(૮) કર્ણ પર્વ (Book-Part-5)
મંગલાચરણ
नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् I देवी सरस्वती चैव ततो जयमुदीरयेत् II
ૐ નારાયણ,નરોત્તમ એવા નર ભગવાન અને દેવી સરસ્વતીને પ્રણામ કરીને
'જય'(મહાભારત)નું કીર્તન શરુ કરીશું.
II वैशंपायन उवाच II ततो द्रोणे हते राजन दुर्योधनमुखा नृपाः I भृशमुद्विग्नमनसो द्रोणपुत्रमुपागमन II १ II
વૈશંપાયન બોલ્યા-'આમ,હે રાજન,દ્રોણાચાર્ય હણાયા,એટલે મનમાં અત્યંત ઉદાસ થયેલા દુર્યોધન આદિ રાજાઓ અશ્વત્થામાની પાસે ગયા,ને શારદવતીના સુત અશ્વત્થામાની આસપાસ વીંટાઇને બેઠા.એક મુહૂર્તકાળ સુધી તેમણે પરસ્પર અનેક શાસ્ત્રોક્ત દૃષ્ટાંતો કહી સંભળાવ્યા,ને પછી તે સર્વે રાજાઓ સાવધાન થઈને પોતપોતાના તંબુઓમાં ગયા.તંબુઓમાં જઈને પણ તે રાજાઓને સુખ થયું નહિ કારણકે તેઓ દુઃખ ને શોકથી વ્યાકુળ થઈ ગયા હતા.ખાસ કરીને કર્ણ,દુઃશાસન,અને શકુનિ તો સાથે મળીને વિચાર કરતા દુર્યોધનના તંબુમાં જ સુઈ રહ્યા.ત્યાં તેઓ,પોતે પાંડવોને જે દુઃખ આપ્યું હતું તેનો વિચાર કરવા લાગ્યા.જુગારમાં કપટ,દ્રૌપદીનું અપમાન-આદિ વિચાર કરતા તે રાત્રિ તેમને સો વર્ષ જેવડી થઇ ગઈ હતી.
પછી,પ્રભાત થતાં સર્વ પોતાનાં આવશ્યક કર્મો કરીને યુદ્ધ માટે સજ્જ થયા.એ વેળા તેમણે કર્ણને સેનાપતિ તરીકે નીમ્યો હતો.સામે પાંડવો પણ તૈયાર થઈને બહાર નીકળ્યા.પરાપાર વિજયની ઈચ્છાવાળા તે કૌરવપાંડવોનું રોમાંચજનક તુમુલ યુદ્ધ ચાલુ થયું.કર્ણ સેનાપતિ થયો ત્યારે તે બંને વચ્ચે બે દિવસ સુધી યુદ્ધ ચાલ્યું હતું.એ રણમાં કર્ણે શત્રુઓનો મહાન સંહાર કર્યો હતો,પણ આખરે અર્જુને કૌરવોના દેખતાં જ કર્ણને મારી નાખ્યો હતો.સંજયે તે સર્વ ધૃતરાષ્ટ્રને કહી સંભળાવ્યું હતું'
જન્મેજય બોલ્યા-'ગંગાપુત્ર ભીષ્મ ને દ્રોણાચાર્યને રણમાં માર્યા ગયેલા સાંભળીને ધૃતરાષ્ટ્રને ઘણું દુઃખ થયું હતું.ને હવે કર્ણને પણ મરણ પામેલો સાંભળીને તે ઘણા જ દુઃખી થયા હતા તો હે દ્વિજવર,તે પોતાના પ્રાણોને કેવી રીતે ટકાવી શક્યા હતા? પોતાના પુત્રોના વિજયની આશા રાખતા તે ધૃતરાષ્ટ્ર કેમ જીવી શક્યા?હું માનું છું કે મનુષ્યો મહાન સંકટમાં આવી પડ્યા હોય તો પણ પોતાની ઈચ્છા અનુસાર કદી મરણ પામી શકતા નથી.સ્વેચ્છાએ મરવું દુષ્કર છે.હે મહામુનિ,આ સર્વ વૃતાંત આપ મને વિસ્તારથી કહી સંભળાવો,કારણકે મારા પૂર્વજોના મહાન ચરિત્રને સાંભળતાં મને તૃપ્તિ થતી નથી.(24)
અધ્યાય-1-સમાપ્ત
