અધ્યાય-૩૧-સત્તરમો દિવસ-શલ્ય સારથિ થાય તો વિજયનો સંભવ
II धृतराष्ट्र उवाच II स्वेन च्छदेन नः सर्वानवध्यिन्कतमर्जुन I नह्यस्य समरे मुच्येदन्त्को प्याततायिनः II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-અર્જુન પોતાની ઈચ્છાથી જ આપણા બધાનો નાશ કરી રહ્યો છે-એ વાત સ્પષ્ટ જ છે,અર્જુન કંઈ સામાન્ય પુરુષ નથી.અર્જુન જયારે શસ્ત્રને ધારણ કરીને યુદ્ધમાં ઉભો હોય ત્યારે સાક્ષાત કાળ પણ તેની પાસેથી જીવતો છૂટે નહિ તેવો તે પરાક્રમી છે.તે અર્જુને એકલાએ સુભદ્રાનું હરણ કર્યું છે,એકલાએ જ ખાંડવ વનમાં અગ્નિને તૃપ્ત કર્યો છે,તેણે એકલાએ જ આખી પૃથ્વી જીતી લઈને સર્વ રાજાઓને કર આપતા કર્યા છે,તેણે એકલાએ જ નીવાત કવચોને મારી નાખ્યા છે,એકલાએ જ શ્રીશંકર સામે યુદ્ધ કર્યું છે,ને એકલાએ જ ઘોષયાત્રાના પ્રસંગમાં દુર્યોધન-આદિનું રક્ષણ કર્યું છે.એવા વીર શત્રુ સામે ઝઝૂમી રહેલા આપણા દુર્યોધન આદિ યોદ્ધાઓ નિંદા પાત્ર નથી પણ ઉલટા પ્રશંસા પાત્ર છે છે કારણકે તેવા બળવાન શત્રુને મેળવીને દુર્યોધન આ જગતમાં વિખ્યાત થયો છે.હે સંજય,પછી દુર્યોધને શું કર્યું હતું તે તું મને કહે.
સંજય બોલ્યો-તે દિવસના યુદ્ધમાં શત્રુઓથી પરાજય પામીને અભિમાની કૌરવો મનમાં ઘણા જ દુભાતા હતા.ને છાવણીમાં બેઠેલા તેઓ માંહેમાંહે ભવિષ્ય માટેનો વિચાર ચલાવવા લાગ્યા હતા.તે વેળા કોપેલા સર્પની જેમ નિશ્વાસ નાખતો કર્ણ,હાથે હાથ ઘસતો તમારા પુત્ર સામે જોઈને કહેવા લાગ્યો કે-'ખરેખર અર્જુન,જો સાધન,દૃઢ,ચતુર ને ધૈર્યવાન છે તો શ્રીકૃષ્ણ પણ તેને સમયોચિત સલાહ ને સૂચનાઓ આપ્યા કરે છે.આજના યુદ્ધમાં તેણે એકાએક અસ્ત્રો ફેંકીને આપણને છેતર્યા છે,પણ હે રાજા,આવતી કાલના યુદ્ધમાં હું તેના સર્વ સંકલ્પનો નાશ કરીશ'
કર્ણનાં એ વચન સાંભળી 'બહુ સારું' એમ કહીને દુર્યોધને સર્વ રાજાઓને વિશ્રાંતિ લેવાની રાજા આપી એટલે સર્વ રાજાઓ પોતપોતાના તંબુઓમાં ચાલ્યા ગયા.તે બધાએ એ રાત્રિ સુખપૂર્વક વ્યતીત કરીને બીજા દિવસના પ્રભાતમાં તેઓ બધા યુદ્ધ કરવા નીકળી પડ્યા.છાવણીની બહાર નીકળતાં જ,બૃહસ્પતિ અને શુક્રાચાર્યના મતનો આધાર લઈને યુધિષ્ઠિરે રચેલો દુર્જય વ્યૂહ તેમના જોવામાં આવ્યો.હવે દુર્યોધન અને સર્વ સૈન્યોનું મન કર્ણ પ્રત્યે જ ગયું.તેઓ બધાના મનમાં પોતાનું રક્ષણ કરે તેવો એક માત્ર કર્ણ જ તેમને દેખાવા લાગ્યો.
