અધ્યાય-૬-પાંડવ પક્ષના મરણ પામેલા મહારથીઓ
II धृतराष्ट्र उवाच II आख्याता मामकास्तात निहता युधि पांडवैः I हताश्च पांडवेयानां मामकैर्ब्रुहि संजय II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે તાત,એ યુદ્ધમાં પાંડવોએ મારેલા મારા જે યોદ્ધાઓના નામ તેં કહ્યા,
તે જ પ્રમાણે મારા યોદ્ધાઓએ મારી નાખેલા પાંડવ યોદ્ધાઓના નામનિર્દેશ તું મને કહે.
સંજય બોલ્યો-હે રાજન,મહાબળવાન કુંતીરાજને ભીષ્મપિતામહે અમાત્યો અને પરિવાર સહીત મારી નાખ્યા છે.વળી પાંડવો પર પ્રીતિ રાખનારા સર્વ નારાયણોને,બલભદ્રોને અને સેંકડો શૂરા યોદ્ધાઓને ભીષ્મપિતામહે યુદ્ધમાં પાડી નાખ્યા છે.સત્યજિત રાજા,વૃદ્ધ દ્રુપદરાજ અને વિરાટરાજને દ્રોણાચાર્યે રણમાં રોળી નાખ્યા છે.અભિમન્યુને દુઃશાસનના પુત્રે માર્યો છે.અમ્બષ્ઠના પુત્રને દુર્યોધનના પુત્ર લક્ષ્મણે મારી નાખ્યો છે.ને બૃહન્તરાજાને દુઃશાસને યમગૃહે મોકલ્યો છે.
રાજા મણિમાન,દંડધાર રાજા,ભોજરાજ અંશુમાનને દ્રોણાચાર્યે માર્યા હતા.ચિત્રસેન અને તેના પુત્રને સમુદ્રસેને માર્યા.કચ્છ દેશવાસી નીલરાજાને તથા વ્યાઘ્રદત્તને અશ્વત્થામા ને વિકર્ણે યમનિવાસમાં મોકલ્યા હતા.વળી,ચિત્રાયુધનો પણ વિકર્ણે સંહાર કર્યો છે.કૈકેયરાજ પોતાના ભાઈ કૈકેય સાથે જ યુદ્ધ કરતો હતો પણ આખરે ભાઈએ જ ભાઈને મારી નાખ્યો છે.પર્વત પ્રદેશના રાજા જન્મેજયને તમારા પુત્ર દુર્મુખે મારી નાખ્યો છે.'રોચમાન' એવા એકજ નામને ધારણ કરનારા બે ભાઈઓને દ્રોણાચાર્યે માર્યા હતા.અર્જુનના મામા પુરુજિત તથા કુંતીભોજ દ્રોણાચાર્ય દ્વારા મરાયા હતા.કાશીરાજ,અભિભૂવસુદાનના પુત્રને હાથે રણમાં શરીર ત્યજી ગયો છે.યુધામન્યુ ને ઉત્તમૌજા આપણા યોદ્ધાઓને હાથે માર્યા ગયા છે.
પાંચાલ વંશના પરમ ધનુર્ધર મિત્રવર્મા ને ક્ષત્રધર્માને દ્રોણાચાર્યે માર્યા હતા.શિખંડીના પુત્ર ક્ષત્રદેવને તમારા પૌત્ર લક્ષ્મણે માર્યો હતો.સુચિત્ર અને ચિત્રવર્મા નામના પિતાપુત્રને પણ દ્રોણાચાર્યે રણમાં રોળી નાખ્યા હતા.વાર્ધક્ષેમિ રાજા હથિયારો ખૂટી પડતાં રણમાં માર્યો ગયો છે.સેનાબિંદુના પુત્રને,કૌરવરાજ બાહલીકે પાડી નાખ્યો છે.ચેદીઓનો મહાન રથી ધૃષ્ટકેતુ મહાન પરાક્રમ કરીને રણમાં મરાયો છે.વીર સત્યધૃતિ ને સેનાબિંદુ યુદ્ધમાં મોટી કતલ ચલાવીને યમનિવાસમાં પહોંચ્યા છે.શિશુપાલનો પુત્ર રાજા સુકેતુ,વીર સત્યધૃતિ,મદિરાશ્વ ને સૂર્યદત્ત પણ દ્રોણાચાર્યના બાણોથી માર્યા ગયા છે.રાજા શ્રેણીમાન પણ માર્યો ગયો છે.
હે રાજન,જે પરાક્રમી મગધરાજા પરમ અસ્ત્રોને જાણતો હતો તે ભીષ્મના હાથે રણમાં હણાઈ ગયો હતો.વિરાટપુત્ર શંખ અને ઉત્તમ અતિ મહાન પરાક્રમ કરીને પરલોકમાં પહોંચ્યા છે.એ રણમાં રાજા વસુદાનને દ્રોણાચાર્યે યમમંદિરે વળાવી દીધો હતો.હે રાજન,આ મેં ગણાવ્યા તેઓ તથા બીજા ઘણા પાંડવોના મહારથીઓને દ્રોણાચાર્યે પરાક્રમ કરીને મારી નાખ્યા હતા (39)
અધ્યાય-6-સમાપ્ત
