અધ્યાય-૧૪-ચિત્રસેન અને ચિત્રનો વધ
II संजय उवाच II श्रुतकर्मा ततो राजश्चित्रसेनं महीपतिम I आजघ्ने समरे कृद्वः पंचाशदभि: शिलीमुखैः II १ II
સંજય બોલ્યો-હે રાજન,પછી ક્રોધાયમાન થયેલા શ્રુતકર્માએ એ રણમાં ચિત્રસેનને પચાસ બાણોનો પ્રહાર કર્યો ત્યારે અભિસાર દેશના રાજા ચિત્રસેને પણ સામેથી શ્રુતકર્માને નવ બાણોનો માર મારી તેના સારથિને વીંધી નાખ્યો.ક્રોધિત થયેલા શ્રુતકર્માએ ચિત્રસેનના મર્મસ્થાનમાં નારાચ બાણોથી પ્રહાર કર્યો ત્યારે તે મૂર્છામાં પડી ગયો.થોડીવારે ભાનમાં આવીને ચિત્રસેને એક ભલ્લ બાણથી શ્રુતકર્માના ધનુષ્યને કાપી તેને બાણોથી વીંધ્યો.
હવે,શ્રુતકર્માએ નવું ધનુષ્ય હાથમાં લઈને બાણોની ધારા છોડીને ચિત્રસેનને છૂંદી નાખી વિચિત્ર સ્વરૂપવાળો કરી દીધો.સામે ચિત્રસેને પણ બાણોથી શ્રુતકર્માને અત્યંત ઘાયલ કર્યો.લોહીલુહાણ થયેલા ને અત્યંત ક્રોધાયમાન થયેલા શ્રુતકર્માએ તુરત જ બાણ છોડીને ચિત્રસેનના ધનુષ્યને કાપી નાખ્યું ને બીજાં ત્રણસો બાણોથી તેને છાઈ દીધો ને તેને વીંધી નાખ્યો.પછી તેણે એક તીક્ષ્ણ ભલ્લ બાણ મારીને તે ચિત્રસેનના મસ્તકને ટોપસહિત કાપી નાખ્યું.ચિત્રસેનનું મસ્તક પૃથ્વી પર પડ્યું,ત્યારે તેને માર્યો ગયેલો જોઈને તેના સર્વ સૈનિકો શ્રુતકર્મા સામે વેગથી ધસ્યા.શ્રુતકર્માએ બાણોની વર્ષા કરીને તે સૈન્યનો સંહાર કરવા માંડ્યો એટલે તે સૈન્ય નિરાશ થઈને ચારે દિશામાં નાસી જવા લાગ્યું.
તે ગાળામાં પ્રતિવિંધ્યે,ચિત્રરાજાને બાણોથી અત્યંત ઘાયલ કરીને તેના સારથિને પણ ઘાયલ કર્યો.એટલે ચિત્રરાજાએ સામે બાણો મૂકીને પ્રતિવિન્ધ્યના બાહુઓ ને છાતીમાં પ્રહાર કર્યો.ક્રોધિત થયેલા પ્રતિવિંધ્યે તેના ધનુષ્યને કાપી નાખી તેના પર સામો પ્રહાર કર્યો.હે મહારાજ,તે વખતે ચિત્રરાજાએ એક દુરાસદ શક્તિ પ્રતિવિન્ધ્ય સામે ફેંકી કે જેના તેણે બે ટુકડા કરી નાખ્યા.હવે ચિત્રરાજાએ એક ગદા હાથમાં લઈને ફેંકી કે જેને પ્રતિવિધ્યના ઘોડા,સારથિ ને રથનો ભુક્કો કરી નાખ્યો.રથ વિનાના થયેલા પ્રતિવિંધ્યે એક મહાશક્તિ ફેંકી કે જે શક્તિને અધ્ધરથી જ ઝીલી લઇને પાછી તેની સામે જ ફેંકી.તે શક્તિ પ્રતિવિન્ધ્યના જમણા બાહુને ઘાયલ કરીને જમીન પર પડી.
હવે અત્યંત ક્રોધિત પ્રતિવિંધ્યે,ચિત્રરાજાનો વધ કરવાની ઈચ્છા કરીને એક તોમર શસ્ત્ર તેની સામે ફેંક્યું કે જેણે તે ચિત્રરાજાના કવચ અને હૃદયને ચીરી નાખ્યાં.ચિત્રરાજા જમીન પર પડ્યો.તેને મરણ પામેલો જોઈને તમારા ઘણા યોદ્ધાઓ પ્રતિવિન્ધ્ય સામે દોડી ગયા.અને અનેક બાણો મૂકીને તે પ્રતિવિન્ધ્યને ઢાંકી દેવા લાગ્યા.સામે પ્રતિવિન્ધ્ય પણ બાણોની જાળ પાથરી દઈને તેમને નસાડી દેવા લાગ્યો.આ પ્રમાણે પાંડવ પક્ષના યોદ્ધાઓ તમારા મહારથીઓનો ઘાણ કાઢવા લાગ્યા ત્યારે તેઓ બધા છુટાછવાયા થઈને વિખરાઈ ગયા ને તામર સૈન્યમાં નાસભાગ થવા લાગી.તે વખતે અશ્વત્થામા ભીમસેન સામે ચઢી ગયો હતો,ને તેમના વચ્ચે ઘોર સંગ્રામ શરુ થયો (39)
અધ્યાય-14-સમાપ્ત
