અધ્યાય-૩૦-ભયકંર ઘમસાણ
II संजय उवाच II ततः कर्ण पुरस्कृत्य त्वदीया युद्धदुर्मदाः I पुनरावृत्य संग्रामं चक्रुर्देवासुरोपमम् II १ II
સંજય બોલ્યો-પછી,તમારા યુદ્ધદુર્મદ યોદ્ધાઓ કર્ણને આગળ કરીને પુનઃ પાછા ફર્યા અને દેવાસુર સમાન સંગ્રામ કરવા લાગ્યા.હાથીઓ,રથો,પાળાઓ તથા ઘોડેસવારોનાં ટોળેટોળાં શત્રુઓ સામે ધસી જઈને જાતજાતનાં અસ્ત્રોના પ્રહાર કરીને સંહાર કરવા મંડી રહ્યાં.અસંખ્ય મૃતદેહોથી પૃથ્વી છવાઈ ગઈ ને લોહીની નદીઓ વહી રહી હતી.ઘણા યોદ્ધાઓ ઘાયલ થઈને રણમાં પડ્યા હતા.શત્રુઓએ સંહારી નાખેલું તે સૈન્ય પ્રજાના સંહાર સમયે યમરાજાની રાજધાની સરખું જ રૌદ્ર સ્વરૂપનું દેખાતું હતું.તે સમયે,કર્ણ અને તમારા પુત્રો ઘણાં મોટાં સૈન્ય સાથે સાત્યકિ સામે યુદ્ધ કરવા ચઢી ગયા હતા.
તે વખતે સામસામા ભેટેલાં તે સૈન્યો અતિશય ઉછળી રહેલા લોહીથી ભયંકર દેખાતાં હતાં.સૈન્યના સિંહનાદો અને અસ્ત્રોના સામસામે અથડાવાથી ત્યાં મોટો શબ્દ થઇ રહ્યો હતો.કર્ણ,સૂર્યસમાન ઝળહળતાં બાણો વડે સાત્યકિને મારવા લાગ્યો ત્યારે સાત્યકિ પણ સામે ભાતભાતનાં બાણો છોડીને કર્ણને તેના રથ,ઘોડા ને સારથિ સહીત ઢાંકી દઈ તેને પીડવા લાગ્યો.તે જોઈને તમારા કેટલાએક અતિરથીઓ,સૈન્ય સાથે તે કર્ણ પાસે આવી પહોંચ્યા.મોટા સમુદ્ર સરખા સૈન્યને આવતું જોઈને ધૃષ્ટદ્યુમ્ન આદિ ઉતાવળ કરીને તેમની સામે ધસી આવ્યા અને પછી,ત્યાં મહાન સંહાર થઇ રહ્યો.
તેવામાં અર્જુન અને કેશવ પણ તુરત જ,શત્રુઓનો સંહાર કરવાનો નિશ્ચય કરીને ત્યાં ચઢી આવ્યા.અર્જુને ગાંડીવનો ટંકાર કર્યો અને સર્વ દિશાઓને ને આકાશને ભરી દીધું,ને જેમ,મોટો વાયુ મેઘઘટાનો નાશ કરે તેમ,ઘણા સારથિઓને,હાથીઓને,ઘોડાઓને અને પાળાઓને પણ યમલોકમાં મોકલી દીધા.જેમ,કોપાયમાન થયેલા કાળને વારી શકતો નથી તેમ,તે અર્જુનને કોઈ વારી શક્યો નહોતો.એકલો દુર્યોધન જ સીધી ગતિનાં બાણો મારતો અર્જુન સામે ધસી આવ્યો.ત્યારે અર્જુને તેના ધનુષ્ય,સારથી,ઘોડાઓને ધજાને કાપી નાખ્યાં.ને એક પ્રાણઘાતક બાણ દુર્યોધન સામે ફેંક્યું,પણ ત્યાં અશ્વત્થામાએ વચમાંથી જ તે બાણના ટુકડા કરી નાખ્યા.ને દુર્યોધનને બચાવી લીધો.
તે જોઈને અર્જુને અશ્વત્થામાના ધનુષ્યને કાપી નાખી તેના ઘોડા ને રથનો નાશ કરી નાખ્યો.વળી,સામે આવેલા કૃપાચાર્ય,કૃતવર્મા અને દુશાસનના પણ ધનુષ્યોને કાપી તથા ઘોડાઓને ને સારથિને મારી નાખીને તે કર્ણ સામે ધસી ગયો.અર્જુનને પોતાની સામે આવેલો જોઈને કર્ણ,સાત્યકિને છોડીને અર્જુન અને કેશવ પર બાણો મૂકીને તેમને વીંધી નાખ્યા.એ જ અરસામાં સાત્યકિ,પુનઃ કર્ણ સામે આવી ગયો ને તીક્ષ્ણ બાણોથી કર્ણને વીંધવા લાગ્યો.
તે પછી,યુધામન્યુ,શિખંડી,દ્રૌપદીના પુત્રો,પ્રભદ્રકો,ઉત્તમૌજા,યુયુત્સુ,નકુલ,સહદેવ,ધૃષ્ટદ્યુન,ચેકિતાન,યુધિષ્ઠિર આદિ સર્વ શૂરા યોદ્ધાઓ સૈન્ય સાથે કર્ણને ઘેરી વળ્યાં અને જાતજાતનાં શસ્ત્રોની વૃષ્ટિ કરવા લાગ્યા.તે બધા કર્ણને ઉગ્ર વચનો કહી સંભળાવતા હતા ને કર્ણનો વધ કરવા તૈયાર થઇ ગયા હતા.પરંતુ,કર્ણ પોતાના અસ્ત્રોથી શત્રુઓની તે સર્વ શસ્ત્રવૃષ્ટિને કાપવા માંડ્યો હતો ને રથીઓ,હાથીઓ,ઘોડેસ્વારો ને પદાતિઓનો મોટો સંહાર કરી રહ્યો હતો.કર્ણના અસ્ત્રતેજથી પાંડવોના સૈન્યનો નાશ થવા લાગ્યો ને સૈન્ય પાછું હટવા લાગ્યું હતું.
તે જોઈને અર્જુને હસતાં હસતાં પોતાના અસ્ત્ર વડે કર્ણના અસ્ત્રનો નાશ કરી નાખ્યો અને બાણોનો વરસાદ વરસાવી દઈને દિશા,આકાશ ને ભૂમિને તદ્દન ઢાંકી દીધા.તેના બાણોથી કૌરવ સૈન્ય એવું તો ઘવાઈ જવા લાગ્યું હતું કે તે ચારે બાજુ ભાગીને કિકિયારીઓ પાડવા લાગ્યું હતું.કેટલાએક યોદ્ધાઓ મરણનો નિશ્ચય કરીને યુદ્ધ કરી રહ્યા હતા તો કેટલાક ભયભીત થઈને નાસી જતા હતા.તેવામાં સૂર્યદેવ અસ્તાચળ પાસે પહોંચી પૃથ્વીની અંદર પેસી ગયા.સર્વ સ્થળે અંધકાર છવાઈ ગયો.ને બંને તરફનાં સૈન્યો પોતપોતાની છાવણી તરફ પાછાં ફરવા લાગ્યાં.ને વિશ્રાંતિ લેવા લાગ્યા હતા.તે સમયે રુદ્રના ક્રીડાક્ષેત્ર સમાન ઘોર દેખાવના તે રણક્ષેત્રમાં રાક્ષસો,પિશાચો અને શિકારી જનાવરોના ટોળેટોળાં પહોંચ્યાં.(44)
અધ્યાય-30-સમાપ્ત
