Sep 6, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1213

 

અધ્યાય-૯-ધૃતરાષ્ટ્રનો પશ્ચાતાપ 


II संजय उवाच II श्रियाकुलेन यशसा तपसा च श्रुतेन च I त्वामद्य संतो मन्यंते ययातिमिव नाहुषं  II १ II

સંજય બોલ્યો-લક્ષ્મી,કુળ,યશ,તપ તથા શાસ્ત્ર વડે તમે નહુષપુત્ર યયાતિ સરખા છો,એમ સત્પુરુષો માને છે.વળી,

હે રાજા,તમે એક મોટા ઋષિ સરખા છો અને કૃતાર્થ છો,માટે તમે તમારા આત્માને સ્થિર કરો ને મનમાં ખેદ ન કરો.

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,હું તો દૈવને જ સર્વોત્કૃષ્ટ માનું છું,પુરુષાર્થને તો હું નિષ્ફળ ને ધિક્કારપાત્ર માનું છું,કારણકે એક મોટા શાલવૃક્ષ સરખો કર્ણ રણમાં માર્યો ગયો છે,અરેરે,સમુદ્રનો જેમ છેડો ન દેખાય તેમ,મારા આ શોકનો મને છેડો દેખાતો નથી,મારી ચિંતા અત્યંત વધતી જાય છે અને મને મરી જવાની ઈચ્છા થઇ જાય છે.ખરેખર મારુ હૃદય વજ્ર સરખું હોવું જોઈએ તેથી જ અતિશય દુર્ભેદ્ય છે કારણકે કર્ણને આજે મરણ પામેલો સાંભળીને તે હૃદયના ટુકડા કેમ થઇ જતા નથી?દેવોએ જ કદાચ મારા આયુષ્યને પ્રથમથી જ લાબું કર્યું હશે,કે તેથી જ હજી હું જીવી રહ્યો છું.હું સુહ્રદોથી રહિત થઇ પડ્યો છું માટે મારા જીવતરને ધિક્કાર છે કારણકે આજે હું એવી નિંદ્ય દશાને પામ્યો છું.


હું જ પ્રથમ સર્વ લોકમાં પૂજાસત્કાર પામ્યો હતો ને તે જ મંદબુદ્ધિનો હું આજે સર્વને શોક કરવા યોગ્ય થયો છું.હવે મારે મારી આજીવિકા પણ એક પામર મનુષ્યની જેમ ચલાવવી પડશે.હે સૂત,શત્રુઓએ મારો પરાભવ કર્યો છે તેથી હું હવે કેવી રીતે જીવી શકીશ?ખરેખર હું અતિ દુઃખજનક સંકટમાં આવી પડ્યો છું.ભીષ્મ,દ્રોણ અને કર્ણના મરણથી હવે મારા સૈન્યમાં કોઈ પણ અવશેષ રહેશે એમ મને દેખાતું નથી.જે કર્ણ,મારા પુત્રોને એક નૌકા સમાન હતો તે જ આજે યુદ્ધમાં માર્યો ગયો છે.

કર્ણ પછીના બાકીના યોદ્ધાઓ,દુર્યોધનને રાજ્ય અપાવવા જરાયે સમર્થ નથી.ખરેખર,આપણે ધારીએ છીએ કંઈક અને બને છે કંઈક.હો,દૈવ જ બળવાન છે કાળની ગતિ અગમ્ય છે.


