અધ્યાય-૫-કૌરવ પક્ષના મરણ પામેલા મહારથીઓ
II वैशंपायन उवाच II इति श्रुत्वा महाराज धृतराष्ट्रोम्बिकासुतः I अब्रवीत संजयं सूतं शोकसंविज्ञमानसः II १ II
વૈશંપાયન બોલ્યા-હે મહારાજ,આ સાંભળીને અંબિકાપુત્ર ધૃતરાષ્ટ્ર શોકથી વિહવળ મનવાળા થઇ ગયા ને સંજયને કહેવા લાગ્યા કે-'હે સંજય,મારી દુષ્ટ નીતિને પરિણામે જ મારો પુત્ર દુર્યોધન અલ્પાયુષી થયો છે.કર્ણ અને દુઃશાસનને મરણ પામેલા સાંભળીને મને અત્યંત શોક થાય છે ને તે મારુ કલેજું કાપી નાખે છે તો પણ હું હજી આ દુઃખના પારને તરી જવા ઈચ્છું છું માટે મારા સંશયને દૂર કર ને કૌરવ તથા પાંડવોમાં કયા કયા મહારથીઓ જીવે છે?ને ક્યા મરી ગયા છે તે મને કહે'
સંજય બોલ્યો-હે રાજન,ભીષ્મ અને દ્રોણાચાર્ય,હજારો ને લાખો યોદ્ધાઓને સંહારીને મરણ પામ્યા હતા.પછી જે સૈન્ય બાકી રહ્યું હતું તેના અર્ધ ભાગનો ઘાણ કાઢીને સૂર્યપુત્ર કર્ણ માર્યો ગયો છે.રાજપુત્ર વિવીંશતિ,આનર્ત દેશના સેંકડો યોદ્ધાઓને ઢાળીને રણમાં સૂતો છે.તમારો શુરો પુત્ર વિકર્ણ,પોતાના ઘોડા ને આયુધો ખૂટી ગયા હતા છતાં શત્રુઓ સામે ખડો રહ્યો હતો પણ ભીમસેને પોતાની પ્રતિજ્ઞા સંભારી તેને પણ રણમાં રોળી નાખ્યો છે.અવંતીના મહારથી વિન્દ-અનુવિન્દ,મહાપરાક્રમ કરીને યમલોકમાં પહોંચી ગયા છે.જયદ્રથનો તેની અગિયાર અક્ષૌહિણી સેના સાથે પરાજય કરીને તેને અર્જુને મારી નાખ્યો છે.
દુર્યોધનપુત્ર લક્ષ્મણને અને દુઃશાસનપુત્રને,સુભદ્રાપુત્ર અભિમન્યુએ મારી નાખ્યા છે.ઇન્દ્રનો માનીતો મિત્ર ભગદત્ત,અર્જુનના હાથે મરાયો છે.ભૂરિશ્રવા શસ્ત્રહીન થયો હતો ત્યારે સાત્યકિએ તેને મારી નાખ્યો છે.અમ્બષ્ઠ શ્રુતાયુને અર્જુને માર્યો હતો,ને તમારા યુદ્ધદુર્મદ પુત્ર દુઃશાસનને ભીમસેને રોળી નાખ્યો છે.સુદક્ષિણ રાજને અર્જુને માર્યો છે.કોશલદેશનો રાજા,શત્રુઓના અતિ માનીતા યોદ્ધાઓનો સંહાર કરીને અભિમન્યુના હાથે યમલોકમાં સિધાવી ગયો છે.ભીમસેન સામે અનેક જાતનાં યુદ્ધ કરીને તમારો પુત્ર ચિત્રસેન તેને હાથે રણમાં રોળાઈ ગયો છે.મદ્રરાજપુત્ર,અભિમન્યુના હાથે હણાયો છે.
