અધ્યાય-૧૦-કર્ણનો સેનાપતિ તરીકે અભિષેક
II संजय उवाच II हते द्रोणे महेष्वासे तस्मिन्नहनि भारत I क्रते च मोघसंकल्पे द्रोणपुत्रे महारथे II १ II
સંજય બોલ્યો-હે ભારત,દ્રોણાચાર્ય માર્યા ગયા પછી,અશ્વત્થામાનો સંકલ્પ પણ નિષ્ફળ કરાયો હતો.જયારે કૌરવ સૈન્ય પાછું હટવા લાગ્યું હતું તે જોઈને અર્જુન પોતાના સૈન્યને વ્યૂહકારે ગોઠવીને ભાઈઓ સહીત મોખરામાં ઉભો હતો.તેને જોઈને ને પોતાના સૈન્યને નાસતું જોઈને તમારા પુત્રે ઠીક પુરુષાર્થ કર્યો હતો ને પોતાના બાહુબળથી પાંડવો સામે લાંબા સમય સુધી યુદ્ધ કર્યું હતું ને તેમને આગળ વધતા અટકાવ્યા હતા.તેટલામાં સાયંકાળ થઇ ગયો એટલે દુર્યોધને સૈન્યને છાવણી તરફ પાછું વાળ્યું.
છાવણીમાં પ્રવેશ કર્યા પછી દુર્યોધન પ્રિય વચનથી સર્વ ધનુર્ધરોને સંબોધીને કહેવા લાગ્યો કે-'ઓ મહાબુદ્ધિમાન રાજાઓ,હવે ભવિષ્યને માટે આપણે શાં પગલાં લેવાં જોઈએ તે વિષયમાં તમે તમારો મત આપો.વખત લગાડો નહિ.આ સ્થિતિમાં હવે આપણે કયું કાર્ય અવશ્ય કરવું જોઈએ?તે તમે કહો'
ત્યારે રાજાઓ અંદરોઅંદર વાતો કરવા લાગ્યા,તેમનો અભિપ્રાય જાણી લઈને અશ્વત્થામાએ કહ્યું કે-
'રાગ (સ્વામીભક્તિ),યોગ (દેશકાળ આદિની સંપત્તિ)દાક્ષ્ય (બળ) અને નય (નીતિ) આ ચાર ઉપાયો સર્વ અર્થોને સાધનારા છે.એમ પંડિતો કહે છે પણ તે ઉપાયો દૈવને આશ્રય કરનારા છે.આપણા દેવતુલ્ય મહારથીઓ માર્યા ગયા છે છતાં આપણે વિજયની આશા છોડી દેવી જોઈએ નહિ.કારણકે જો પૂર્વોક્ત રાગાદિ ઉપાયોનો યોગ્ય વિનિમય કરવામાં આવે તો દૈવને પણ અનુકૂળ કરી શકાય.માટે આપણે આ કર્ણનો જ સેનાપતિ પડે અભિષેક કરીએ,કારણકે તે જ પુરુષોમાં શ્રેષ્ઠ છે અને સર્વ ગુણોથી યુક્ત છે,એ કર્ણને સેનાપતિ કરીને આપણે શત્રુઓને રણમાં રોળી નાખીશું.'
અશ્વત્થામાના વચનો સાંભળ્યા પછી,તમારા પુત્ર દુર્યોધને ઘણી મોટી આશા બાંધી દીધી.કર્ણ પાંડવોને જીતશે,એ આશાને પોતાના હૃદયમાં સ્થાપીને દુર્યોધનને ધીરજ આવી ને પોતાના મનને સ્થિર કરીને તે કર્ણને કહેવા લાગ્યો કે-'હે મહાબાહુ,તારા વીર્યને તથા મારા પરની મિત્રતાને હું બરોબર જાણું છું,તથાપિ હું તને કંઈક હિતકારક વચન કહું છું,તે સાંભળીને તું તારી રુચિમાં આવે તેમ કરજે.કારણકે તું અતિ બુદ્ધિમાન છે ને મારો પરમ આધાર છે.હવે તું સેનાપતિ થા,તું ભીષ્મ અને દ્રોણ કરતાં ઘણો યુવાન છે ને અતિ બળવાન પણ છે.તે બંને પણ મહાધનુર્ધર હતા પણ તેઓ અર્જુન પર પ્રેમલાગણીવાળા હતા.હે કર્ણ, માત્ર તારા વચન પર જ મેં તેમનું માન જાળવ્યું હતું.ભીષ્મે શસ્ત્રોનો ત્યાગ કર્યો ત્યારે શિખંડીને આગળ કરીને અર્જુને તેમને મારી નાખ્યા ત્યારે તારા કહેવાથી જ દ્રોણાચાર્ય સેનાપતિ થયા હતા.
તેમણે પણ,પાંડવોને પોતાના શિષ્યો ધારીને પાંડવોનું રક્ષણ જ કર્યું હતું.એમ હું માનું છું.આખરે તેમને પણ ધૃષ્ટદ્યુમ્ને મારી નાખ્યા છે.હવે હું વિચાર કરું છું ત્યારે તારા સરખો બીજો કોઈ યોદ્ધો મારા જોવામાં આવતો નથી.ભીષ્મ અને દ્રોણને તારા પરાક્રમનું સારું જ્ઞાન હતું.અમને વિજય અપાવવા તું એકલો જ શક્તિમાન છે.તેં અમારું ઘણું હિત કર્યું છે માટે તું તારી મેળે તારો સેનાપતિપદે અભિષેક કરી લે અને કૌરવો સેનાનું રક્ષણ કર,આપણા શત્રુઓને સંહારી નાખ.'
કર્ણ બોલ્યો-હે ગાંધારીનંદન,મેં તમને પ્રથમથી જ કહ્યું છે કે હું સર્વ પાંડવોનો,તેમના પુત્રોનો અને કૃષ્ણનો પણ પરાજય કરીશ.હું તમારો સેનાપતિ થઈશ,એમાં જરાયે સંશય રાખો નહિ.તમે હવે સ્થિર થાવ અને પાંડવોને જીત્યા જ છે એમ માનો'
ત્યારે દુર્યોધન રાજાઓ સાથે કર્ણને સેનાપતિપદથી સત્કારવા માટે ઉભો થયો.ને શાસ્ત્રોક્ત વિધિથી તેનો અભિષેક કર્યો.
સેનાપતિપદ પામ્યા પછી તે કર્ણે,સૂર્યોદય થતા સર્વ સૈન્યને યુદ્ધ માટે તૈયાર થવાની આજ્ઞા આપી દીધી.(56)
અધ્યાય-10-સમાપ્ત
