Sep 14, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1221

અધ્યાય-૧૭-અશ્વત્થામાનો પરાજય 


II संजय उवाच II ततः समभवद्युद्वं शुक्रांगिरसवर्चसो:I नक्षत्रमभितो व्योन्मि शुक्रांगिरसयोरिव II १ II

 સંજય બોલ્યો-પછી,નક્ષત્રને ખાતર મોટા આવેશમાં આવી ગયેલા શુક્ર અને બૃહસ્પતિનું જેવું આકાશમાં યુદ્ધ થાય તેવું,શુક્ર અને બૃહસ્પતિ જેવા તે તેજસ્વી બંને વીરોનું ત્યાં યુદ્ધ શરુ થયું.વક્ર ગતિમાં ગમન કરતા બે ગ્રહોની જેમ,પ્રદીપ્ત બાણોરૂપી કિરણોથી એકબીજાને તપાવતા તે બંને લોકોને ત્રાસરૂપ થઇ પડ્યા.અર્જુને એક બાણ વડે અશ્વત્થામાને બે ભ્રમર વચ્ચે વીંધી નાખ્યો ત્યારે સામે અશ્વત્થામાએ સેંકડો બાણો મૂકી શ્રીકૃષ્ણ અને અર્જુનને સખ્ત પીડી નાખ્યા.

તે પછી,અર્જુને સર્વ તરફ્થી અસ્ત્રધારાને વરસનારું 'સર્વતોધાર' નામનું અસ્ત્ર છોડ્યું.સૈન્યનો અતિ સંહાર થવા લાગ્યો.અશ્વત્થામાએ પણ સામે અસંખ્ય બાણોની વર્ષા કરી પણ તે સર્વ બાણોને અર્જુને અટકાવી દીધાં ને તે અશ્વત્થામાને ઘોડા,સારથી અને ધજા સહીત બાણોથી ઢાંકી દઈને તે પુનઃ સંશપ્તક યોદ્ધાઓનો નાશ કરવા લાગ્યો.ને તેમના સૈન્યમાં ભંગાણ પાડી દીધું.હવે અશ્વત્થામાએ અર્જુનના બાણોની જાળ કાપી નાખીને અર્જુનના બાણોને તે અટકાવવા લાગ્યો ને ફરી અર્જુન અને શ્રીકૃષ્ણને બાણોથી ઢાંકી દઈ અને ગર્જના કરી મૂકી.


અશ્વત્થામાના બાણોએ જયારે અર્જુનને પીડી નાખ્યો ત્યારે તેણે એકાએક બાણોમય અંધકાર કરી નાખ્યો અને તેણે અશ્વત્થામા તથા બીજા સર્વ યોદ્ધાઓને વીંધવા માંડયા.અર્જુનની બાણ ફેંકવાની ઝડપ તે વખતે અદભુત હતી.તે ક્યારે હાથમાં બાણ લેતો હતો,ક્યારે ધનુષ્યમાં સાંધતો હતો ને ક્યારે શત્રુઓ સામે ફેંકતો હતો તે કંઈ પણ દેખાતું નહોતું.તેના બાણોથી થયેલો સંહાર માની ન શકાય તેવો હતો.તેવામાં અશ્વત્થામાએ ફરી આવીને બાણોથી અર્જુન અને શ્રીકૃષ્ણને અત્યંત વીંધ્યા.કે જેનાથી અર્જુન અને શ્રીકૃષ્ણના શરીરમાંથી લોહી વહેવા લાગ્યું.રણમાં ઉભેલા યોદ્ધાઓ તો તેમને મરણ પામેલા જ માનવા લાગ્યા. 


ત્યારે શ્રીકૃષ્ણ અર્જુનને કહેવા લાગ્યા કે-'હે અર્જુન તું આમ પ્રમાદ કેમ કરે છે?આ યોધ્ધાને હવે મારી નાખ,તું જો આની ઉપેક્ષા કરીશ તો આ શત્રુ દોષકારક અને કષ્ટસાધ્ય થઇ પડશે'એટલે અર્જુને 'બહુ સારું' કહીને બાણોથી અશ્વત્થામાની ભુજાઓને,વક્ષઃસ્થળને,મસ્તકને ને તેની સાથળોને ભેદી નાખીને તેના ઘોડાઓની લગામ કાપી નાખી,તે ઘોડાઓને અત્યંત વીંધી નાખ્યા.છુટા થયેલા ને ગભરાયેલા તે ઘોડાઓ અશ્વત્થામાને રણમાંથી ઘણે દૂર લઇ ગયા.ઘવાયેલો અશ્વત્થામા,અર્જુન સામે યુદ્ધ કરવા પુનઃ પાછો ફર્યો જ નહિ કારણકે તે બુધ્ધિમાને વિચાર કરતાં જાણી લીધું કે-'કૃષ્ણ અને અર્જુનનો અવશ્ય વિજય થવાનો છે' ને એમ જાણીને તે યોદ્ધાઓથી ભરપૂર એવા કર્ણના સૈન્યમાં દાખલ થઇ ગયો હતો.અર્જુન પણ હવે સંશપ્તક યોદ્ધાઓ સામે ફરી પ્રયાણ કરી ગયો (26)

અધ્યાય-17-સમાપ્ત