અધ્યાય-૧૨-કુલૂતરાજ ક્ષેમધૂર્તિનો વધ
II संजय उवाच II ते सेनेन्योन्यमासाद्य प्रहृष्टाश्वनरद्विपे I बृहत्यो संप्रजहाते देवासुरसमप्रभे II १ II
સંજય બોલ્યો-જેમના ઘોડાઓ,હાથીઓ અને મનુષ્યો ખુશખુશાલ જણાતા હતા તેવી એ બંને પક્ષની દેવાસુર સમાન કાંતિવાળી સેનાઓ સામસામે ભેટીને મારો ચલાવવા લાગી.અનેક પુરુષસિંહોના મસ્તકો ટપોટપ જમીન પર પડીને રણભૂમિને પાથરી દેવા લાગ્યા.વળી,ત્યાં હાથીઓ,ઘોડાઓ ને રથોનો કચ્ચરઘાણ થઈને પૃથ્વી પર પથરાયો.બંને પક્ષના શૂરાઓ અન્યોન્યનો સંહાર કરી રહ્યા હતા તેવામાં ભીમસેન,ધૃષ્ટદ્યુમ્ન,શિખંડી,દ્રૌપદીના પુત્રો,પ્રભદ્રકો,સાત્યકિ,ચેકિતાન આદિ યોદ્ધાઓ કૌરવ સૈન્ય સામે ધસી આવ્યા.તે ઉપરાંત પાંચાલો,કેકયો,કારુષો,કોસલો,માગધો આદિ યોદ્ધાઓ પણ ભીમ સાથે જોડાયા હતા.
એ મહાન સૈન્યના મધ્ય ભાગમાં ઉત્તમ યોદ્ધાઓથી વીંટાયેલો અને હાથીની પર સવાર થયેલો ભીમ સૂર્યસમાન શોભતો હતો.તેણે ઉત્તમ લોખંડી કવચ પહેર્યું હતું ને હાથમાં તોમર શસ્ત્ર પકડ્યું હતું.શત્રુઓની સેનાનો સંહાર કરતો તે ભીમ ઘૂમતો હતો,ત્યારે તેને જોઈને રાજા ક્ષેમધૂર્તિ,પોતાના હાથી પર બેસીને ભીમ સામે ધસ્યો ને તેને યુદ્ધ માટે આહવાન કરવા લાગ્યો.
તે વખતે ભીમસેન અને ક્ષેમધૂર્તિએ પોતપોતાના હાથીઓને અન્યોન્ય સામસામે ભેટાવી દીધા ને એકબીજા પર તોમરનો પ્રહાર કરીને મહા ગર્જનાઓ કરવા લાગ્યા.પછી,ધનુષ્ય હાથમાં લઈને બંનેએ એકબીજાના ધનુષ્ય કાપી નાખ્યા.
ત્યાર બાદ શક્તિ અને તોમરોની વૃષ્ટિ કરી અન્યોન્યને મારવા લાગ્યા.ક્ષેમધૂર્તિએ ભીમસેનને સાત તોમરોથી અત્યંત ઘાયલ કર્યો એટલે ક્રોધિત થયેલા ભીમસેને સૂર્યસમાન ઝળહળતું એક તીક્ષ્ણ તોમર ક્ષેમધૂર્તિ સામે ફેંક્યું કે જેના સામે તેણે બાણો છોડીને તે તોમરના ટુકડા કરીને બીજા સાઠ બાણોથી ભીમસેનને વીંધ્યો.ક્રોધિત ભીમસેને નવું ધનુષ્ય હાથમાં લઈને શત્રુના હાથીને પીડવા લાગ્યો એટલે ગભરાયેલો હાથી રણમાં સ્થિર ઉભો રહી શક્યો નહિ.ક્ષેમધૂર્તિએ હવે સામે ધસી આવતા ભીમસેનના હાથીને પીડવા માંડ્યો.તે જોઈને ભીમસેને ક્ષુરપ્ર બાણોથી શત્રુના ધનુષ્યને કાપી નાખ્યું.
કોપિત થયેલા ક્ષેમધૂર્તિએ નવું ધનુષ્ય લઈને પ્રથમ ભીમસેન પર પ્રહાર કર્યો અને પછી તેના હાથીને મર્મસ્થાનોમાં માર માર્યો.ભીમસેનનો હાથી પૃથ્વી પર પડ્યો તે પહેલાં હાથમાં ગદા લઈને ભીમસેન જમીન પર કૂદી પડ્યો ને તેણે ક્ષેમધૂર્તિના હાથી પર ગદાથી પ્રહાર કર્યો એટલે તે હાથી પણ પૃથ્વી પર પછડાયો.ક્ષેમધૂર્તિ હાથમાં તલવાર લઇ,હાથી પરથી કૂદી પડી ભીમસેન સામે સામે દોડે તે પહેલાં જ ભીમસેને તેના પર ગદાનો પ્રહાર કરીને તેને છૂંદી નાખ્યો,એટલે ક્ષેમધૂર્તિ પ્રાણરહિત થઈને,તલવાર સહીત જ પોતાના હાથી સન્મુખ જ પડ્યો.આમ કુલુતોનો રાજા ક્ષેમધૂર્તિ રણમાં ઢળી પડ્યો તે જોઈને તમારી સેના વ્યથિત થઈને રણમાંથી નાસવા લાગી (45)
અધ્યાય-12-સમાપ્ત
