અધ્યાય-૧૧-મકરવ્યૂહ અને અર્ધચંદ્રવ્યૂહ
II धृतराष्ट्र उवाच II सेनापत्यं तु संप्राप्य कर्णो वैकर्तनस्तदा I तथोक्तमु स्वयं राज्ञा स्निग्धं भ्रातृसमं वचः II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,ત્યારે દુર્યોધને પોતે એક ભાઈની જેમ સ્નેહાળ વચન કર્ણને કહ્યું ને તે સેનાપતિ બન્યો,
સૂર્યના ઉદયની બાદ કે કર્ણે સેનાઓને તૈયાર થવાની આજ્ઞા આપ્યા પછી શું થયું હતું તે મને કહે.
સંજય બોલ્યો-ત્યારે તૈયાર કરાતા હાથી,ઘોડા,રથો,અને પાળાઓનો મહાન કોલાહલ થયો ને તેનો તુમુલ શબ્દ આકાશમાં અથડાવા લાગો.કર્ણના રથ પર શ્વેત પતાકા ફરકતી હતી,શ્વેત ઘોડાઓ જોડાયેલા હતા ને તેની ધજામાં નાગકક્ષ (હાથીની કેડે બાંધવાના સુવર્ણના પટ્ટાનું) ચિહન જણાતું હતું.તે રથમાં સેંકડો ભાથાઓ,ગદાઓ અને અનેક જાતનાં વિવિધ હથિયારો ભરેલા હતા ને તે રથની આસપાસ લોખંડી ઓઢણ જડેલો હતો.
હે રાજન,પછી,કર્ણે પોતાના શંખને બરાબર જોસથી વગાડ્યો અને પોતાના ધનુષ્યને ધુણાવ્યું.સૂર્યની જેમ પ્રકાશતા તેને જોઈને સૈન્યમાં કોઈને ભીષ્મ કે દ્રોણાચાર્યનું દુઃખ થતું નહોતું.કર્ણે તે વખતે મકરવ્યૂહ રચ્યો ને પાંડવોને જીતવાની ઈચ્છાથી તે આગળ ધસ્યો.એ મકરવ્યૂહના મુખ ભાગમાં કર્ણ પોતે ઉભો હતો,શકુનિ અને ઉલૂક નેત્રોના સ્થાને હતા,અશ્વત્થામા,મસ્તકના ભાગમાં ઉભો હતો ને દુર્યોધનના સર્વ ભાઈઓ ગ્રીવાસ્થાનમાં ને દુર્યોધન મધ્યભાગમાં ઉભો હતો.કૃતવર્મા એ વ્યુહના ડાબા પાદ તરીકે ઉભો હતો,તેની સાથે યુદ્ધ દુર્મદ ગોપાલો ને નારાયણ યોદ્ધાઓ હતા.કૃપાચાર્ય ત્રિગર્ત યોદ્ધાઓથી ઘેરાઈને જમણા પાદ તરીકે ઉભા રહ્યા હતા.શલ્ય મદ્ર દેશની સેનાએ સાથે ડાબા પાદના પાછળના સ્થાનમાં ને સુષેણ જમણા પાદની પાછળ ઉભો હતો.
એ વ્યુહના પૂંછડાના ભાગમાં રાજા ચિત્ર તથા ચિત્રસેન નામના બે ભાઈઓ મોટી સેના સાથે ઉભા હતા.
એ વ્યૂહરચના જોઈને યુધિષ્ઠિર અર્જુનને કહેવા લાગ્યા કે-'તું આ કર્ણે ગોઠવેલી સેનાને જો.તે કૌરવોની મહાસેનાના ઘણાખરા વીર પુરુષો તો માર્યા ગયા છે ને થોડા તુચ્છ યોદ્ધાઓ જ બાકી રહ્યા છે.એકલો કર્ણ જ મહાધનુર્ધર તરીકે શોભે છે.તે રથીશ્રેષ્ઠ,દેવો અસુરો અને ત્રણે લોકથી અજિત છે પણ આજે તે કર્ણનો વધ કર્યા પછી તારો વિજય થઇ જશે અને આપણા હૃદયમાં રહેલો બાર વર્ષનો કાંટો નીકળી જશે,એમ સમજીને તું તારી ઈચ્છામાં આવે તેવો વ્યૂહ રચી દે'
યુધિષ્ઠિરનાં વચનથી અર્જુને પોતાની સેનાનો અર્ધચંદ્ર વ્યૂહ રચ્યો.વ્યૂહના ડાબા પડખે ભીમ અને જમણા પડખે ધૃષ્ટદ્યુમ્ન ને મધ્યભાગમાં અર્જુન પોતે અને યુધિષ્ઠિર ઉભા.યુધિષ્ઠિરના પૃષ્ઠ ભાગમાં નકુલ-સહદેવ ઉભા.યુધામન્યુ ને ઉત્તમૌજા અર્જુનના ચક્રરક્ષક તરીકે ઉભા હતા.બીજા સર્વ રાજાઓ કવચ ધારણ કરીંને વ્યુહના અવશેષ ભાગમાં ગોઠવાઈ ગયા.અર્જુને ગોઠવેલી પાંડવી સેનાને જોઈને યુધિષ્ઠિર,કર્ણ સહીત કૌરવોને મૂએલા જ લેખવા લાગ્યા.
તે પછી,બંને સૈન્યમાં ચોતરફ શંખો,ભેરીઓ,દુંદુભીઓ,ઝાલરો ઇત્યાદિ વાગવા લાગી ને વિજયની ઈચ્છાવાળા શૂરાઓનો સિંહનાદ થઇ રહ્યો.ઘોડાઓના હણહણાટ,હાથીઓની હાંકો અને રથોના ઉગ્ર ઘડઘડાટ સાંભળવા લાગ્યા.હર્ષમાં દેખાતા યોદ્ધાઓથી ભરેલાં તે બંને સૈન્યો બળપૂર્વક અન્યોન્યનો સંહાર કરી નાખવા માટે યુદ્ધ કરવાની ઈચ્છાથી રણમાં ઘૂમી રહ્યા.અને તે રણમાં બંને પક્ષના યોદ્ધાઓએ સામસામે આવીને એકબીજા પર પ્રહાર કરવા મચી પડ્યા.(43)
અધ્યાય-11-સમાપ્ત