વૃષસેન,રણમાં કર્ણના સરખો જ હતો,પણ તેને અર્જુને પોતાની પ્રતિજ્ઞાનું સ્મરણ કરીને યમલોકમાં મોકલી દીધો હતો.પોતાના મામાના (શલ્યના)પુત્રને સહદેવે યુદ્ધમાં માર્યો હતો.ભગીરથ તથા વૃદ્ધ કેકયરાજ બૃહત્ક્ષત્ર પણ રણમાં માર્યા ગયા છે.ભગદત્તના પુત્રને નકુલે મારી નાખ્યો હતો.બાહલીકને તેના યોદ્ધાઓ સાથે ભીમસેને મારી નાખ્યો હતો.જરાસંઘના પુત્ર જયત્સેનને અભિમન્યુએ રણમાં રોળી નાખ્યો હતો.તમારા પુત્રો દુર્મુખ અને દુઃસહ ભીમસેનના હાથે માર્યા ગયા છે.વળી,દુર્મર્ષણ,દુર્વિષહ ને દુર્જય -એ તમારા ત્રણ પુત્રો રણમાં દુષ્કર પરાક્રમ કરીને યમલોકમાં સિધાવી ગયા છે.કલિંગ અને વૃષક નામના બે ભાઈઓ મરાયા છે.તમારા શૂરા મંત્રી વૃષવર્માને ભીમસેને ને રાજા પૌરવને અર્જુને મારી નાખ્યા છે.
વસાતિ યોદ્ધાઓ,શૂરસેન યોદ્ધાઓ,અભીશાહો,શિબિ યોદ્ધાઓ,કલિંગ યોદ્ધાઓ,સંશપ્તક યોદ્ધાઓનો અર્જુને સંહાર કરી નાખ્યો છે.તમારા સાળા વૃષક અને અચળ નામના રાજાઓને અર્જુને હણી નાખ્યા છે.શાલ્વરાજા,ઓઘવાન અને બૃહન્તને ભીમે રણમાંથી વિદાય કર્યા છે.વળી,ક્ષેમમૂર્તિને પણ ભીમસેને રણમાં મારી નાખ્યો છે.જળસંઘને,સાત્યકિએ ને રાક્ષસ અલંબુશને,ઘટોત્કચે માર્યા હતા.કર્ણ,તેના ભાઈઓ ને સર્વ કેકય યોદ્ધાઓને અર્જુને હણ્યા છે.વળી,માળવો,મદ્રકો,
દ્રવિડો,યૌધેયો,લલિથ્થો,ક્ષુદ્રકો,ઉશીનરો,માવેલ્લકો,ટૂંડિકેરો,સાવિત્રીપુત્રકો,પ્રાચ્યો,ઉદિચ્યો,પ્રતિચ્યો,દાક્ષિણોત્યો ને તે ઉપરાંત લાખો પાળાઓ,ઘોડાઓ.રથો ને હાથીઓનો અર્જુને ઘાણ કાઢી નાખ્યો છે.
હે રાજન,આ મેં જે કહયા તે ઉપરાંત બીજા હજારોની સંખ્યામાં રાજાઓ રણમાં માર્યા ગયા છે.જેમ,ઇન્દ્રે વૃત્રાસુરને માર્યો હતો તેમ,અર્જુને,ત્રણેય લોકને મોહ ઉપજાવનારું મહાઘોર યુદ્ધ કરીને કર્ણને મારી નાખ્યો,ત્યારે જેના પર દુર્યોધનની વિજયની આશા હતી તે નષ્ટ થઇ ગઈ છે.અર્જુને પોતાની પ્રતિજ્ઞા પુરી કરી છે.હે મહારાજ,વિદુર આદિ સુહ્રદોએ તમને ઘણા સમજાવ્યા હતા ને ઘણું કહ્યું હતું છતાં તમે તે સમયે સમજ્યા નહોતા,તેથી આ મહાન સંકટ તમારા પર આવી પડ્યું છે.ખરું જોતાં તો રાજ્યની ઈચ્છાવાળા પોતાના પુત્રોનું તમારા જેવા હિતેચ્છુ પિતાએ જ ઘોર અહિત કર્યું છે અને તેનું ફળ આવી પહોંચ્યું છે (60)
અધ્યાય-5-સમાપ્ત
