Sep 5, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1212

 

અધ્યાય-૮-ધૃતરાષ્ટ્રનો કર્ણ વિષે શોક 


II जनमेजय उवाच II श्रुत्वा कर्ण हतं युद्धे पुत्रांश्वैव निपातितान् I नरेन्द्रः किंचिदाश्वस्तो द्विजश्रेष्ठ किमब्रवीत् II १ II

જન્મેજય બોલ્યા-'એ યુદ્ધમાં કર્ણને તથા પોતાના પુત્રોને મરણ પામેલા સાંભળીને તે ધૃતરાષ્ટ્ર મૂર્છિત થઇ પડ્યા પણ 

કંઈક શાંતિ થયા પછી તેમને સંજયને શું કહ્યું હતું?ખરેખર તેમને પુત્રોના સંકટને લીધે પરમદુઃખ આવી પડ્યું હતું.'

વૈશંપાયન બોલ્યા-'હે મહારાજ,કર્ણનું મૃત્યુ માન્યું ન મનાય તેવું હતું,અદભુત હતું,ભયંકર હતું ને મેરુપર્વતના ચલન સરખું હતું.તે સાંભળીને ધૃતરાષ્ટ્ર બુદ્ધિ સાથે ખુબ વિચાર કરીને નિશ્ચય પર આવ્યા હતા કે-'હવે આ બાકી રહેલું સૈન્ય બિલકુલ નથી જ-એમ સમજવું.બીજાં ઘણાં પ્રાણીઓનો પણ સંહાર વળી જશે' આવા વિચારમાં ને વિચારમાં અંતઃકરણમાં જાણે કોઈ ઘુમતું હોય તેમ તેઓ શોકરૂપી અગ્નિથી બળવા લાગ્યા,તેમનાં અંગો શિથિલ થઇ ગયાં હતાં  ને તે ઉપરાઉપરી નિશ્વાસ નાખવા લાગ્યા હતા ને અત્યંત દુઃખી થયેલા તે 'હાય હાય' કરીને વિલાપ કરવા લાગ્યા હતા'


ધૃતરાષ્ટ્ર બોલ્યા-'હે સંજય,કર્ણ વીર હતો,પરાક્રમી હતો,ગતિવાળો હતો ને યુદ્ધમાં કદી પાછો હટતો નહોતો ને કદી પૂંઠ બતાવતો નહોતો.તે યુવાન હતો ને તેનું શરીર વજ્ર સરીખું મજબૂત હતું.તે મહાબાહુનો આશ્રય કરીને દુર્યોધને શત્રુઓને જીતવાની આકાંક્ષા રાખી હતી,તે કર્ણને અર્જુને કેવી રીતે રણમાં મારી નાખ્યો? તે ગર્વિષ્ઠ કર્ણ શ્રીકૃષ્ણ,અર્જુન અને બીજા યાદવોને નિત્ય તુચ્છકારી કાઢતો હતો ને હંમેશાં કહ્યા કરતો હતો કે-'સારંગ ને ગાંડીવ ધનુષ્યને ધારણ કરનારા તથા જગતમાં અપરાજિત ગણાતા કૃષ્ણ અને અર્જુનને હું એકલો જ તેમના દિવ્ય રથમાંથી નીચે પાડીશ'


આમ,તે મંદ બુદ્ધિના,લોભથી મોહિત થયેલા અને રાજ્યની કામનાથી આતુર થયેલા મારા પુત્ર દુર્યોધનને નિત્ય કહ્યા કરતો હતો.વળી,તેણે સર્વ મદ્રકો,મત્સ્યો-આદિ રાજાઓનો પરાજય કર્યો હતો ને અમારા ખંડિયા કર્યા હતા.દુર્યોધનની વૃદ્ધિને માટે તેણે ઘણાંઘણાં પરાક્રમો કર્યા હતાં.તે રથીશ્રેષ્ઠ,દિવ્યાસ્ત્રવેત્તા,મહાતેજસ્વી,સેનાઓના રક્ષક,'વૃષ' નામથી પ્રસિદ્ધ સૂર્યપુત્ર કર્ણ રણમાં શત્રુઓ સામે કેવી રીતે માર્યો ગયો?દેવોમાં મહેન્દ્ર 'વૃષ' કહેવાય છે ને પુરુષોમાં કર્ણ જ 'વૃષ'કહેવાતો હતો.દેવોમાં જેમ મહેન્દ્ર શ્રેષ્ઠ છે તેમ યોદ્ધાઓમાં કર્ણ શ્રેષ્ઠ હતો.તે કર્ણે દુર્યોધનની વૃદ્ધિ માટે સમગ્ર પૃથ્વીનો જય કર્યો હતો.મગધરાજ જરાસંઘે યાદવ અને કૌરવો સિવાય સર્વ ક્ષત્રિય રાજાઓને કેદ કર્યા હતા પણ તેણે સુહૃદ ધર્મોથી કર્ણને પોતાના મિત્ર તરીકે મેળવ્યો હતો.આવા તે કર્ણને અર્જુન સામે યુદ્ધમાં મરણ પામેલો સાંભળીને હું શોકસાગરમાં ડૂબી ગયો છું.


હે સંજય.આવાં આવાં દુઃખો મારા પર પડે છે છતાં મારો નાશ થતો નથી એટલે મારે માનવું પડે છે કે મારુ હૃદય વજ્રથી પણ દૃઢ છે ને દુર્ભેદ્ય છે.જ્ઞાતિજનો,સંબંધીઓ અને મિત્રોના આવા પરાભવને સાંભળ્યા છતાં મારા સિવાય બીજો કયો પુરુષ પોતાના જીવિતનો ત્યાગ ન કરે?પણ હવે ઝેર ખાઈને,અગ્નિમાં પડીને કે પર્વત પરથી કૂદકો મારીને  પણ હું મૃત્યુને જ માંગી રહ્યો છું,કારણકે હું હવે આવા કષ્ટદાયી દુઃખ સહન કરી શકતો નથી.(31)

અધ્યાય-8-સમાપ્ત