Aug 29, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1206

 

અધ્યાય-૨-ધૃતરાષ્ટ્ર અને સંજય વચ્ચે સંવાદ 


II वैशंपायन उवाच II हते कर्णे महाराज निशि गावल्गणिस्तदा I दीनो ययौ नागपुरमश्वैर्वातसमैर्जवे II १ II

વૈશંપાયન બોલ્યા-હે મહારાજ,કર્ણ મરાયો એટલે તરત જ તે રાતે સંજય ધૃતરાષ્ટ્ર પાસે ગયો.ને રાજાના ચરણમાં મસ્તક નમાવીને કહેવા લાગ્યો કે-'હે રાજન,હું સંજય છું.તમે સુખી છો ને?પોતાના દોષથી આપત્તિ વહોરી લઈને હવે તમે મૂંઝાતા નથી ને?વિદુરે,દ્રોણાચાર્યે,ભીષ્મપિતામહે તથા શ્રીકૃષ્ણે જે જે હિતવચનો કહ્યાં હતાં તેનું સ્મરણ કરીને ને 'તે હિતવચનો મેં માન્યાં નહોતાં'એવો વિચાર કરીને તમે મનમાં દુઃખ કરતા નથી ને? 'પરશુરામ,નારદ,કણ્વ આદિ મહર્ષિઓએ સભામાં મને હિતવચનો કહ્યાં હતાં,છતાં મેં એમનો સ્વીકાર કર્યો નહિ' એમ સંભારીને તમને આજે કોઈ વ્યથા થતી નથીને? તમારા હિતમાં યુક્ત રહેનારા ભીષ્મ તથા દ્રોણાચાર્ય આદિ સુહૃદોને શત્રુઓએ યુદ્ધમાં મારી નાખ્યા છે તેમનું સ્મરણ કરીને તમને મનમાં પીડા થતી નથીને?

ત્યારે દુઃખ રત થઈને મોટો નિશ્વાસ મૂકીને ધૃતરાષ્ટ્ર કહેવા લાગ્યા કે-'હે સંજય,દિવ્ય અસ્ત્રોને જાણનારા શૂરવીર ગંગાપુત્ર અને દ્રોણાચાર્ય રણમાં માર્યા ગયા છે તેથી મારુ મન ઘણું જ દુઃખી થયું છે.જે ભીષ્મ,રણમાં રોજ દશ હજાર રથી યોદ્ધાઓનો સંહાર કરી નાખતા હતા તેમને શિખંડીએ,અર્જુનના રક્ષણ તળે મારી નાખ્યા તે સાંભળી મારુ મન ઘણું વ્યથિત થયું છે.એ ભીષ્મને બાલ્યાવસ્થામાં જ ધનુર્વેદનો અભ્યાસ કરાવવા માટે પરશુરામે પોતાના શિષ્ય તરીકે સ્વીકાર્યા હતા.વળી,જે દ્રોણાચાર્યના પ્રસાદથી પાંડવો ને કૌરવો મહારથીપણાને પામ્યા છે તેમને ધૃષ્ટદ્યુમ્ને રણમાં મારી નાખ્યા છે એ સાંભળીને મારુ મન અત્યંત ખિન્ન થયું છે.ભીષ્મ ને દ્રોણને મરણ પામેલા સાંભળીને મારા મનમાં ઘણો ગભરાટ થાય છે.


દ્રોણાચાર્યને મરણ પામેલા સાંભળીને મારા પુત્રોએ શું કર્યું હતું?અશ્વત્થામાના નારાયણ અસ્ત્રનો નાશ થઇ ગયો ત્યારે મારા પુત્રોએ શું કર્યું હતું?હું તો એમ માનું છું કે તેઓ શોકમાં ડૂબી ગયા હશે કે રણમાંથી પલાયન કરી ગયા હશે.હે સંજય,જયારે પોતાનાં સૈન્યો નાસી જતાં હતાં ત્યારે દુર્યોધન,ભોજ,કૃતવર્મા,શલ્ય,અશ્વત્થામા,કૃપાચાર્ય,મારા બીજા પુત્રો -આદિ મહારથીઓના મુખનો વર્ણ કેવો થઇ ગયો હતો?તું મને મારા અને પાંડના પુત્રોના પરાક્રમો વિષે કહે.


સંજય બોલ્યો-હે રાજા,તમારા અપરાધથી કૌરવો પર જે દુઃખ આવી પડ્યું છે તે સાંભળીને તમે વ્યર્થ ક્લેશ કરશો મા,

કારણકે દૈવને લીધે ભાવી કે અભાવી સુખ-દુઃખની પ્રાપ્તિ થાય ત્યારે વિદ્વાન માણસ હર્ષ કે શોક કરતો નથી'

ધૃતરાષ્ટ્ર બોલ્યા-'હે સંજય,મને કોઈ જાતની અધિક પીડા હવે થતી નથી કારણકે હું પ્રથમથી જ માની બેઠો છું કે 

આ બધું અવશ્ય થનારું જ છે,માટે તું યચેચ્છ રીતે બધું મને કહે'

અધ્યાય-2-સમાપ્ત