Sep 13, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1220

 

અધ્યાય-૧૬-અશ્વત્થામા અને અર્જુનની ભેટ 


 II धृतराष्ट्र उवाच II यथा संशप्तकैः सार्धमर्जुनस्याभवद्रणः I अन्येयां च महीपानां पांडवैस्तद ब्रवीहि मे II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,સંશપ્તક યોદ્ધાઓની સાથે અર્જુનનો જે પ્રમાણે સંગ્રામ થયો હોય અને આપણા યોદ્ધાઓનો,પાંડવ યોદ્ધાઓ સાથે જે રીતે સંગ્રામ થયો હોય તે મને કહે,વળી અશ્વત્થામા ને અર્જુનના યુદ્ધ વિષે પણ મને કહે 

સંજય બોલ્યો-હે રાજન,સાંભળો,શત્રુસંહારક અર્જુને,મહાસાગર જેવા સંશપ્તક સૈન્યમાં પ્રવેશ કર્યો ને જેમ,મહાવાયુ સમુદ્રને ખળભળાવી દે,તેમ,તે સૈન્યને ખળભળાવી દેવા લાગ્યો.અર્જુનના તીક્ષ્ણ બાણોથી કપાયેલાં વીરપુરુષોનાં મસ્તકોથી રણભૂમિ ઢંકાવા લાગી.રથોને,ઘોડાઓને,હાથીઓને ને તેમના પર સવારી કરનારા યોદ્ધાઓને પણ અર્જુને હજારો બાણો મારીને યમલોકમાં મોકલવા માંડ્યા હતા ત્યારે કેટલાક વીર પુરુષો કોપાયમાન થઇ ગર્જનાઓ કરતા અર્જુન સામે ધસ્યા.તે યોદ્ધાઓ અને અર્જુનનું મહાભયંકર યુદ્ધ થયું.અર્જુને સર્વ તરફથી શત્રુઓનાં અસ્ત્રોને પોતાના અસ્ત્રો વડે અટકાવી દીધાં હતા અને અત્યંત ઝડપથી  અનેક બાણો છોડીને તેમના પ્રાણ હરી લેવા માંડ્યા હતા. 


અર્જુને તે વખતે એક હજાર મહારથીઓને સરખું મહાન કર્મ કરી બતાવ્યું હતું તે ઘણું વિસ્મયજનક હતું ને શત્રુઓના ભયમાં વૃદ્ધિ કરનારું હતું.સિધ્ધો,દેવો,ઋષિઓ તેનાં વખાણ કરી રહ્યા હતા,તે સમયે દેવોનાં દુન્દુભિઓ વાગવા લાગ્યાં ને શ્રીકૃષ્ણ અને અર્જુનના મસ્તક પર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થવા લાગી હતી.ત્યાં દિવ્ય વાણી થઇ રહી કે-'આ એક રથમાં બેઠેલા શ્રીકૃષ્ણ અને અર્જુન અજિત છે ને સર્વ ભૂતોમાં શ્રેષ્ઠ ગણાતા સાક્ષાત નરનારાયણ છે'


હે ભારત,આવી મહાન આશ્ચર્યજનક વાણી સાંભળીને અશ્વત્થામા બરાબર સજ્જ થઈને અર્જુન સામે યુદ્ધ કરવા ધસ્યા.અને અર્જુનને યુદ્ધનું આહવાન કરીને તેને કહેવા લાગ્યા કે-'હે અર્જુન,તું જો આ રણક્ષેત્રમાં મને યોગ્ય અતિથિ તરીકે આવેલો માનતો હોય તો આજે સર્વપ્રકારે યુદ્ધદાન આપીને મારો સત્કાર કર' યુદ્ધને ઇચ્છતા આચાર્યપુત્રે જયારે પોતાને આહવાન કર્યું,ત્યારે  અર્જુન પોતાના આત્માને ભાગ્યશાળી માનવા લાગ્યો અને શ્રીકૃષ્ણને કહેવા લાગ્યો કે-'હે માધવ,સંશપ્તકોનો મારે સંહાર કરવો છે અને આ તરફથી અશ્વત્થામા મને યુદ્ધ માટે બોલાવે છે માટે જે પ્રથમ કરવા યોગ્ય હોય તે મને કહો'


ત્યારે શ્રીકૃષ્ણ અર્જુનને અશ્વત્થામા પાસે લઇ ગયા અને અશ્વત્થામાને આમંત્રણ આપીને તેને કહેવા લાગ્યા કે-'હે અશ્વત્થામા,બરાબર સ્થિર થઈને તમે જલ્દી પ્રહાર કરો ને પ્રહાર સહન કરો.નોકરોએ સ્વામીનું નિમકહલાલ કરવાનો આ સમય ઉપસ્થિત થયો છે.બ્રાહ્મણોનો વાદવિવાદ તે એક ઝીણી બાબત છે પણ ક્ષત્રિયોનો જયપરાજય તે એક મોટી બાબત છે.અજ્ઞાનને લીધે તમે જે દિવ્ય સત્ક્રિયાની અભ્યર્થના કરો છો તેની જો તમને ઈચ્છા હોય તો સ્થિર થઈને અર્જુન સામે યુદ્ધ કરો'

ત્યારે અશ્વત્થામાએ 'બહુ સારું' કહીને તેણે સાઠ બાણોથી કેશવને અને ત્રણ બાણોથી અર્જુનને વીંધ્યા.


એટલે અતિશય ક્રોધે ભરાયેલા અર્જુને ત્રણ બાણો મારીને તેના ધનુષ્યને કાપી નાખ્યું.ત્યાં તરત જ અશ્વત્થામાએ નવું ધનુષ્ય લઈને તેણે ફરી વાસુદેવ ને અર્જુનને વીંધી નાખી હજારો ને લાખો બાણો છોડીને અર્જુનને રણમાં થંભાવી દીધો ને તેને બાણોથી છાઈ દઈને એકદમ મોટા હર્ષમાં આવી ગયો.ને ગર્જના કરવા લાગ્યો તે સાંભળીને અર્જુને વાસુદેવને કહ્યું કે-'હે કેશવ,આ ગુરૃપુત્રની મારા પ્રત્યેની દુષ્ટતાને તમે જુઓ! આપણને બાણગૃહમાં પેસાડી દઈને તે એમ માને છે-આ બન્ને મરી ગયા છે,પરંતુ હવે હું મારી યુદ્ધશિક્ષા તથા બળના પ્રભાવથી તેના સંકલ્પનો નાશ કરું છું.'


આમ કહી તેણે અશ્વત્થામાના તે દરેક બાણના ત્રણત્રણ ટુકડા કરી નાખી તેની બાણવૃષ્ટિનો નાશ કરી નાખ્યો,ને પાછો સંશપ્તક યોદ્ધાઓના ઘોડા,સારથી,રથો,હાથીઓને કાપવા માંડ્યો.ને મોટો સંહાર કરી નાખ્યો.ત્યારે અશ્વત્થામા ફરી યુદ્ધ કરવાની ઈચ્છાથી બાણો ફેંકતો અર્જુન સામે ધસી આવ્યો.ત્યારે અર્જુન પણ તેના બાણોને કાપવા લાગ્યો ને હવે તેણે સંશપ્તક યોદ્ધાઓની સામે યુદ્ધ કરવું પડતું મૂકીને અશ્વત્થામા સામે ચડી જઈને યુદ્ધ કરવાનું નક્કી કર્યું.(51)

અધ્યાય-16-સમાપ્ત