અધ્યાય-૧૮-દંડધાર અને દંડનો વધ
II संजय उवाच II अथोत्तरेण पांडुनां सेनायां ध्वनिरुत्थितः I रथनागाश्वपत्तीनां दण्डधारेण वध्यतां II १ II
સંજય બોલ્યો-તેવામાં ઉત્તર દિશા તરફ લડી રહેલી પાંડવોની સેનામાં મોટી કિકિયારીઓ સંભળાવા લાગી કારણકે ત્યાં રાજા દંડધાર,રથો,હાથીઓ,ઘોડાઓ ને પાળાઓનો ઘાણ વાળી રહ્યો હતો.તે સાંભળી શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું કે-હે પાર્થ,મગધરાજ દંડધાર અત્યંત પરાક્રમી છે,ને શત્રુઓનો સંહાર કરનાર હાથી પર તે બેઠો છે,શિક્ષા અને બળમાં તે ભગદત્ત કરતાં ઉતરે તેવો નથી.માટે તું તેને પ્રથમ મારી નાખ ને પછી સંશપ્તકોને માર' એમ કહીને તેમણે રથને દંડધાર સામે પહોંચાડ્યો.
જેમ,સૂર્ય આદિ ગ્રહસમૂહોમાં કેતુગ્રહ અસહ્ય ગણાય છે તેમ,તે વેળા તે મગધરાજ હસ્તિયુદ્ધમાં અસહ્ય ગણાતો હતો.જેમ,ઉત્પાતકાળે ઉદય પામેલો દારુણ ધૂમકેતુ પૃથ્વીનો નાશ કરે છે તેમ,તે ત્યારે સેનાનો નાશ કરી રહ્યો હતો.શત્રુઓનું મર્દન કરનાર હાથી પર સવાર થઈને,હજારો હાથીઓ,રથીઓ,ઘોડાઓ ને પદાતિઓનો સંહાર કરી રહ્યો હતો.સૈન્ય ત્રાસ પામી રહ્યું હતું તે વખતે જ અર્જુન ત્યાં આવી પહોંચ્યો.ત્યારે રાજા દંડધારે અર્જુન,શ્રીકૃષ્ણ અને તેમના ઘોડાઓ પર બાણોથી પ્રહાર કર્યો.ને મોટી ગર્જના કરી વારંવાર હસવા માંડ્યું.
એટલે તરત જ ક્રોધિત અર્જુને એ રાજાના ધનુષ્યને કાપી નાખ્યું ને બીજાં બાણોથી તેના ધ્વજને,મહાવતને,ને પાદરક્ષકોને પણ કાપી નાખ્યા.એ જોઈને દંડધારે સામે તોમરો ફેંકીને અર્જુન પર પ્રહાર કર્યો.હવે,અર્જુને તેના પર ક્ષુરપ્ર જાતિનાં ત્રણ બાણો ફેંક્યાં ને તે રાજાના બે બાહુઓને ને તેના મસ્તકને કાપી નાખ્યું ને સો બાણોથી તેના હાથીને પણ વીંધી નાખ્યો.ઘવાયેલો તે હાથી વેદનાથી વિહવળ થઈને ગર્જનાઓ સમાન ચીસો પાડવા લાગ્યો ને આમતેમ લથડિયાં ખાઈને પૃથ્વી પર પડ્યો.
આ પ્રમાણે પોતાના ભાઈ દંડધારને માર્યો ગયેલો જોઈને રાજા દંડ શ્રીકૃષ્ણ અને અર્જુનને મારી નાખવાની ઈચ્છાથી હાથી પર બેસીને તેમની સામે યુદ્ધ કરવા ચડી આવ્યો અને તેણે ત્રણ તીક્ષ્ણ તોમરોથી જનાર્દનને અને બીજાં પાંચ તોમરોથી અર્જુન પર પ્રહાર કરીને મોટા શબ્દથી ગર્જના કરી મૂકી.ત્યારે અર્જુને બે બાણોથી તે રાજાના હાથ અને એક અર્ધચંદ્રાકાર બાણ મૂકીને તેનું મસ્તક કાપી નાખ્યું.એટલે તે દંડ પૃથ્વી પર પછડાઈ પડ્યો.દંડને મરેલો જોઈને બીજા હાથી સવારો અર્જુન સામે ધસી આવ્યા,તો અર્જુને તે સર્વને પણ મસ્તક વગરના કરી દીધા.ત્યારે તેમના સૈન્યમાં ભંગાણ પાડીને અર્જુન પાછો સંશપ્તકો સામે ધસ્યો (25)
અધ્યાય-18-સમાપ્ત
