અધ્યાય-૪-ધૃતરાષ્ટ્રનો વિલાપ
II वैशंपायन उवाच II एतच्छ्रुवा महाराज धृतराष्ट्रोम्बिकासुत:I शोकस्यांतमपश्यन् हतं मेने सुयोधनम् II १ II
વૈશંપાયન બોલ્યા-હે મહારાજ,આ સાંભળી અંબિકાપુત્ર ધૃતરાષ્ટ્રના શોકનો તો પાર જ રહ્યો નહિ.તેણે દુર્યોધનને હવે મૂએલો જ માની લીધો.ને વિહવળ થઈને ઘરની પર ઢળી પડ્યો.ત્યારે ત્યાં અંતઃપુરની સ્ત્રીઓમાં મહાન આર્તનાદ થઇ રહ્યો.ત્યાં ધૃતરાષ્ટ્ર પાસે રાણી ગાંધારી આવી ને તે પણ બેભાન થઈને પૃથ્વી પર પછડાઈ.તેની પાછળ રાણીવાસની બીજી સર્વ રાણીઓ અને પણ ભોંય પર ઢળી પડી.ત્યારે સંજયે તે સર્વ સ્ત્રીઓને ધીરજ આપી.માંડમાંડ શાંત થયેલી તે સ્ત્રીઓ થરથર ધ્રૂજતી હતી.
પછી,વિદુરે ધૃતરાષ્ટ્રને પણ જળસિંચન કરીને શાંત કર્યા.ધૃતરાષ્ટ્ર ભાનમાં આવ્યા ને પોતાની આગળ રોકકળ કરતી સ્ત્રીઓને જોઈને ઉન્મત્તની જેમ ચૂપ જ થઇ રહ્યા.પછી લાંબો વિચાર કરીને અને વારંવાર નિશ્વાસ નાખીને તે પોતાના પુત્રોની નિંદા કરવા લાગ્યા.તે વેળાએ તે પોતાના જાતની અને શકુનિની બુદ્ધિની પણ નિંદા કરતા હતા ને પાછા વિચારમાં પડી જઈને વારંવાર કંપી ઉઠતા હતા.માંડમાંડ મનને સ્થિર કરીને ધીરજ ધરીને તેમણે સંજયને ફરીથી પૂછવા માંડ્યું કે-'હે સંજય,તેં જે વાક્ય કહ્યું તે મેં સાંભળ્યું,પણ હું તને પૂછું છું કે-મારો પુત્ર દુર્યોધન તો યમલોકમાં નથી પહોંચી ગયો ને?એ મારો પુત્ર નિત્ય જયની ઈચ્છા રાખતો હતો પણ હવે તે વિજય મેળવવામાં નિરાશ જ થયો છે તો તું મને આ સંક્ષેપમાં કહેલા વૃતાંતને ફરી વિસ્તારથી કહી સંભળાવ'
સંજય બોલ્યો-હે રાજન,મહારથી સૂર્યપુત્ર કર્ણ પોતાના પુત્રો,ભાઈઓ અને કેટલાએક સુતપુત્રો સાથે રણમાં માર્યો ગયો છે વળી,યશસ્વી ભીમસેને તમારા પુત્ર દુઃશાસનને પણ મારી નાખ્યો છે અને ક્રોધમાં આવી જઈને તેણે યુદ્ધભૂમિ પર જ તેના રુધિરનું પાન કર્યું છે (16)
અધ્યાય-4-સમાપ્ત