હે સૂત,મારો પૂત્ર દુર્યોધન તો રણમાં માર્યો ગયો નથી ને?'તું યુદ્ધ ન કર' એમ યુધિષ્ઠિર તેમને સર્વદા કહયા કરતો હતો પણ મૂર્ખ મનુષ્ય જેમ હિતકારક ઔષધનો સ્વીકાર ન કરે તેમ તેણે તેનું વચન સ્વીકાર્યું જ નહિ.બાણશૈય્યા પર સૂતેલા ભીષ્મને જયારે અર્જુને પૃથ્વી વીંધીને પાણી આપ્યું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે-'હે દુર્યોધન,તું પાંડવો સાથે સલાહ કર.તો જ શાંતિ થશે,મારા મરણને આ યુદ્ધના અંત તરીકે થવા દે અને પાંડવોની સાથે ભ્રાતૃભાવથી વર્તી આ પૃથ્વીને ભોગવ' ભીષ્મના તે વચનને નહિ માનીને મારો પુત્ર દુર્યોધન આ સમયે શોક કરતો હશે.વિદુરે મને જે વચનો કહ્યાં હતાં તે પ્રમાણે જ આ બધું આવી પહોંચ્યું છે.

મારી દશા પાંખો વગરના પક્ષી જેવી થઇ ગઈ છે,ને તેની જેમ જ હું તરફડી રહ્યો છું,સર્વ અર્થોથી હીન થયો છું.અરેરે,હવે હું કઈ દિશામાં જઈશ?હું દીનદશાને પામ્યો છું ને મારા શત્રુઓને વશ થયો છું.


હે સંજય,તે કર્ણ,જયારે અર્જુનના હાથે મરાયો ત્યારે કયા કયા વીર પુરુષો ત્યાં ઉભા હતા?શું પાંડવોએ એકલા પડી ગયેલા તે કર્ણને મારી નાખ્યો હતો?કારણકે ભીષ્મ યુદ્ધ કરતા બંધ થયા ત્યારે શિખંડીએ બાણો મારીને તેમને રણમાં પાડી નાખ્યા હતા ને દ્રોણાચાર્યે સર્વ આયુધોનો ત્યાગ કર્યો હતો ત્યારે ધૃષ્ટદ્યુમ્ને તલવારથી તેમને મારી નાખ્યા હતા.તે બન્નેને આમ કપટથી મારી નાખવામાં આવેલા મેં સાંભળ્યા છે.હું તને સત્ય કહું છું કે જો,ભીષ્મ અને દ્રોણ સામે જો ન્યાયપૂર્વક યુદ્ધ કરવામાં આવ્યું હોત તો ઇન્દ્ર પણ તેમનો યુદ્ધમાં નાશ કરી ન શકત.કર્ણ પણ ઇન્દ્ર સરખો વીર હતો છતાં તે કેમ મરણ પામ્યો?


જે કર્ણને,ઇન્દ્રે બે કુંડળોના બદલામાં દિવ્ય શક્તિ આપી હતી,જે કર્ણ પરશુરામ પાસેથી ઘોર બ્રહ્માસ્ત્ર શીખ્યો હતો.ને જે કર્ણે અભિમન્યુ,ભીમ અને સહદેવને રણમાં રથ વિનાના કરીને તેમની હાંસી કરી હતી,ને માયાવી ઘટોત્કચને ઇન્દ્રની શક્તિથી મારી નાખ્યો હતો.જે કર્ણ સામે યુદ્ધ કરવા અર્જુન બહાનાં બનાવીને જતો નહોતો,પણ આજે તે અર્જુનના હાથે કેવી રીતે મરાયો?તેનો રથ જો ભાંગી ગયો ન હોય,ને તેનાં અસ્ત્રો વિનાશ પામ્યાં ન હોય તો શત્રુઓ તેને કેવી રીતે મારી શકે? જરૂર તેનું ધનુષ્ય કપાઈ ગયું હશે કે તેનો રથ પૃથ્વીમાં પેસી ગયો હશે કે અસ્ત્રો ખૂટી ગયાં હશે,બાકી બીજું કોઈ કારણ મને દેખાતું નથી.