ધૃતરાષ્ટ્ર બોલ્યા-'તે પછી,દુર્યોધને શું કર્યું?જેમ,ટાઢથી કડકડતો પુરુષ સૂર્ય સામે જુએ,તેમ,બધાએ કર્ણને ત્યાં જોયો કે નહિ?કર્ણે ત્યાં કેવું યુદ્ધ કર્યું હતું?કર્ણ એકલો જ યુદ્ધમાં પાંડવો ને સૃન્જયોનો નાશ કરી નાખે તેવો છે.તેનાં શસ્ત્રો અને પરાક્રમ ઘોર છે અને તેથી જ દુર્યોધન તેનો આશ્રય કરીને મદમત્ત બની ગયો છે.મંદમતિ દુર્યોધન તે કર્ણનો આશ્રય કરીને શ્રીકૃષ્ણ સહિત પાંડવોને જીતી લેવાનો ઉત્સાહ રાખે છે.મહાદુઃખની વાત એ છે કે તે કર્ણ પણ પાંડવોને જીતી શક્યો નહિ માટે અવશ્ય માનવું પડે છે કે,એમાં દૈવની પ્રતિકૂળતા જ મુખ્ય કારણ છે.જુગાર રમવાથી જ આ ભયંકર પરિણામ ઉપસ્થિત થયું છે.
હે સંજય,એ ઘણી જ શોકજનક વાત છે કે દુર્યોધનને કારણે જ ઘણાં તીવ્ર દુઃખો મારે સહન કરવાં પડે છે.એ દુઃખો મને શૂળની જેમ સાલે છે.કર્ણ,પણ તે સમયે શકુનિને નીતિમાન માનતો હતો અને દુર્યોધન તો નિત્ય તેને જ અનુસરી રહ્યો હતો.જયારે આ યુદ્ધમાં મારા પુત્રોને નિત્ય મરણ પામેલા ને પરાજય પામેલા સાંભળું છું,ત્યારે શું આપણા પક્ષમાં એવો કોઈ પુરુષ નથી કે જે પાંડવોને યુદ્ધમાં અટકાવી શકે?જેમ,સ્ત્રીઓના ટોળામાં કોઈ પુરુષ નિર્ભય થઈને પ્રવેશ કરે,તેમ,પાંડવો પણ કૌરવ સૈન્યમાં નિર્ભય થઈને પ્રવેશ કરે છે માટે જરૂર દૈવ જ સર્વોત્કૃષ્ટ બળવાન છે'
સંજય બોલ્યો-'હે રાજન,શું તમે પહેલાં મોટાં ધર્મનાં કાર્યો કર્યા છે?ખરેખર તો તમે એક પણ ધર્મકાર્ય કર્યું નથી,પણ બધાં અધાર્મિક કૃત્યો જ કર્યા છે,તેનો વિચાર કરો.આખી મનુષ્યજાતનો એ સ્વભાવ છે કે,જે કાર્ય પ્રથમ થઇ જાય છે તેનો પાછળથી વિચાર કરાવવા બેસે છે,પરંતુ કોઈ સમજતું નથી કે થઇ ગયેલું કાર્ય પુનઃ આપણે ધારીએ તે સ્થિતિમાં આવી શકતું નથી,ઉલટું તેની ચિંતા કરવાથી નાશ જ પામે છે.તે જ પ્રમાણે તમે પણ રાજ્યલાભરૂપ કાર્યને અત્યંત દુર્લભ જાણતા હતા,છતાં,તેને મેળવવાના ઉપાયોમાં પ્રથમથી જ યોગ્યાયોગ્યની પરીક્ષા ન કરી અને હવે કેવળ પશ્ચાતાપ જ કરો છે,કારણકે હવે કોઈ ઉપાય રહ્યો નથી અને તમારા બળાપાથી પણ કાર્યની સિદ્ધિ થઇ શકે તેમ નથી.
પાંડવોએ તમને ઘણું કહ્યું હતું કે-'તમે યુદ્ધ ન કરો' પણ મોહને વશ થઈને તમે તેમનું વચન માન્યું જ નહિ ને નિત્ય પાંડવો પ્રતિ ઘોર પાપકૃત્યો જ કર્યા છે.ને તે પાપકૃત્યોના પરિણામે જ સર્વ રાજાઓનો ને મનુષ્યોનો આ ઘોર સંહાર ચાલી રહ્યો છે.હવે ગઈ ગુજરીનો શોક ન કરો કારણકે તમારા શોકથી બગડેલું આ કાર્ય હવે કદી સુધરી શકે તેમ નથી.માટે હવે તે ઘોર સંહાર વિષે જે હું કહી રહ્યું છે તે તમે સાંભળો.સોળમી રાત્રિ પસાર થઇ ગઈ ત્યારે કર્ણ દુર્યોધન પાસે આવી કહેવા લાગ્યો કે-
