Sep 10, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1217

 

અધ્યાય-૧૩-કેકયકુમાર વિન્દ અને અનુવિન્દ પડ્યા 


II संजय उवाच II ततः कर्णो महेष्वासः पांडवानामनीकिनिम् I जघान समरे शूरः शरैः सन्नतपर्वभिः II १ II

સંજય બોલ્યો-તે પછી,મહાધનુર્ધર રણશૂરો કર્ણ બાણોનો મારો કરીને પાંડવોની સેનાનો સંહાર કરવા લાગ્યો ત્યારે સામે પાંડવ પક્ષના મહારથીઓ પણ તે કર્ણના મુખ આગળ જ તમારી સેનાને સંહારી રહ્યા હતા.તે વેળા નારાચ બાણોના પ્રહારથી કર્ણે હાથીઓને એટલો બધો માર મારવા મંડ્યો કે તેઓ મોટી ચીસો પાડીને દશેય દિશામાં ભમવા લાગ્યા હતા.ત્યારે નકુલ કર્ણ સામે યુદ્ધ કરવા સત્વર ધસી આવ્યો.અશ્વત્થામા સામે ભીમસેન ચડી ગયો ને સાત્યકિએ વિન્દ-અનુવિન્દને અટકાવી રાખ્યા.

બીજી તરફ શ્રુતકર્મા ને ચિત્રસેન રાજાએ અટકાવ્યો ને ચિત્રવિચિત્ર ધજા ને ધનુષ્યવાળા ચિત્રરાજાને પ્રતિવિંધ્યે ખાળી રાખ્યો.દુર્યોધન યુધિષ્ઠિર સામે અને અર્જુન સંશપ્તક ટુકડીઓ સામે ધસ્યો હતો.ધૃષ્ટદ્યુમ્ન,કૃપાચાર્ય સામે,શિખંડી કૃતવર્મા સામે ને શ્રુતકીર્તિ શલ્ય સામે લડતા હતા.સહદેવ,દુઃશાસન સામે ભેટ્યો હતો ને કેકયકુમારો વિન્દ-અનુવિન્દ સાત્યકિ સામે યુધ્ધે ચડ્યા હતા.તે બંને ભાઈઓ સાત્યકિને હૃદયની અંદર સખ્ત પ્રહાર કરવા લાગ્યા ત્યારે સાત્યકિએ સામે તેમના કવચોને તોડી પાડીને તેમનાં ધનુષ્યો કાપી નાખીને રણમાં ખાળી રાખ્યા.


તે બંને ભાઈઓએ નવાં ધનુષ્યો હાથમાં લઈને મોટાં બાણો મૂકીને સાત્યકિને છાઈ દીધો,ને તેના ધનુષ્યને કાપી નાખ્યું.ત્યારે કોપિત થયેલા સાત્યકિએ બીજું ધનુષ્ય હાથમાં લઈને એક ક્ષુરપ્ર બાણ મૂકીને અનુવિન્દના મસ્તકને કાપી નાખ્યું.પોતાના ભાઈને મરણ પામેલો જોઈને વિન્દ ધનુષ્યને સજ્જ કરીને સાત્યકિને અટકાવવા લાગ્યો ને તેને સાઠ બાણોથી વીંધ્યો.ક્રોધાયમાન થયેલા સાત્યકિએ સામે તેને પચીસ બાણો મૂકીને તેને પણ વીંધી નાખ્યો.રથીઓમાં શ્રેષ્ઠ ગણાતા તે બંને જણાએ તે યુદ્ધમાં અન્યોન્યનાં ધનુષ્યો કાપી નાખ્યા અને અન્યોન્યના સારથી ને ઘોડાઓને મારી નાખ્યા.ત્યારે રથરહિત થયેલા બંને હાથમાં તલવાર-ઢાલ લઈને સામસામે યુદ્ધ કરવા લાગ્યા.


અન્યોન્યનો વધ કરવા પ્રયત્ન કરી રહેલા તે બંનેએ એકબીજાની ઢાલને તોડી પાડી.ત્યારે ઝડપદાર સાત્યકિએ પોતાના હાથને આડકતરી રીતે ફેરવ્યો અને કેકયકુમાર વિન્દના,કવચ સહિત બે ટુકડા કરી નાખ્યા.આમ વિન્દ તે મહારણમાં પડ્યો.તેને મારી નાખીને સાત્યકિ ઉતાવળો યુધામન્યુના રથ પર ચડી ગયો.પછી તે સાત્યકિ પોતાના માટે આવેલા રથમાં બેસીને કેકયોના મહાન સૈન્યને સંહારવા લાગ્યો,ત્યારે તે સેના શત્રુને પડતો મૂકીને દશેય દિશામાં પલાયન કરી ગઈ.(38)

અધ્યાય-13-સમાપ્ત