Sep 12, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1219

 

અધ્યાય-૧૫-અશ્વત્થામા અને ભીમસેનનું યુદ્ધ 


 II संजय उवाच II भीमसेनं ततो द्रौणि राजन विव्याध पत्रिणा I परया त्वरया युक्तो दर्शयन्नखलाधवम II १ II

સંજય બોલ્યો-હે ધૃતરાષ્ટ્રરાજ,પછી,દ્રોણપુત્ર અશ્વત્થામાએ ઘણી ઉતાવળ કરીને ભીમસેનને એક બાણ વડે વીંધી નાખી પોતાની અસ્ત્રકુશળતા દર્શાવવા માંડી.વળી,મર્મને જાણનારા તે અશ્વત્થામાએ ઝપાટાબંધ નેવું તીક્ષ્ણ બાણો મૂકીને ભીમસેનના સર્વ મર્મસ્થાનોમાં પ્રહાર કર્યો ને ઉપરાઉપરી બાણો મૂકીને ભીમસેનને રથમાં જ ઢાંકી દીધો.સામે ભીમસેને એક હજાર બાણો મૂકીને અશ્વત્થામાને છાઈ દઈને મોટો સિંહનાદ કર્યો.પરંતુ અશ્વત્થામાએ તે બાણોને અટકાવી મંદ હાસ્ય કરીને ભીમસેનના લલાટમાં એક નારાચ બાણનો પ્રહાર કર્યો.

પછી,ભીમસેન અશ્વત્થામાને વિસ્મય પમાડતો હોય તેમ તેને ત્રણ બાણોથી તેના લલાટને વીંધ્યું.હવે અશ્વત્થામા અને ભીમસેન સામસામા અસંખ્ય બાણો છોડીને એકબીજાનો દાવ વાળતા હતા.યુદ્ધ અતિ તુમુલ બની રહ્યું,બંને એકબીજાનો વધ કરવા પરમ યત્ન કરવા લાગ્યા હતા.ત્યાં તેઓ એકબીજને રથરહિત કરવા માટે ઈચ્છી રહ્યા હતા.અશ્વત્થામા મોટાંમોટાં અસ્ત્રો પ્રગટ કરવા લાગ્યો પણ ભીમસેને સામે ઉત્તમ અસ્ત્રો મૂકીને તેનાં અસ્ત્રોનો નાશ કરવા માંડ્યો.તે મહાઘોર અસ્ત્રયુદ્ધથી આખું આકાશ બાણોના ઢગથી ઢંકાઈ ગયું હતું.પરસ્પર બાણોની અથડામણથી પ્રદીપ્ત અગ્નિ પ્રગટ થતો હતો કે જે બંને પક્ષની સેનાને બાળી રહ્યો હતો.તે સમયે યુદ્ધ જોવા આવેલા સિદ્ધો બંને મહારથીઓને વખાણ કરવા લાગ્યા.


પછી,બંનેએ અન્યોન્યના ધ્વજને કાપી નાખ્યા અને ઘોડાઓ તથા સારથિને ઘાયલ કરી નાખી એકબીજાને અત્યંત ઘાયલ કર્યા હતા.તે પછી તે બંનેએ અન્યોન્યને ઠાર કરવાની ઈચ્છાથી એક એક બાણ હાથમાં લીધું અને ઝડપથી સામસામે ફેંક્યું.તે બાણોના પ્રહારથી તે બંને મહારથીઓ સખત ઘાયલ થયા ને બેભાન થઈને રથની બેસણી પર ઢળી પડ્યા.બંનેના સારથિઓ તે બંને મહાવીરોને તુરત જ રણમાંથી દૂર લઇ ગયા (44)

અધ્યાય-15-સમાપ્ત