Aug 31, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1207

અધ્યાય-૩-સંક્ષેપમાં કર્ણવધ કથન 


 II संजय उवाच II हते द्रोणे महेष्वासे तव पुत्रा महारथाः I वभुवरस्वस्थमुखा विषण्णा गतचेतसः II १ II

સંજય બોલ્યો-જયારે મહાધનુર્ધર દ્રોણાચાર્ય મરાયા,ત્યારે તમારા મહારથી પુત્રો દીનમુખા,ખિન્ન અને બેભાન જેવા થઇ ગયા.સર્વ શસ્ત્રધારીઓ મુખને નીચું નમાવી જોઈ રહ્યા હતા અને શોકથી આતુર થઇ ગયા હતા,તેઓ પરસ્પર વાતચીત પણ કરી શકતા નહોતા.તે બધાને ગભરાટમાં પડી ગયેલા જોઈને તમારાં સૈન્યો દુઃખથી ત્રાસ પામીને ઊંચે આકાશ તરફ જ દ્રષ્ટિ કરવા લાગ્યાં.(અર્થાંત તેઓ બધા માનવા લાગ્યા કે હવે તો આપણે પણ ઉર્ધ્વગમન કરવાનું જ રહ્યું છે) તેમના હાથમાંથી શસ્ત્રો આપોઆપ નીચે પડી જવા લાગ્યાં.આમ સ્તબ્ધ થયેલા સૈન્યને જોઈને દુર્યોધન તેમને કહેવા લાગ્યો કે-

'અરે ઓ વીર યોદ્ધાઓ,તમારા બહુવીર્ય પર આધાર રાખીને મેં આ યુદ્ધ આરંભું છે.રણમાં યુદ્ધ કરવા ઉતરેલા પુરુષનો જય કે પરાજય નક્કી જ છે.પાંડવો કદાચ આ સમયે ક્ષણભર જીત્યા,તેથી શું થઇ જવાનું છે?માટે તમે સાવધાન થઈને યુદ્ધ કરો.જુઓ આ સૂર્યપુત્ર કર્ણ હાથમાં ધનુષ્ય લઈને દિવ્ય અસ્ત્રોનો રયોગ કરીને યુદ્ધમાં કેવો ઘૂમી રહ્યો છે?તે કર્ણનું યુદ્ધમાં દર્શન થતાં મંદબુદ્ધિ અર્જુન ત્રાસથી નાસી જાય છે.વળી,દશ હાથી સમાન બળવાળા ભીમને પણ તેને નસાડી મુક્યો છે.એ કર્ણે જ માયાવી ઘટોત્કચને અમોઘ શક્તિથી મારી નાખ્યો હતો.એના અખૂટ બાહુબલને તમે આજે રણમાં જોશો.પાંડવો પણ આ ઇન્દ્ર સરખા અશ્વત્થામા ને કર્ણના પરાક્રમને ભલે જોઈ રહે.અરે,તમારામાંનો એક એક જણ પણ પાંડવોને રણમાં મારી નાખવા સમર્થ છે તો પછી,સૈન્યોની સાથે રહીને તમે બધા એકત્ર થઈને શું ન કરી શકો? તમે બધા વીર્યવાન ને અસ્ત્રકુશળ છો તો તમે પણ આજના યુદ્ધમાં પોતપોતાનું પરાક્રમ આ યુદ્ધમાં પરસ્પર દેખાડી આપજો'


આમ કહીને દુર્યોધને પોતાના ભાઈઓ સાથે રહીને કર્ણને સેનાપતિ તરીકે નીમ્યો હતો.સેનાપતિપદને પામ્યા પછી,કર્ણે સિંહની જેમ મોટી ગર્જના કરીને ઉગ્રતાપૂર્વક રણમાં લડવા લાગ્યો.તે કર્ણે પાંચાલો,સૃન્જયો,કેકયો તથા વિદેહોનો મહાન સંહાર કરી નાખ્યો હતો ને બળવાન પાંડવ સૈન્યને ગભરાવી નાખ્યું હતું.હજારો યોદ્ધાઓનો સંહાર કરીને આખરે તે અર્જુનના હાથે મરાયો હતો (24)

અધ્યાય-3-સમાપ્ત