પ્રાણી તેમની બરાબરનું નથી,સંગ્રામમાં તેમની ગંધમાત્રથી શત્રુ બેભાન થઇ જાય છે,મરણશરણ થઇ જાય છે.દેવો પણ તેમને નમસ્કાર કરતાં જ સ્વર્ગમાં રહી શકે છે.વળી આ લોકમાં પણ મનુષ્યો તે દેવને નમન કર્યા કરે છે.જે ભક્તપુરુષો,વરદ,રુદ્ર,ઉમાપતિ અને સર્વના ઈશ તે શંકરદેવને અનન્ય ભાવથી સદા ઉપસે છે તેઓ આ લોકમાં પરમસુખ પામીને અંતે પરમ ગતિને પામે છે માટે તું તે શાંત દેવને નમસ્કાર કર.(28)
નમન હો તે રુદ્રને,નીલકંઠને,સૂક્ષ્મ સ્વરૂપને,અતિશય તેજસ્વીને,જટાજૂટધારીને,કરાલ સ્વરૂપને,વર આપનારાને,કાલમૂર્તિને,માયા વડે વિચિત્ર અવતારો ધરનારને,સદાચારી ભક્તને સુખ કરનારાને,કામના કરવા યોગ્યને,નીલ નેત્રવાળાને,અચલ સ્વભાવવાળાને,પરમ પુરુષસ્વરૂપને,શ્યામ કેશવાળાને,મુંડ યજમાન મૂર્તિને,તપશ્ચર્યામાં જ એકનિષ્ઠાવાળા હોવાથી કૃશ થયેલાને,સંસારથી તારનારાને,પ્રદીપ્ત સ્વરૂપને,ઉત્તમ તીર્થસ્વરૂપને,દેવોના પણ દેવને અને વેગવાળાને.
નમસ્કાર હો તે અનેક સ્વરૂપીને,સર્વશુભાવહ વિધિઓ જેમને પ્રિય છે તેવાને,તે ચંદ્રને પ્રિય કરનારાને,તે સુંદર મુખવાળાને,તે હજારો નેત્રવાળાને અને વૃષ્ટિ કરનારાને,તે કૈલાસ પર્વતમાં નિવાસ કરનારને,શાંતસ્વરૂપને,સર્વના પાલકને,વલ્કલ વસ્ત્ર પહેરનારાને,તે ઉગ્ર સ્વરૂપને,દિશાઓના પતિને,મેઘરાજાના પતિને,સર્વ ભૂતોના,વૃક્ષોઓને સર્વ વાણીઓના પતિને.
નમન હો તે મુંડમાળથી ઢંકાયેલા શરીરવાળાને,દેવોની સેનાના નેતાને,સર્વના અંતર્યામીને,હાથમાં સ્તૃવને ધારણ કરનારા અધ્વર્યુ સ્વરૂપને,ધનુર્ધરને ને પરશુરામ સ્વરૂપને,અનેક સ્વરૂપને ધારણ કરનારાને.હે કુંતીનંદન,તું તે વરદાયી ભુવનેશ્વરને શરણે જા.
તે ઉમાપતિ છે,વિરૂપ નેત્રોવાળા છે,દક્ષ પ્રજાપતિના યજ્ઞનો નાશ કરનારા છે,પ્રજાપતિઓના પતિ છે,અવ્યગ્ર છે,ભૂતોના પતિ છે અને અવિકારી છે.તે જટાજૂટવાળા,બ્રહ્મા આદિ મહાન દેવોને પણ માયા વડે ભમાવી દેનાર છે,નંદી પર બેસનારા છે,ત્રણે લોકોને સંહારી શકે તેવા અહંકારવાળા છે,ધર્મના સંરક્ષક છે,કર્મોનાં ફળને આપનારા ઈંદ્રાદિ દેવોમાં શ્રેષ્ઠ છે,તેમની ધજામાં પોઠિયાનું ચિહન છે,ધર્મથી પ્રકાશમાં થયેલા પુરુષોને અનંત ફળ આપનારા છે,ધર્મથી જ તેમનો સાક્ષાત્કાર થઇ શકે છે ને યોગધર્મથી જ તે પ્રાપ્ત કરવા યોગ્ય છે.તે સર્વલોકના નિયંતા,ભક્તોને ઇષ્ટ વરો આપનારા,બ્રાહ્મણોને શરણરૂપ ને બ્રાહ્મણોને પ્રિય છે.
હે અર્જુન,તે ત્રણ નેત્રવાળા શંભુની શરણે જા.
હે અર્જુન,તે બુદ્ધિમાન મહાદેવનાં જે જે દિવ્ય કર્મો છે તે હું તને મારી બુદ્ધિ પ્રમાણે,તથા મેં જે રીતે સાંભળ્યાં છે તે પ્રમાણે કહું છું તે તું સાંભળ.તે ભગવાન જયારે કોપાયમાન થાય છે ત્યારે,દેવો,અસુરો-આદિ સર્વને આ લોકમાં કોઈ સ્થળે સુખ થતું નથી.પૂર્વે દક્ષના યજ્ઞનો તેમણે નાશ કર્યો હતો ને તે સમયે તે અત્યંત નિર્દય થઈને ધનુષ્યમાંથી બાણ છોડીને એવી ગર્જના કરી હતી કે તેથી દેવોને પણ કોઈ સ્થળેથી શાંતિ કે સુખ મળ્યું નહોતું.તે સમયે ભગવાન શંકર મોટું અટ્ટહાસ્ય કરીને,પુરોડાશનું ભક્ષણ કરતા પુષાદેવ સામે ધસી ગયા હતા ને તેના દાંત ખેંચી નાખ્યા હતા.અત્યંત કોપાયમાન થયેલા તે મહેશ્વરને જોઈને સર્વ દેવો તુરત જ તેમને નમી પડ્યા ને તેમને શરણે ગયા,ત્યારે તેમણે જ તે દક્ષના યજ્ઞને પરિપૂર્ણ કર્યો હતો.
વળી,પૂર્વકાળમાં આકાશના મધ્યમાં અતિશય વીર્યવાળા અસુરોનાં ત્રણ (સોના-રૂપા ને લોખંડનાં) નાગરો હતાં.સુવર્ણનું નગર કમલાક્ષ નામના અસુરનું હતું,રૂપાનું નગર તારકાક્ષ નામના અસુરનું અને લોખંડનું નગર વિદ્યુનમાલી નામના અસુરનું હતું.તે નગરોને તોડી પાડવા ઇન્દ્ર સર્વ આયુધો લઈને ખુબ મથ્યો પણ તે તોડી શક્યો નહિ એટલે સર્વ દેવો રુદ્રને શરણે ગયા ને તેમને કહેવા લાગ્યા કે-'હે મહાદેવ,આ ત્રિપુરનિવાસી ઘોર રાક્ષસોને બ્રહ્મદેવે વરદાન આપ્યાં છે,કે જેથી તેઓ ફાટી જઈને લોકોને ઘણું દુઃખ દઈ રહ્યા છે.આપના સિવાય બીજો કોઈ તેમનો નાશ કરવા સમર્થ નથી.'
