અધ્યાય-૭-કૌરવોમાંના જીવતા મહારથીઓ
II धृतराष्ट्र उवाच II मामकास्यास्य सैनस्य ह्रतोत्सेक्स्य संजय I अवशेषं न पश्यामि ककुदे मृदिते सति II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-'હે સંજય,જેમ,કોઈ એક ક્ષુદ્ર તલાવડીના ઘણા ખરા જળને ક્યારાઓમાં વાળી લીધા પછી તે તલાવડી નથી જ એમ મનાય છે તેમ,ભીષ્મ,દ્રોણાચાર્ય ને કર્ણ આદિ પ્રધાન પુરુષોનો વિનાશ થતાં હવે મને સૈન્ય બાકી રહેલું નથી જ એમ દેખાય છે.કુરુઓમાં શ્રેષ્ઠ એવા ભીષ્મ અને દ્રોણાચાર્ય મરણ પામ્યા છે એ સાંભળીને,હવે તુચ્છ રીતે જીવવાનું મને કંઈ પ્રયોજન દેખાતું નથી.કર્ણનો મને શોક થતો નથી કેમકે જ્યાં ભીષ્મ ને દ્રોણાચાર્ય મરાયા ત્યાં તે કર્ણનો શો હિસાબ? હે સંજય,હવે તું મારા સૈન્યમાં જે જીવતા છે તેમને પણ તું નામોદ્દેશપૂર્વક મને કહે.જેઓ જીવે છે તેઓ બધા મરી જ ગયા છે એમ હું માનું છું'
સંજય બોલ્યો-હે રાજન,દ્રોણપુત્ર અશ્વત્થામા યુદ્ધ કરવાની ઈચ્છાથી તમારા માટે સજ્જ થઈને ઉભો છે.આનર્ત દેશનો યાદવોમાં શ્રેષ્ઠ,ભોજકુળમાં જન્મેલો હૃદિકપુત્ર કૃતવર્મા તમારા માટે યુદ્ધ કરવાની ઈચ્છાથી તૈયાર થઈને ઉભો છે.બળવાન શલ્ય,પોતાના ભાણેજ એવા પાંડવોનો ત્યાગ કરી,પોતાની વાણીને સત્ય કરવાની ઈચ્છાથી રણમાં અડગ થઈને ઉભા છે.જે શલ્યે યુધિષ્ઠિરની આગળ યુદ્ધમાં સૂતપુત્ર કર્ણનો તેજોવધ કરવાની પ્રતિજ્ઞા કરી હતી.ગાંધારરાજ શકુની ને કૃપાચાર્ય પણ યુદ્ધ કરવા તૈયાર થઈને ઉભા છે.કેકયરાજનો મહારથી પુત્ર ઉત્તમ,તમારા પુત્ર પુરુમિત્ર ને દુર્યોધન પણ સજ્જ થઈને ઉભા છે.વીર સુષેણ ને સૂર્યસેન એ તમારા પુત્રો ચિત્રસેનની સાથે ઉભા છે.સુંદર દેખાવનો રાજપુત્ર ઉગ્રાયુધ,જરાસંઘનો પહેલો પુત્ર ચિત્રાયુધ,શ્રુતવર્મા,જય,શલ,સત્યવ્રત,અને દુઃશલ વગેરે પણ સૈન્યને સાથે રાખીને યુદ્ધ કરવા ગોઠવાઈ ગયા છે.
કૈતવ્યનો રાજપુત્ર અધિપતિ,શ્રુતાયુ,ધૃતાયુષ,ચિત્રાંગદ અને વીર ચિત્રસેન વગેરે અભિમાની યોદ્ધાઓ તમારા માટે યુદ્ધ કરવાની ઈચ્છાથી તૈયાર થઈને ઉભા છે.વળી કર્ણના ત્રણ પુત્રો પણ સૈન્યને સાથે રાખીને ઉભા છે.હે રાજન,આ મેં કહેલા મુખ્ય યોદ્ધાઓ ઉપરાંત બીજા માપ પ્રભાવવાળા વીર યોદ્ધાઓની સાથે કુરુરાજ દુર્યોધન પર્વતોના માધયમાં રહેલા મહેન્દ્ર પર્વતની જેમ રણમાં વિજયની આશાથી ઉભો છે.'
ધૃતરાષ્ટ્ર બોલ્યા-'બંને પક્ષના જે રાજાઓ જીવે છે તે બધાને તેં નામ સાથે જણાવ્યા પણ હવે બંને પક્ષનો
અડસટ્ટો કાઢતાં તથા ભવિષ્ય તરફ દ્રષ્ટિ કરતાં,ભાવિ જયપરાજયને હું સ્પષ્ટ સમજી ગયો છું.'
વૈશંપાયન બોલ્યા-'પોતાના સૈન્યના મોટામોટા વીર પુરુષોના મરણને સાંભળીને અને પોતાના સૈન્યનો ઘણોખરો વિનાશ થઇ ગયો છે -એવો વિચાર કરીને ધૃતરાષ્ટ્ર મૂર્છાવશ થઇ ગયા,તેમની ઇન્દ્રિયો વ્યાકુળ થઇ ગઈ તે સમયે મોહવશ થતાં થતાં તે બોલ્યા કે-'હે સંજય,તું એક મુહૂર્તકાળ થોભી જા.મારું મન ગભરાઈને વ્યાકુળ થઇ ગયું છે અને તેથી મારાં અંગોને સ્વસ્થ રાખવા સમર્થ નથી' આમ કહીને તે ધૃતરાષ્ટ્ર ભ્રમિત રીતે મૂર્છાવશ થઇ પડ્યા (28)
અધ્યાય-7-સમાપ્ત