'જ્યાં સુધી હું અર્જુનને મારીશ નહિ ત્યાં સુધી મારા પગ ધોઈશ નહિ' એવું તે કર્ણનું વ્રત હતું અને યુધિષ્ઠિરને તેના ભયને લીધે જ તેર વર્ષ સુધી નિંદ્રા આવી ન હતી.તે કર્ણ દુર્યોધનને કહેતો હતો કે-'ભીષ્મ અને દ્રોણ  જો પાંડવોને નહિ મારે તો હું જ તે બધાને મારી નાખીશ' એ કર્ણ,ગાંડીવના બાણોને લેખામાં લેતો નહોતો ને પોતાના બાહુબળને લીધે તેને જનાર્દન સહિત પાંડવોનો જરાયે ભય નહોતો.એ કર્ણની સહાયતાથી જ દુર્યોધને સંધિ કરવા આવેલા શ્રીકૃષ્ણનું અપમાન કર્યું હતું.તે કર્ણ અને દુઃશાસનને મરેલા જોઈને દુર્યોધન અવશ્ય આ સમયે શોક કરતો હશે.પાંડવોને વિજય પામતા જોઈ તે શું બોલ્યો હતો?


મહારથીઓ વડે સંહાર કરાતા પોતાના સૈન્યમાં ભંગાણ પડેલું જોઈને,ને યુદ્ધથી વિમુખ થઈને પલાયન થતા સૈન્યને જોઈને,તે અભિમાની,દુષ્ટ બુદ્ધિનો ને પોતાનું હિત નહિ સમજનારો દુર્યોધન એ વખતે શું બોલ્યો હતો?સુહૃદગણોએ વાર્યા છતાં તેણે હાથે કરીને આવું મહાન વેર કર્યું છે ને હવે લગભગ ઘણા યોદ્ધાઓનો સંહાર થઇ ગયો ત્યારે દુર્યોધન શું કંઈ બોલ્યો હતો? ભીમે દુઃશાસનને રણમાં મારી નાખી તેનું લોહી પીધું તે જોઈને દુર્યોધન શું બોલ્યો હતો? હે તાત,પૂર્વે શકુનિ જુગારમાં પાંડવોને છેતરીને હર્ષમાં આવી ગયો હતો,તે શકુનિ,કર્ણના ને કૃતવર્માનાં મરણ સમયે શું બોલ્યો હતો?દ્રોણાચાર્યના મરણ સમયે અશ્વત્થામા ને કૃપાચાર્ય શું બોલ્યા હતા? પોતાના સારથિપણા હેઠળ કર્ણને મરણ પામેલો જોઈને શલ્ય શું બોલ્યો હતો?


રથીઓમાં શ્રેષ્ઠ ગણાતો મદ્રરાજ શલ્ય,કેવી રીતે કર્ણનો સારથી નિમાયો હતો?તે મને કહે.વળી,કર્ણ જયારે યુદ્ધ કરતો હતો ત્યારે તેનું કોણ કોણ રક્ષણ કરતા હતા? ને કોણ તેને ત્યજીને ત્યાંથી નાસી ગયા હતા?તમે બધા એકત્ર થઈને લડતા હતા તો તમારા બધાની વચ્ચે તે કર્ણ કેમ માર્યો ગયો? મારા સૈન્યનો એક મુખ્ય પુરુષ એવો કર્ણ જો રણમાં માર્યો ગયો છે તો હવે મારુ સૈન્ય જીવતું રહે તેમ મને દેખાતું નથી.અરેરે,ભીષ્મ અને દ્રોણે મારા માટે પોતાના જીવિતનો ત્યાગ કર્યો છે તો મારે હવે જીવીને શું કરવું છે?જે કર્ણનું બાહુબળ દશ હજાર હાથી સરખું હતું તે કર્ણને પાંડવોએ મારી નાખ્યો છે એમ ફરીફરી સાંભળી આવતાં મારું દુઃખ મને સહ્યું જતું નથી.હે સંજય,કરીને પાંડવો સાથે જેવું યુદ્ધ કર્યું હોય તથા આખરે શત્રુઓનો સંહાર કર્યા પછી,તે જે રીતે મરણ પામ્યો હોય તે બધું તું મને કહે.(97)

અધ્યાય-9-સમાપ્ત